શાળાને જીવંત રાખનારા તત્ત્વો કયા છે?
શાળા એટલે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જીવંત અસ્તિત્વથી ધબકતી જગ્યા, જ્યાં ચહલપહલ ન હોય, કલરવ ન હોય, પ્રવૃત્તિ ન હોય, નવા વિચારોના અમલીકરણ માટે પ્રયોગો ન થતા હોય, જ્યાં બધું સૂમસામ હોય, તે જગ્યા કદી પણ જીવંત શાળા ન હોઈ શકે. જીવંત શાળા એટલે આદર્શ સમાજની લઘુઆવૃત્તિ. આપણે જેવો સમાજ જોવા ઈચ્છીએ છીએ, એ સમાજના બધા જ ઘટકોનો સમાવેશ સુયોગ્ય રીતે થયેલો હોય તે શાળા એટલે ધબકતી શાળા. શાળાને ધબકતી રાખવા માટે ભૌતિક સંસાધનો તો જરૂરી છે જ, પરંતુ સાથોસાથ શાળા સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓના માનસમાં યોગ્ય ભાવજગતનું નિર્માણ થાય તે પણ એટલું જ જરૂરી છે. ભાવજગતની વાત કરીએ તો શાળાના સંચાલક, આચાર્ય, શિક્ષકો, બિનશૈક્ષણિક કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ, આ દરેક વ્યક્તિઓના મનમાં આ શાળા એ ‘મારી શાળા’ છે, તેવા ભાવનું નિર્માણ થવું જોઈએ. જ્યારે કોઈ પણ વસ્તુ મારી
છે એવું લાગવા માંડે, ત્યારે આપમેળે તેના વિકાસ માટે, તેની જાળવણી માટે,તેના સંવર્ધન માટેના પ્રયત્નો આપોઆપ થવા લાગતા હોય છે. મારાપણાનો ભાવ એ શાળાની જીવંતતા માટે અનિવાર્ય છે. એક ડગલું આગળ વધીને કહીએ તો ‘અમારું’ કે ‘આપણું’ શબ્દ કરતા ‘મારું’ શબ્દ વધારે આત્મીયતા જગાવે છે. આ શાળા મારી છે, આ શાળાની સાધન સંપત્તિ એ મારી છે અને તેને સાચવવું એ મારી ફરજ છે, આવો ભાવ એ શાળાને ધબકતી રાખવા માટે જરૂરી
છે. આ શાળા સાથે સંકળાયેલી વ્યક્તિઓ મારી છે, આ વ્યક્તિઓ પારકા નથી અને પરિવારમાં જેમ દરેક સભ્યોને તેમની ખૂબીખામીઓ સાથે આપણે સ્વીકારીએ છીએ, તે જ રીતે શાળાપરિવારના તમામ વ્યક્તિઓને સ્વીકારવાનો ભાવ,જો આપણામાં પ્રસ્થાપિત થાય તો ઘણી બધી સંભવિત સમસ્યાઓ ઉત્પન્ન થતા પહેલા જ અટકી જાય. જો મારાપણાનો ભાવ જન્મે તો શાળા સાથે એક માયા બંધાય, એક નાતો બંધાય, એક સંબંધ બંધાય અને શાળા પ્રત્યે વૈરાગ્યનો ભાવ ન જન્મે, શાળાથી અલગપણાનો ભાવ ન જન્મે, શાળાથી દૂર જવાની ઈચ્છા ન થાય, શાળા એ પોતાનું ઘર સમાન
લાગવા માંડે અને આવું થવા લાગ્યા પછી કોઈ શાળા જીવંત ન બને તો જ નવાઈ....!!
ભાવજગતના સર્જન માટે બીજી ખૂબ અગત્યની બાબત કે દરેક વ્યક્તિને પોતાની શાળા માટે ગૌરવ હોવું જોઈએ. દરેક વ્યક્તિની જેમ દરેક સંસ્થામાં પણ સારાનરસા પાસાઓ હોવાના જ. માત્ર ખરાબ પાસાઓને જ જોયા કરીને પોતાની શાળા માટે અણગમો વ્યક્ત કરવો, એ શાળાની જીવંતતા માટે ઘાતક છે. શાળા એ બહુઆયામી ઘટના છે, જેમાં અનેક લક્ષણો ધરાવતા વ્યક્તિઓ અને પાસાઓનો સમાવેશ થાય છે, ત્યારે કોઈને કોઈ બાબત આપણને ન ગમતી પણ હોવાની જ, પરંતુ જે શાળા સાથે આપણે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે, એ શાળા માટે આપણને ગૌરવ હોવું જોઈએ અને તેનું ગૌરવ સતત વધતું રહે તે માટે આપણાથી શક્ય બને તેટલા પ્રયત્નો આપણે કરવા જોઈએ. હા, શાળાની સારી બાબતોની જાણકારી અને નિવારવાલાયક બાબતો અંગે સભાનતા ચોક્કસ હોવી જોઈએ, જેથી કરીને શાળાના ઉત્તરોત્તર વિકાસ માટે આપણે આયોજનબદ્ધ રીતે આગળ વધી શકીએ, પરંતુ શાળા પ્રત્યેના આપણા ગૌરવમાં લેશમાત્ર ઘટાડો ન
થાય એ ભાવ જાળવી રાખવો ખૂબ જરૂરી छे. ત્રીજી બાબત છે ‘પરસ્પર દેવો ભવ’. શાળાના કર્મચારીગણમાં અંદરોઅંદર એકબીજા પ્રત્યે આદરભાવ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ સાથે સ્ટાફમાં સહેજ વાંકું પડે અને આપણે તેના પ્રત્યે દુર્ભાવ રાખીએ તો તેનાથી શાળાકીય ભાવવરણને વિપરીત અસર થતી હોય છે. દરેક વ્યક્તિની ક્ષમતાઓ અલગ અલગ છે. તેથી બની શકે કે કોઈ એક કર્મચારી વધારે સારું કામ કરીને પોતાનો વિકાસ કરીને નામના પ્રાપ્ત કરે તો તે વખતે ઈર્ષ્યા કે તેજોદ્વેષને કારણે બીજા કર્મચારીઓ તેની નિંદા કરે અથવા તેની એકાદ બે નાની ભૂલોને મોટી કરીને બતાવવાનો પ્રયત્ન કરે અથવા તો વિદ્યાર્થીઓ સમક્ષ અન્ય શિક્ષકો વિશે ઘસાતું બોલે, ત્યારે શાળાકીય સમગ્ર ભાવજગત ખોરવાતું હોય છે. આવી ઘટનાઓનો ખોટો મેસેજ વિદ્યાર્થીઓમાં જવાને કારણે તેમને મજાકનો વિષય મળે છે અને શાળાની જીવંતતા ખંડિત થાય છે. શાળાનો કર્મચારીગણ એક પરિવાર છે અને પરિવારમાં અલગ અલગ વિચારધારા ધરાવતી વ્યક્તિઓનો આપણે સાહજિક સ્વીકાર કરીએ છીએ, તે જ રીતે દરેકનો
સ્વીકાર કરીને એકબીજાને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિક્ષકોએ શાળાના વિદ્યાર્થીઓના વિકાસ માટે એક જૂથ બનીને તથા એકબીજાના પૂરક બનીને સામૂહિક પ્રયાસો કરવા જોઈએ, તો જ શાળા સતત સિદ્ધિના શિખરો તરફ ગતિશીલ બની શકે.
ઘણીવાર સ્ટાફમાં કામની વહેંચણી બાબતે મતભેદ થતા હોય છે, જે આગળ જતાં મનભેદમાં રૂપાંતરિત થઈ જાય છે. આનો એકમાત્ર ઉપાય પોતાનું મન મોટું રાખવાનો છે. શાળા પરિવારના સભ્યો, શાળાના અને વિદ્યાર્થીઓના વિકાસ માટે બીજા કેટલું કામ કરે છે, તે જોતા રહેવાને બદલે પોતે કેટલું વધારે કરી શકે છે એ બાબતને ધ્યાનમાં રાખે અને બીજો કરે કે ન કરે પરંતુ હું આ કામ કરીશ અને શાળાના વિકાસમાં મારું યોગદાન આપીશ એવી ભાવના રાખે તો શાળાને ધબકતી બનતા કોઈ અટકાવી શકે નહીં. શાળાકીય આયોજન સાથે સંકળાયેલા દરેક કામો એક સરખા હોતા નથી. આવા સમયે દરેકે પોતાની ક્ષમતા અનુસાર અને પોતાનાથી શક્ય તેટલો વધારે કામ કરવાનું આગ્રહ રાખવો જોઈએ. આપણા કામની નોંધ આચાર્ય કે સંચાલકો લે કે ન લે પરંતુ ઈશ્વરના
દરબારમાં આપણું કૃત્ય, આપણા કર્મો સતત લખાતા હોય છે, એ બાબતને દરેકે યાદ રાખવી જોઈએ. પરમકૃપાળુ ઈશ્વર આપણા દરેક કાર્યની નોંધ રાખીને તેનો બદલો આપણને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપતો જ હોય છે, એવો ભાવ, એવો વિશ્વાસ રાખીને આપણે દરેક કામમાં પોતાનો હાથ લંબાવવો જોઈએ. કોઈ કામ ન આવડતું હોય તો તેને શીખીને પણ એ કામ કરવા માટે પોતાનો સહકાર કે યોગદાન આપવું જોઈએ. ઘણી વખત ઘણી બાબતો એક પહેલને કારણે અટકી જતી હોય છે. આવા સમયે નાના-મોટા દરેક કર્મચારીએ પહેલવૃત્તિ કેળવીને કાર્ય શરૂ કરવું જોઈએ. આ કામ મારું નથી એવું વિચારીને જો આપણા અટકી જઈશું તો કોઈ જ કામ નહીં કરી શકીએ. જન્મજાત આપણે કોઈ જ કૌશલ્ય કે આવડત લઈને આ પૃથ્વી પર અવતરતા નથી. દરેક કામને શીખી શકાય છે. સ્વવિકાસ માટેનો પણ આ ઉત્તમ રસ્તો છે. આ તો થઈ શાળાના સ્ટાફના ભાવજગતની વાત. વધુ વિગતો આવતા લેખમાં જોઈશું....
કી-પોઈન્ટ
કામ કરનાર કદર કરનારની રાહ જોતો નથી
પોસ્ટ માહિતી સ્રોત: ગુજરાત ગાર્ડિયન (અશ્વિન પટેલ)