ચિંતનઃ આપણા વડીલોનો અભ્યાસ કાંઈ ખાસ નહોતો, પરંતુ તેમનું વ્યવહારું જ્ઞાન અદ્ભુત હતું વ્યક્તિની યોગ્યતાનો માપદંડ કયો હોઈ શકે ?
બાળકોની શૈક્ષણિક સિદ્ધિ જોઈને હરખાતાં માતા - પિતાએ જરા એ પણ જોઈ લેવું જોઈએ કે એની પાસે સામાન્ય વ્યવહારું જ્ઞાન કેટલું છે. - ડો. જય વશી
ઘણીવાર પ્રશ્ન થાય માણસની યોગ્યતાનો માપદંડ કયો ? એની ડિગ્રી કે પછી એનું પદ ? જેની પાસે પદ અને પૈસો છે એને લાયક માનવું કે પછી જે શિક્ષિત છે જેની પાસે ઉચ્ચ અભ્યાસની ડિગ્રી છે એને લાયક માનવું. બાહ્ય રીતે યોગ્ય લાગતો માણસ લાયક ન પણ હોય શકે.
શિક્ષિત વ્યકિત યોગ્ય હોય જ એ માની લેવું ભૂલભરેલું છે. શૈક્ષિણક લાયકાત અને માણસની માણસ તરીકેની યોગ્યતાને એકબીજા સાથે કોઈ જ લેવાદેવા નથી.સમાજે થોપી દીધેલા આધારોને લઈને માણસને લાયક કે નાલાયક ઘણી લેવો એ વાત સાવ ભૂલભરેલી છે.
સામાન્ય રીતે નોકરી વખતે જે તે કામના અનુસંધાનમાં શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવતી હોય છે. જેવું કે જો હિસાબકિતાબનું કામ કરવાનું હોય તો કોમર્સ ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. એ જ રીતે ઈજનેરી ક્ષેત્રે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ અને એ અભ્યાસને લગતાં જરૂરી પ્રમાણપત્ર જેની પાસે હોય એને એ જગ્યા માટે લાયક માનવામાં આવે છે.
આ બધી વાતો તો થઈ સમાજે નક્કી કરેલા માપદંડોની. પરંતુ આ બધાની વચ્ચે પ્રશ્ન એ થાય છે કે માણસ, માણસ કહેડાવવા માટે લાયક છે એ નક્કી કરતો માપદંડ કર્યો ? માણસ હોવાનો પુરાવો આપતું કોઈ પ્રમાણપત્ર છે ખરું? જો આવું કોઈ પ્રમાણપત્ર હોય તો પણ એ સર્વસ્વીકૃત છે કે નહીં એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. ખરેખર તો માણસ લાયક છે કે નહીં એ નક્કી કોણ કરે ? એ નક્કી કરનાર પણ લાયક હોવો જોઈએને. આપણું વ્યવહારિક જગત સાવ અદભુત છે. લોકોને માપવાની માપપટ્ટી સાવ જુદી અને અકલ્પનીય છે. કોણ કોને અને કયા માપદંડથી માપતું હોય એ તો ઉપરવાળો જ જાણે !
અમુક વખત એવું જોવા મળે છે કે માણસ ચારિત્ર્યની દૃષ્ટિએ સાવ નબળો હોય પરંતુ એની પાસે ધન હોય એટલે પણ એ માનપાન મેળવે છે. અમુક કિસ્સાઓમાં માણસ પાસે ધન ન હોય પરંતુ બુદ્ધિ હોય તો પણ એ જગત જીતી લે છે. આમાં નક્કી કરવું મુશ્કેલ બને છે કે સાચી રીત કઈ. આ સંદર્ભમાં રશિયાના મહાન લેખક લિયો ટૉલ્સ્ટૉયનો કિસ્સો જાણવા જેવો છે.
એક વખત ટૉલ્સ્ટૉયની સંસ્થામાં એક માણસની જરૂરિયાત ઊભી થઈ. ટૉલ્સ્ટૉયના એક મિત્રને આ વાતની જાણ થઈ અને એમણે એક માણસને ટૉલ્સ્ટૉયની ઓફ્સિ મોકલ્યો. ટૉલ્સ્ટૉયના મિત્રને ખાતરી હતી કે એમણે મોકલેલ માણસની પસંદગી થઈ જશે અને એને નોકરી મળી જશે.
પરંતુ એના આશ્ચર્યની વચ્ચે એણે જોયું કે પેલા માણસને ટૉલ્સ્ટૉયે કામ આપ્યું નહી ! મિત્રને આ વાતની જાણ થઈ એટલે એમણે ટૉલ્સ્ટૉયને ઠપકો આપતાં કહ્યું કે, મેં જે માણસને તારી પાસે મોકલ્યો હતો એ પ્રતિભાશાળી હતો છતાં પણ તેં એને કેમ પસંદ ન કર્યો? ઊલટાનું તે એની જગ્યાએ એક એવા માણસને પસંદ કર્યો કે જેની પાસે કોઈ પ્રમાણપત્ર નથી. એનામાં એવા કયા ગુણ છે જે મેં મોકલેલા માણસમાં નહોતાં."
ટૉલ્સ્ટૉય તો ટૉલ્સ્ટૉય છે. એ જવાબ આપે છે કે, “મેં જેની પસંદગી કરી છે. એની પાસે અમૂલ્ય પ્રમાણપત્ર છે. એણે રૂમમાં પ્રવેશતા પહેલાં પરવાનગી માગી હતી. અંદર આવતા પહેલાં દરવાજો બંધ કરતી વખતે અવાજ ન થાય એ માટે પોતાના હાથ વડે હળવેથી એણે દરવાજો બંધ કર્યો. બેસતાં પહેલાં એણે ખુરશી સાફ કરી અને મારી પરવાનગી લીધા બાદ જ એણે બેઠક લીધી, એણે મારા દરેક સવાલનો જવાબ પૂરા આત્મવિશ્વાસ સાથે સંતુલિત રીતે આપ્યો. સવાલ જવાબ પૂરા થયા એટલે મારી મંજૂરી લઈને ઊભો થયો અને ચૂપચાપ જતો રહ્યો. કોઈ પણ પ્રકારની ભલામણનો ઉલ્લેખ ન કર્યો. હવે તું જ કહે દોસ્ત, આટલા બધા ગુણ ભરેલી વ્યકિત પાસે પ્રમાણપત્ર હોય તો પણ શું અને ન હોય તો પણ શો ફરક પડવાનો હતો !
ટૉલ્સ્ટૉયનો માપદંડ સાવ જ જુદો છે. આ માપદંડ દુનિયાદારીથી પર છે. માણસ પાસે ગમે એટલી શૈક્ષણિક લાયકાત હોય પરંતુ વ્યવહારું જ્ઞાન જો ન હોય તો એનો કોઈ જ અર્થ રહેતો નથી. સભ્યતા તો માણસનું અમૂલ્ય ઘરેણું છે, એના વિના માણસ સાવ ફિક્કો લાગે છે. આપણા વડીલોને જોઈએ તો એમણે કાંઈ ખાસ ઉલ્લેખનીય અભ્યાસ નહોતો કર્યો પરંતુ એમનું વ્યવહારું જ્ઞાન અદભુત હતું.
અમુક લોકો ભલે ભણેલા ન હોય પણ ગણેલા હોય છે. એટલે કે ઘડાયેલા હોય છે. જો કે ખરો માપદંડ જ એ છે. બાકી ડોક્ટર, એન્જિનિયર કે પછી શિક્ષક બન્યા હોય અને મોટા મોટા પ્રમાણપત્ર પણ મેળવ્યા હોય છતાં પણ જો વ્યવહારું જ્ઞાન ન હોય તો એ ડિગ્રી વ્યર્થ છે. માત્ર અર્થ ઉપાર્જનનું સાધન બની રહે છે. ગમે તેટલું ભણ્યા હોઈએ અને ગમે એટલી મોટી ડિગ્રી મેળવી હોય પણ જો માણસ પાસે માણસાઈનું તત્ત્વ જ ન હોય તો એ લાયક ગણાવવો જોઈએ નહી.
આપણે બધા જ શૈક્ષણિક લાયકાતને અથવા નાણાકીય અને રાજકીય લાયકાતને જ સફળતાનો આખરી માપદંડ માની બેઠા છીએ. સત્ય, પ્રેમ, કરુણા અને સંવેદનશીલતા આ ગુણો પણ વ્યકિત પાસે હોવા જોઈએ. સાચું કહીએ તો આ ગુણોને કારણે જ આ પૃથ્વી ટકી રહી છે. આ સિવાયની લાયકાત ન હોય તો પણ માનવીય અસ્તિત્વને વાંધો આવે એવું નથી.
અલબત્ત જેતે કામ માટે જેતે બાબતનો અભ્યાસ, એનું જ્ઞાન અને એ જ્ઞાન મેળવ્યું છે એની સાબિતી આપતાં પ્રમાણપત્ર જરૂરી છે એનો નકાર નથી. પરંતુ એ પ્રમાણપત્ર જ જરૂરી છે એ સિવાય બીજું કશું ન હોય તો ચાલે એ વાત ખોટી છે. ઉચ્ચ પદવી મેળવી હોય છતાં પણ એ માણસ પાસે વ્યવહારું જ્ઞાન ન હોય તો એ પોતાની કંપનીને ક્યારેય આગળ લઈ જઈ શકશે નહીં.
સમય જે ઝડપે આગળ વધી રહ્યો છે એ જોતાં એવું લાગે છે કે સફ્ળતાનું મૂલ્યાંકન પણ આવનાર દિવસોમાં સાવ જુદી રીતે થશે. અગત્યનું તમારી પાસે કેટલા પૈસા અને પ્રોપર્ટી છે એ રહેશે, તમે કયા માર્ગે એ પૈસા મેળવ્યા એનું કોઈ મૂલ્યાંકન નહીં કરે.
અને જો આવું થશે તો ચોરી, લૂંટફાટ અને ભ્રષ્ટાચાર સાવ સામાન્ય બની જશે. જો કે જ્યાં સુધી માણસની અંદર સંવેદના જીવંત હશે ત્યાં સુધી તો કશો વાંધો નહીં આવે. આશા મૂકી દેવાની કોઈ જરૂર નથી. બસ, થોડો સુધાર જોઈએ છે અને આ સુધાર લાવવો હોય તો શિક્ષણ સંસ્થા અને વાલીઓએ જાગત થવું પડશે.
શિક્ષણ સાથે સંસ્કાર પણ આપવા એટલા જ જરૂરી છે. શિક્ષણ આપી દઈએ અને સંસ્કાર આપવાનું ચૂકી જવાયું તો એ ખોટ પૂરી કરી શકાય એવી રહેશે નહીં. સંસ્કાર એક એવી વસ્તુ છે જે માણસને પૂર્ણતા બક્ષે છે. સંસ્કાર ન હોય તો મેળવેલા શિક્ષણનો કોઈ જ અર્થ નથી.
શિક્ષણ સંસ્થાએ ચોપડીનાં બે પૂંઠાની બહાર જઈને કશુંક નક્કર વિચારવું પડશે. એમણે એ વાત યાદ રાખવી પડશે કે શાળા પાઠ્યપુસ્તકમાં આપેલો અભ્યાસક્રમ પૂર્ણ કરવા અને બાળકોને ઉચ્ચ ટકાવારી લાવી આપતાં કરવા માટે નથી શરૂ કરી. શિક્ષણનો હેતુ બદલવો પડશે. મૂળમાં જઈને કામ કરવું પડશે, માનસિકતા બદલાશે તો જ જગત બદલાશે.
બાળકોની શૈક્ષણિક સિદ્ધિ જોઈને હરખાતાં માતા પિતાએ જરા એ પણ જોઈ લેવું જોઈએ કે એની પાસે સામાન્ય વ્યવહારું જ્ઞાન કેટલું છે. શાળા-કોલેજમાં ભલે પ્રથમ નંબર લાવતું બાળક હોય પરંતુ એને કોની સાથે કેમ વર્તવું, કોની સાથે કેવી વાત કરવી, કેમ બેસવું, કેમ ઊઠવું જેવાં સામાન્ય જ્ઞાન પણ જો ન હોય તો એનો પ્રથમ ક્રમાંક વ્યર્થ છે.
જો કોઈ માણસ સામેના માણસનું મૂલ્ય ન સમજી શકે. સામેની વ્યકિતનો માણસ તરીકે સ્વીકાર પણ જો ન કરી શકતો હોય તો એ ગમે એટલો શિક્ષિત અને ડિગ્રીધારક હોય પરંતુ એ લાયક બની શકતો નથી.
સ્રોત : સંદેશ ન્યૂઝ)લેખ -જય વશી