ગણદેવી વાઘરેચની બુનિયાદી શાળાનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો.
શાળાના ૧૬૦ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગણદેવી તાલુકાનાં વાઘરેચ ગામે ૧૫૦ વર્ષ અગાઉ બુનિયાદી મિશ્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી.
વાઘરેચ બુનિયાદી મિશ્રશાળામાં તારીખ : ૦૩-૧૨-૨૦૨૩ના રવિવારે સાર્ધ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. જેમાં ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને શાળામાં રવિવાર સવારે ૧૫૦ વર્ષ નિમિતે 'સાર્ધ શતાબ્દી મહોત્સવ' ની ઉજવણી કરાઈ હતી. સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમની કૃતિઓએ ઉપસ્થિતોનાં મન મોહી લીધા હતા.
સમગ્ર પંથકમાં ૧૫ દાયકા અગાઉ શિક્ષણની જ્યોત જગાવનાર શાળાનાં અનેક સંસ્મરણો તાજા કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય નરેશ પટેલ સહિત અગ્રણીઓએ શિક્ષણની મહત્તા સમજાવી હતી. અહીં શુક્રવારે સરસ્વતીયજ્ઞ સાથે સાધ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ હતી.
જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી સન્માન કરાયા હતા. ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ પ્રમુખસ્થાને સાર્ધશતાબ્દી મહોત્સવમાં સ્વાગત ગીત, પ્રાર્થના, માઈમ, બાળગીત, અભિનય ગીત, નાટક, શૌર્યગીત, ગરબા જેવી ૧૬ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ આ શાળામાં અભ્યાસ કરીને વિવિધ સરકારી વિભાગોમાં તેમજ ખાનગી વિભાગો ઉપરાંત પોતાની ક્ષેત્રમાં ઉચ્ચ સફળતા મેળવનાર ૧૬૦ જેટલાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ બહાર દેશમાં વસવાટ કરતાં NRIનું અને શાળાના વિકાસ માટે બહુમૂલ્ય ફાળો આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ વાલીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમને મોજથી નિહાળ્યો હતો. આ પ્રસંગે માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, વાઘરેચ સરપંચશ્રી સુજીતભાઈ પટેલ, બિપીનચંદ્ર પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, નઝીરહુસેન મોહમદ તાઈ, ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશભાઈ ટંડેલ, અમીતભાઈ ટંડેલ,ઉત્કર્ષ પટેલ, સતીષભાઈ આહીર સહિત અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.