શાળાને જીવંત રાખનારા તત્ત્વો કયા છે? શાળા એટલે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જીવંત અસ્તિત્વથી ધબકતી જગ્યા, જ્યાં ચહલપહલ ન હોય, કલરવ ન હોય, પ્રવૃત્તિ ન હોય, નવા વિચારોના અમલીકરણ માટે પ્રયોગો ન થતા હોય, જ્યાં બધું સૂમસામ હોય, તે જગ્યા કદી પણ જીવંત શાળા ન હોઈ શકે. જીવંત શાળા એટલે આદર્શ સમાજની લઘુઆવૃત્તિ. આપણે જેવો સમાજ જોવા ઈચ્છીએ છીએ, એ સમાજના બધા જ ઘટકોનો સમાવેશ સુયોગ્ય રીતે થયેલો હોય તે શાળા એટલે ધબકતી શાળા. શાળાને ધબકતી રાખવા માટે ભૌતિક સંસાધનો તો જરૂરી છે જ, પરંતુ સાથોસાથ શાળા સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓના માનસમાં યોગ્ય ભાવજગતનું નિર્માણ થાય તે પણ એટલું જ જરૂરી છે. ભાવજગતની વાત કરીએ તો શાળાના સંચાલક, આચાર્ય, શિક્ષકો, બિનશૈક્ષણિક કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ, આ દરેક વ્યક્તિઓના મનમાં આ શાળા એ ‘મારી શાળા’ છે, તેવા ભાવનું નિર્માણ થવું જોઈએ. જ્યારે કોઈ પણ વસ્તુ મારી છે એવું લાગવા માંડે, ત્યારે આપમેળે તેના વિકાસ માટે, તેની જાળવણી માટે,તેના સંવર્ધન માટેના પ્રયત્નો આપોઆપ થવા લાગતા હોય છે. મારાપણાનો ભાવ એ શાળાની જીવંતતા માટે અનિવાર્ય છે. એક ડગલું આગળ વધીને કહીએ તો ‘અમાર...