સીદી પ્રજાનું આપણે ત્યાં આગમન, નિવાસ અને ગુજરાતી બનીને અહીં દૂધમાં સાકરની જેમ ભળી જવું, એ વાતનો ઇતિહાસ પાંચસોથી વધુ વરસના કાળખંડમાં પથરાયેલો છે. ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વસેલી આ પ્રજાના અહીંના આગમન બાબતે, એક કરતાં વધુ થિયરીઓ પ્રચલિત છે. કોઈ કહે છે કે, ધંધાર્થે સાગર ખેડી દૂર દરિયાપારના દેશોમાં વેપાર કરવા ગયેલ આપણાં ગુજરાતી પૂર્વજો તેમની સાથે આ પ્રજાને ગુજરાતમાં લઈ આવેલા. બીજા એક મત અનુસાર આપણે ત્યાં આવેલા આરબો, પોર્ટુગીઝો અને અંગ્રેજો આ પ્રજાને કામ કરવા અર્થે લઈ આવેલા.
આરબો, પોર્ટુગીઝો અને અંગ્રેજો જે દેશમાં જાય ત્યાં ત્યાં ગુલામો તરીકે સીદી પ્રજાને સાથે લઈ જતા હતા. બસ, એ રીતે તેઓ આ પ્રજાને પણ આપણે ત્યાં લઈ આવેલા. ગુલામ તરીકે આવેલી આ પ્રજા અહીં નોકર, સુરક્ષાકર્મી અને રાજા તથા નવાબના અંગત વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે રહીને ઠરીઠામ થઈ છે.
એક મત મુજબ આફ્રિકા ખંડની મૂળ વતની આ પ્રજા ગઝનવીના ભારત પરના આક્રમણ સમયે તેની સાથે અહીં આવેલી. નગારાવાદક તરીકે આવેલી આ પ્રજાને ગઝનવી પાછો ફર્યો ત્યારે સોમનાથના કિનારે છોડી ગયેલો. આફ્રિકાનું વાતાવરણ અને જૂનાગઢ નજીકનું વાતાવરણ, વનપ્રદેશ સમાન જેવું લાગતા આ પ્રજા અહીં જ સ્થિર થયાનું જણાય છે.
આ પ્રજામાં હાલ શિક્ષણનું પ્રમાણ વધવાને લીધે એની વિકાસયાત્રા ઠીકઠીક પ્રમાણમાં વેગવંતી થયાનું જણાય છે. એક સમયે ગુલામ અને પછી મજૂર તરીકે કામ કરતી આ પ્રજાના અનેક યુવક-યુવતીઓ હાલ પોલીસ, લશ્કર, વનવિભાગ, વાહનવ્યવહાર અને શિક્ષણ જેવા વિભાગોમાં પોતાની ફરજ બજાવી રહ્યાં છે.
સીદી શબ્દનો અર્થ નોર્થ આફ્રિકા, ઈજિપ્ત અને અરેબિકમાં 'સંત' એવો થાય છે. ભગવદ્ ગો મંડળમાં એનો અર્થ હબસી કે નિગો બતાવવામાં આવ્યો છે. સૈયદ શબ્દમાંથી પણ આ શબ્દ અપભંશ પામ્યો હોય એમ પણ બની શકે છે.
સીદી પ્રજા પોતાના વિશિષ્ટ દેખાવને કારણે આપણાથી અલગ તરી આવે છે. તેઓની માતૃભાષા સ્વાહિલી છે, પણ આ પ્રજા જે પ્રદેશમાં જાય છે ત્યાંની ભાષાને એ બરાબર રીતે સ્વીકારી લે છે. ગુજરાતમાં આ પ્રજા ગુજરાતી અને હિન્દી ભાષા બોલે છે તો મહારાષ્ટ્રમાં એ મરાઠી, કર્ણાટકમાં કન્નડ આંધ્રમાં તેલુગુ અને ગોવામાં કોંકણી ભાષાનો ઉપયોગ કરે છે.
સીદી પ્રજામાંથી કેટલાક રાજાઓ પણ બન્યા છે. જેમાં સીદી સૈયદ, " સીદી મૌલાના, સીદી યાકુબ, સીદી હિલાલ અને સીદી મસૂદની ગણતરી પ્રમુખ રાજાઓમાં થાય છે. એમના વસવાટ પરથી કહી શકાય કે, આ પ્રજાને બંદર, દરિયાકિનારો અને વનવિસ્તાર વધુ માફક આવે છે. એક સમયે ઝાંઝીબાર અને મસ્કત જેવાં વેચાણ કેન્દ્રો પર આ પ્રજાનું વેચાણ થતું અને જરૂરિયાત મુજબ તેમને ગુલામ, મજૂર કે સૈનિક તરીકેનું કામ સોંપાતું હતું.
ઘણા સીદીઓ સ્વબળે પણ લશ્કરમાં સેનાપતિ બન્યાના દાખલા મળી આવે છે. મોટાભાગે મુસ્લિમ ધર્મ આ પાળતી સીદી પ્રજાએ સ્થળ, સમય અને સ્થિતિ મુજબ ધર્મ અપનાવ્યાનું જણાય છે. નવાઈ લાગે એવી વાત એ છે કે, કર્ણાટકમાં તત્કાલીન સમયે હિન્દુ રાજય હોવાથી ત્યાંના કનારા જિલ્લામાં હિન્દુ ધર્મ પાળતા સીદીઓની વસતિ પણ મળી આવે છે.
અંગ્રેજ શાસન સમયે કેટલાક સીદી લોકો ખ્રિસ્તી ધર્મ પણ પાળતા થયેલા.બોમ્બે ગેઝેટિયરની નોંધ મુજબ પંદરમી સદીમાં ભારતમાં આવેલ સીદી, મૂળ આફ્રિકાના અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસીઓના આ વંશજ માનવામાં આવે છે. નૃવંશશાસ્ત્રીઓના મત મુજબ ભારતનો પશ્ચિમ પ્રદેશ અને આફ્રિકા જમીન માર્ગે જોડાયેલા હતા. ભૌગોલિક ફેરફારોને લીધે વચ્ચેની જમીન દરિયામાં ફેરવાઈ જતા આ પ્રજા આફ્રિકા અને ગુજરાત એમ બે ભાગોમાં વહેંચાઈ ગઈ.
ગુજરાતમાં જાંબુર ગામ સીદી વસતિવાળું મોટું ગામ છે. અહીં પંચાણું ટકા વસતિ સીદી લોકોની છે. શિરવાણમાં તેઓની વસતિ સો ટકા છે. તાલાળા, મેંદરડા, વિસાવદર, સાસણ તુલસીશ્યામ, જાફરાબાદ, ગીર મહાલના નેસ, સાંબરડી, ગીદડિયા, રસુલપરા, વલોણા, દુધાળા, વળધારી, મોરુકા, સાંગાવાડી, ચિત્રાવડ, જાવંત્રી વગેરે ગામોમાં સીદી પ્રજા વસવાટ કરે છે. મોટાભાગે આ પ્રજા ખેતી અને મજૂરીકામ કરે છે.
જંગલની જડીબુટ્ટીમાંથી દવા બનાવી પગભર બનતી આદિવાસી સીદી બાદશાહ મહિલાઓ.
ગીર જંગલની મધ્યે રહેતી સીદી બાદશાહ કોમની મહિલાઓએ આત્મનિર્ભર બનવા માટેનો અનોખો માર્ગ શોધી કાઢયો છે. જંગલમાંથી જડીબુટીઓ લાવીને તેમાંથી દેશી દવા બનાવીને હવે આ મહિલાઓ પગભર બનવા માંડી છે.
ગીર જંગલમાં આવેલા માધુપુર ગામની સીદી બાદશાહ સમાજની મહિલાઓએ એક સખી મંડળ બનાવ્યું છે. અને આ મહિલાઓ ગિર જંગલમાં આવેલી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને શુદ્ધ આયુર્વેદિક દવાઓ બનાવે છે.
ક્યાં રોગ માટે કંઈ દવા અસરકારક રહે છે તેનું માર્ગદર્શન આ મહિલાઓ આયુર્વેદના નિષ્ણાંતો પાસેથી મેળવે છે. અને બાદમાં આયુર્વેદ શાસ્ત્રોમાં ઉલ્લેખ હોય તેવી ઔષધિઓ ઓળખીને જંગલમાંથી લાવે છે. બાદમાં તેમાંથી દવા બનાવી જુદી જુદી બોટલો તથા પેકેટોમાં તેને ભરીને તેનું વેંચાણ કરે છે. ગીર વિસ્તારની મહિલાઓ પેઢીઓથી આ દેશી દવાઓ વિશે જાણે છે. સરકાર દ્વારા આ મહિલાઓને રૂ.૧૦ હજારનું રીવોલ્વિંગ ફંડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી છે.
જૂનાગઢના નવાબ માટે સીદી લોકો અત્યંત વિશ્વાસુ ગણાતા એટલે સીદી લોકોને તેઓ પોતાના માટે વિશેષ સેવામાં રાખતા હતા.
આ પ્રજા સોરઠમાં પોતાની સંસ્કૃતિ લઇને આવી છે. આ પ્રજાએ ઘણા સૂફી સંતો આપ્યા છે. તેઓ હજરત બિલાલના વંશજ હોવાનું મનાય છે. તેમના લગ્ન, રિવાજો, સામાજિક પરંપરાઓ, શ્રદ્ધા અને માન્યતાઓ પણ વિશિષ્ટ છે. અનુસૂચિત જનજાતિ તરીકે અહીં વસવાટ કરતી આ પ્રજા પૈકી 'કાફરા' તરીકે ઓળખાતા સીદી દીવમાં વસવાટ કરે છે તો રાજવંશી સીદીઓ જાફરાબાદમાં રહે છે.
તાલાળામાં વસતા સીદી એક શાખમાં લગ્ન નથી કરતા, જ્યારે અન્યત્ર વસતા સીદી આંતરશાખ લગ્ન કરે છે. મુસ્લિમ ધાર્મિક રિવાજ મુજબ આ પ્રજામાં શાદી થાય છે. ‘જમાત' નામનું તેઓનું સામાજિક સંગઠનનું પંચ છે, જે તેઓના માટે નિયમો બનાવે છે. સીદી ગુજરાતી પરંપરા મુજબનો ખોરાક લે છે. વાર તહેવારે માંસાહાર પણ કરે છે. જાંબુરમાં આવેલી નગારચી બાવાની દરગાહ અને ભરૂચ જિલ્લામાં આવેલી હજરત બાવાગૌરની દરગાહ તેમના માટે બહુ જે ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. તેમના પૂજારી મુંજાવાર કહેવાય છે.
તેઓનું ‘ધમાલનૃત્ય' ખૂબ જાણીતું છે. સીદી પ્રજાએ જંગલના આ નૃત્યને સ્વરૂપાંતરે જાળવી રાખ્યું છે. હાથમાં ‘મશીરા' (નાળિયેરની આખી કાચલીમાંથી બનાવેલું કોડીઓ ભરીને લીલું કપડું વીંટાળી તાલબદ્ધ વગાડવા માટે બનાવેલું સાધન) મોરપિચ્છનો ઝુંડ અને નાના ઢોલકા સાથે ગોળાકાર ફરીને કરાતું નૃત્ય 'ધમાલનૃત્ય' તરીકે પ્રસિદ્ધ છે. આ નૃત્ય જોનારને એકવાર તો અવશ્ય મંત્રમુગ્ધ કરે જ.
આ નૃત્યના ગીત એકદમ ટૂંકા, પ્રાથમિક અને માત્ર બેથી ત્રણ શબ્દના જ હોય છે. જયમલ્લ પરમારની નોંધ મુજબ હાસ્યમિશ્રિત ભય, છટા, એમનો દેખાવ અને હાવભાવ તથા શાસ્ત્રીય પેટર્ન સાથેની 'કથકલી’ જેવી આગવી મુખમુદ્રા આ નૃત્યને વિશેષ બનાવે છે.
હીરબાઈ લોબી સીદી સમાજના રિયલ હીરો :
હીરબાઈ લોબી સીદી સમાજના રિયલ હીરો છે. માત્ર બે ધોરણ ભણેલાં હીરબાઈ ત્રણ દાયકાથી સમાજની સ્ત્રીઓ તથા સમાજના ઉત્થાન માટે કાર્ય કરી રહ્યાં છે. ભારત સરકારે આ વર્ષે તેઓને પદ્મશ્રી પુરસ્કાર'થી નવાજ્યા હતા.
સીદી પ્રજામાં જે નવા આવ્યા છે તે વિલાયતી અને જે અહીં જન્મ્યા તે મુવલ્લદ તરીકે ઓળખાય છે. એક રાજકર્તા સીદી અને બીજા સામાન્ય સીદીઓ. રાજવંશીની ભાષા સામાન્ય સીદીથી જુદી પડે છે. સીદી સામાન્ય રીતે મોજીલી પ્રજા છે. જક્કીપણું અને વફાદારી એમનું પ્રમુખ લક્ષણ છે.
નોકરિયાત સીદી મિતાહારી અને સુઘડ જીવન જીવે છે. ઇતિહાસવિદ પ્રધુમ્ન ખાચરની નોંધ મુજબ સીદીઓમાં મામદાણી, મકવા, મોગીન્ડો, વંઘેરા, મિયારા, ચોવટ, ચોટિયારા, નૌબી, લોબી, મજગુલ, સાયલી, બાદરાણ જેવી અટકો જોવા મળે છે. મેલમ, અંબાડા અને શેખ અટક રાજકર્તા સીદીઓમાં હોય છે.
ભાવનગરના રાજવી મહારાજા ભાવસિંહજી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સમયમાં સીદી મુબારક મહારાજા માટે અંગત અને વફાદાર સાથી હતા. એની વફાદારીને લીધે મૃત્યુ સમયે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એના જનાજાને કાંધ આપી હતી.
એની મજાર પર એક તકતી છે, જેના પર લખાયેલું છે કે 'લોક ઑફ નીલમબાગ ' સીદી મુબારક ભાવનગર રાજ્યનું એવું મજબૂત તાળું હતું, જેણે રાજના કીમતી ખજાનાની વર્ષો સુધી રખેવાળી કરી હતી. આવી સીદી પ્રજાનું ગુજરાતી તરીકે આપણે ગૌરવ કરવું જ રહ્યું.
Post credit: sandesh newspaper and image credit: google