કોઈપણ સમાજ વિશે ભવિષ્યવાણી કરવી હોય કે જે તે સમાજ આજથી દસ, વીસ કે પચાસ વર્ષ પછી કેવો હશે તો તેના માટે આજે વર્તમાન સમયમાં એ સમાજના લોકો કયા પ્રકારનું શિક્ષણ મેળવે છે તે જાણવું પડે. શિક્ષણ એ પેઢી નિર્માણનું કાર્ય છે. આજે સમાજમાં દેખાતી બદીઓ કે સમસ્યાઓનું મૂળ એ આજથી દાયકા-બે દાયકા પહેલા અપાયેલા શિક્ષણનું પરિણામ છે અને જો સમાજનું આવું ચિત્ર અનિચ્છનીય હોય, ન ગમતું હોય તો ચોક્કસપણે આપણે આજની શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન કરવું પડે. શિક્ષણની પ્રક્રિયા જીવનલક્ષી બનવી જોઈએ. વિષયોનું જ્ઞાન એ જીવન જીવવા માટે પૂરતું નથી. વ્યવસાયિક કૌશલ્યો રોજગારી અપાવી શકે પરંતુ જીવનને સફળ બનાવવા માટે તો જાતે જ ચિંતન કરવું પડે. આજનું શિક્ષણ ચિંતનપ્રેરક બની રહે તેવા પ્રયત્નો થવા જોઈએ. સમાજમાં વધતા જતા આપઘાતના બનાવો સ્પષ્ટ સૂચવે છે કે વ્યક્તિ જીવનને યોગ્ય રીતે સમજ્યો જ નથી. ઘણીવાર એવું પણ લાગે છે કે આપણે ખોટું શિક્ષણ તો નથી આપી રહ્યા ને ? આજનો વિદ્યાર્થી માહિતીના ભાર હેઠળ કચડાઈ જાય તેટલી હદે શિક્ષણ ભારેખમ બની ગયું છે. મહાત્મા ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે ભણેલા ગણેલા લોકોની સંવેદનહીનતાએ સમાજ માટે ચિંત...