Image credit: OneIndia
ભારતની સૌથી મોંઘી ચાના લિસ્ટમાં જેનો સમાવેશ થાય છે તે સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલ ઓલાંગ જાતની ચાનો તાજો ફાલ ગઈ કાલે શરદ પૂનમની રાત્રે કેવી રીતે ઉતારવામાં આવ્યો?
૧ કિલોના ૧.૧૧ લાખઃ એવું તે શું છે, આ મોંઘીદાટ ચામાં?
શરદ પુનમની ચાંદની રાત ખાલી છે. ભૂમિ પર ચોમેર સફેદ, શીતળ પ્રકાશ ફેલાયેલો છે અને ઇસ્ટર્ન હિમાલય પર્વતો પરથી ફૂંકાતા પવનોએ હવામાં શીતળતા પ્રસારી દીધી છે. પશ્ચિમ બંગાળનું જાણીતું ગિરિમથક દાર્જિલિંગ દિવાળીમાં આવનાર પર્યટકોના સ્વાગતની તૈયારીમાં લાગ્યું છે ત્યારે ૩૩ કિલોમીટર દક્ષિણે મકાઇબારી નામના અજાણ્યા સ્થળે દોઢસો-બસ્સો લોકો એક અનોખા ઉત્સવની ઉજવણી માટે એકઠા થયા છે.
પારંપરિક પરિધાનમાં સજ્જ કલાકારો ડફલી, ખંજરી તથા ઢોલ જેવાં વાજિંત્રો વડે સંગીતના સૂર રેલાવી રહ્યા છે. અમુક જણા સંગીતના તાલે મધુર ગીતો ગાઈ રહ્યા છે. કેટલાક નૃત્યમાં લીન છે, તો અમુકે હાથમાં સળગતી મશાલ ધરી રાખી છે. ચાંદની રાતે આખો સંઘ મકાઇબારીના પહાડી ઢોળાવો પર ઉત્સાહપૂર્વક આગળ વધતો એક ટી એસ્ટેટમાં પહોંચે છે. સંઘમાં સામેલ મહિલાઓએ ચાની દુર્લભ વેરાઇટીની પત્તીઓ અત્યંત સંભાળપૂર્વક ચૂંટીને પીઠ ભરાવેલાનેતરના કરંડિયામાં એકઠી કરી લેવાની છે.
આ કાર્ય પહેલી નજરે લાગે તેટલું સામાન્ય નથી. ચંદ્રના તથા મશાલના મર્યાદિત પ્રકાશમાં એક કળી અને બે પાંદડા ધરાવતા bud બડ પ્રાંકુરને શોધી કાઢવો એ જ કપરું અને સમય માગી લેનારું કામ છે. પ્રભાતનું પહેલું કિરણ ફૂટતા પહેલાં ચૂંટવાનું કામ પૂરું કરી લેવું એ બીજી ચેલેન્જ છે. ચૂંટેલા પ્રાંકુરોને ઉજાસ પથરાતા પહેલાં સાફસૂથરા કરીને લક્કડિયા બોક્સમાં ભરી દેવા એ વળી ત્રીજો પડકાર! ટૂંકમાં, કાર્ય સખત ઉતાવળનું તથા ઉચાટનું છે—અને છતાં મકાઇબારીના સ્થાનિકો તેને ઉત્સવની માફક પાર પાડે છે. આ વાંચી રહ્યા છો ત્યારે વર્ષ ૨૦૨૩ના ઉત્સવની પૂર્ણાહુતિ હજી પાછલી રાત્રે જ (શરદ પૂનમ) થઈ ચૂકી છે. હવે આગામી વર્ષે માર્ચ મહિનામાં નવો ફાલ ચૂંટવામાં આવશે ત્યારે સ્થાનિક લોકો ગીત-સંગીત-નૃત્ય વડે ઉત્સવ મનાવશે.
સમુદ્રસપાટીથી ૬,૭૦૦ ફીટ ઊંચે વસેલા દાર્જિલિંગની આસપાસ. ચાના લગભગ ૮૭ બગીચા છે. પરંતુ મકાઇબારી ટી એટ તે સૌમાં નોંખી એટલા માટે ગણાય કે ચાની સૌથી મોંધી વેરાઇટીઓ પૈકી એક ત્યાં ઊગે છે. પૂનમની રાત્રે જ અને વળી માર્ચ તથા ઓક્ટોબર એમ વર્ષમાં ફક્ત બે વાર ચૂંટવામાં આવતી એ ચાનું નામ છે: સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલ ઓલોંગ ટી! દામ છેઃ કિલોના વીસથી પચ્ચીસ હજાર રૂપિયા! આ તેનો નોર્મલ ભાવ છે. બાકી તો ૨૦૧૪ની સાલમાં સિલ્વર ટિપ્સ વેરાઇટીની ૧ કિલો ચા ૧,૮૫૦ ડોલરમાં (તત્કાલીન વિવિનમ દર મુજબ રૂપિયા ૧,૧૧ લાખમાં) વેચાઈ હતી.
એવું તો શું ખાસ છે મકાઇબારીની સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલ ઓલોંગ ચામાં જેને માટે ચા રસિયાઓ આટલાં નાણાં ખર્ચી નાખે છે? શા માટે તેના પ્રાંકુરો માત્ર પુનમની રાત્રે ચૂંટવામાં આવે છે? સૂર્યોદય થતા પહેલાં કેમ તમામ પ્રાંકુરોને લક્કડિયા બોક્સમાં બંધ કરવા પડે છે? આ બધા સવાલોના જવાબો ઉપરાંત સિલ્વર ટિપ્સ લોંગ વિશે વધુ કેટલીક ચર્ચા અહીં કરવાની છે. પરંતુ તે આરંભતા પહેલાં આગ્ સે ચલી આતી એક માન્યતાનું ખંડન કરવું પડે તેમ છે.
પરંપરાગત અને પ્રચલિત માન્યતા મુજબ ભારતીયોને ચા પીતા કરવાનો શ્રેય અંગ્રેજોને આપવામાં આવે છે કે જેમણે આસામ, દાર્જિલિંગ, કુન્નુર, ઊટી, મુન્નાર વગેરે સ્થળોએ ચાના બગીચા સ્થાપ્યા હતા. ઈંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપારી હેતુથી આપણે ત્યાંના પહાડી વિસ્તારોમાં ચાની ખેતી શરૂ કરી તેની ના નહિ, પણ ભારતીયોને ચા પીતા તેમણે કર્યા એ માન્યતા ખોટી, અંગ્રેજોનું આગમન થયાનાં ઘણાં વર્ષ પહેલાંથી આપણે ત્યાં ચાની કેવીક બોલબાલા હતી તેનો ખ્યાલ મેળવવા માટે ઇતિહાસના પાને દર્જ બે નોંધપાત્ર કિસ્સા અહીં ટાંકવા જેવા છે.
પહેલો બનાવ સત્તરમી સદીના ઉત્તરાર્ધનો છે કે જ્યારે અંગ્રેજ પાદરી જ્હોન ઓવિંગ્ટન વ્યાપારી જહાજ બેન્જામિન માં બેસીને ભારત આવ્યા. ધર્મના ખ્રિસ્તી પ્રચાર- પ્રસાર અર્થે વિવિધ મુલકોમાં જવું તે યુગના પાદરીઓ માટે બહુ આમ વાત હતી. જો કે, ઓવિંગ્ટનની યાત્રા એક પંથ, દો કાજ સમી હતી. ભારતમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવા ઉપરાંત ભારત વિશે અવનવું જાણવાની તેમને ભારે ઉત્કંઠા હતી. મુંબઈ ઊતર્યા પછી વિવિધ સ્થળોએ ભ્રમણ કરતા તેઓ એક નગરમાં આવ્યા. નગરના લોકો, તેમની સંસ્કૃતિ તથા રહેણીકરણીધી એવા તો પ્રભાવિત થયા કે “A Voyage to in the Year 1689" શીર્ષક હેઠળ સાડા ત્રણસો પાનાંનું સફરનામું પુસ્તકરૂપે લખી નાખ્યું. પુસ્તકમાં એક ઠેકાણે ઓવિંગ્ટને નોંધ્યું કે, ‘અહીં વાણિયા કોમના લોકો લગભગ રોજિંદા ધોરણે ચાનું સેવન કરે છે. દૂધ અને સાકર રહિત ચામાં લીંબુ, આદું, તજ અને લવિંગ ભેળવેલા હોય છે. આ રીતે બનતું પીળું સ્ફૂર્તિ તો આપે જ છે, તદુપરાંત માથાનો દુખાવો, ગળાનો સોજો તથા ફલૂ
જેવી વ્યાધિમાં રાહત આપે છે. નગરના વતનીઓ પોતાનો ચા પીવાનો શોખ યોજવા માટે ચીનથી. વ્યાપારી વહાણો મારફત ચાની પત્તી મંગાવે છે.
ધારણા કરી શકો કે અંગ્રેજ પાદરી જ્હોન ઓવિંગ્ટન કયા નગરની વાત કરી રહ્યા હતા. સાડા ત્રણસો પાનાંનું પુસ્તક તેમણે જેના પર લખ્યું તે (પુસ્તકના શીર્ષકમાં ખાલી જગ્યા તરીકે છોડી દીધેલું) નગર કયું?
ધારણા બહારનો જવાબ છે: સુરત! અહીંના વાણિયા સમુદાય વિશે જહોન ઓવિંગ્ટને પૂરાં ૪૭ પાનાંમાં વર્ણન કર્યુ, જેમાંનાં ઘણાં પૃષ્ઠો સુરતીઓની ખાણીપીણી સંસ્કૃતિ પર ફાળવેલાં હતાં. આજે જો વિંગ્ટન સુરતની બીજી મુલાકાતે આવે તો તેણે ૩૫૦ પાનાં ફક્ત ખાણીપીણી માટે ફાળવવાનાં થાય.
ભારતમાં ચાનો વપરાશ બહુ દૂરના ભૂતકાળથી થતો હોવાનો બીજો દસ્તાવેજી પુરાવો ઈ.સ. ૧૮૨૦નો છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ચાર્લ્સ એલેક્ઝાન્ડર બ્રુસ નામનો કમાન્ડર તે વર્ષે બોટમાં હંકારતો આસામની બ્રહ્મપુત્ર નદીના ઉપરવાસ પહોંચ્યો. અહીં સિંગહુ જાતિના આદિવાસીઓ જોડે તેનો ભેટો થયો. મુખિયાએ ચાના પ્યાલા વડે સ્વાગત કર્યું ત્યારે ચાર્લ્સ એલેક્ઝાન્ડર બ્રુસ નવાઈ પામ્યો કે આવા અટૂલા સ્થળે ચાઇનીઝ ચાની પત્તી પહોંચી કેવી રીતે?
વાસ્તવમાં ચાર્લ્સે જે ચા માણી હતી તે ચીની નહિ, પણ આસામમાં કુદરતી રીતે ઊગી નીકળતી વેરાઇટીની હતી. સિંગફૂ આદિવાસીઓ છેક ૧૨મી સદીથી તેનું સેવન કરતા હતા. ચાર્લ્સ બ્રુસે મુખિયા પાસેથી ચાના કેટલાક છોડવા મેળવ્યા. આ અંગ્રેજનો ઇરાદો વ્યાપારી ધોરણે ચાનું વાવેતર કરવાનો હતો, પણ સંજોગવશાત્ તે ફળીભૂત ન થઈ શક્યો. વીસેક વર્ષ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર-જનરલ વિલિયમ બેન્ટિકે આસામમાં ચાનું વાવેતર શરૂ કરાવી આસામ ટી કંપની સ્થાપી ત્યાર પછી આપણા દેશમાં વિવિધ જાતની ચાનું મોટે પાયે ઉત્પાદન થવા લાગ્યું. બ્રિટિશ શાસન દરમ્યાન આસામ, દાર્જિલિંગ, કુન્ત્ર, ઊટી, મુન્નાર જેવાં સ્થળોએ અંગ્રેજોએ અનેક ટી એસ્ટેટ સ્થાપી અને આઝાદી સુધી તેમના પર ભોગવટો રાખ્યો. દાર્જિલિંગથી ૩૩ કિલોમીટર દક્ષિણે મકાઇબારી ખાતે ઊગતી સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલ ઓલૉગ ટીની એસ્ટેટ પણ સ્થપાઈ અંગ્રેજોના કાળમાં (૧૮૫૯માં), પણ તેને શરૂ કરનાર અંગ્રેજો નહોતા. જી. સી. બેનરજી નામના બાબુમોશાય તેના માલિક હતા. આજે તેમની ચોથી પેઢી મકાઇબારી એસ્ટેટ સંભાળે છે અને જગતની પ્રથમ પાંચ મોંઘીદાટ ચામાં સમાવેશ પામતી સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલ આલીંગ ટી તૈયાર કરે છે.
જગતમાં ચાની લગભગ ૩,૪ વેરાઇટી ચાય છે. આમાંની કેટલીક સ્પીસિસને પોતાની આગવી ખુશબો તેમજ અનોખો સ્વાદ હોય છે. આ બાબતે ચાના Camellia sinensis વર્ગની સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલ ઔલોંગટી જરા ટકે છે, કેમ કે તેની અંદર ચંપાના ફૂલની અને કેરીની કુદરતી સુવાસનું લાખો મેં એક પ્રકારનું સંયોજન થયેલું છે.
ચાની પત્તીને પાણીમાં જરાક વાર પૂરતી ઊકાળવામાં આવે, એટલે તે ફ્લેવર રિલીઝ થઈ પીણાંને અત્યંત તાજગીભર્યું બનવી દે છે.
મને સિલ્વર ટિપ્સ ઈમ્પીરિયલ ઓલૉગને મોંઘીદાટ બનાવની પહેલી વિશેષતા ગણો, તો બીજી ખૂબી ટી એસ્ટેટના છોડ પરથી પ્રાંકુરો ચૂંટવાનો કાળ અને કળા છે. આ છોડની કૂંપળો દિવસે ચૂંટવામાં આવતી નથી. બલ્કે, પૂનમની રાત સિવાયનો કોઈ કાળ ચૂંટવા માટે પસંદ કરાતો નથી. સમયગાળો પણ નિર્ધારિત છેઃ માર્ચ અને ઓક્ટોબર! આ બન્ને સમયગાળા દરમ્યાન સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલ ઓલૉગના છોડમાં ભેજરૂપી પાણીનું પ્રમાણ મિનિમમ હોવાનું કહેવાય છે. ચાના પર્ણોમાં ભેજ જેટલો ઓછો તેટલું સારું, કેમ કે ભેજનાબૂદી માટે પાંદડાંને ડ્રાયરમાં કે પછી તડકામાં સૂકવવાં પડે છે.
આ દરમ્યાન ચાની કુદરતી ફ્લેવર થોડીઘણી ઊંડી' જવાની શક્યતા રહેલી. આ જ કારણસર સિલ્વર ટિપ્સ ઇમ્પીરિપલ ઓલોંગના પ્રાંકુરોને એક વાર ચૂંટી લીધા પછી સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવા દેવાતા નથી. પુનમની રાત્રે તેમને ચૂંટી લઈ પ્રભાત પહેલાં લાકડાના બોક્સમાં ભરી દેવાનું પણ એ જ કારણ છે. આ વિશિષ્ટ ચાને મોંઘી બનાવતું ત્રીજું કારણ તેનો ગ્રોસ વેઇટ- ટુ-નેટ વેઇટ રેશિઓ છે. સરળ શબ્દોમાં કહો તો ૨૦૦ કિલોગ્રામ વજનના પ્રાંકુરો ચૂંટવામાં આવે ત્યારે માંડ ૫૦ કિલોગ્રામ ચા પત્તી હાથમાં આવે છે. બાર્કીનો ૧૫ કિલોગ્રામ જેટલો જો પ્રોસેસિંગના વિવિધ તબક્કે બગાડ ખાતે માંડી વાળવાનો થાય છે. અગાઉ નોંધ્યું તેમ સામાન્ય રીતે સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલ ઓલૉગ કિલોદીઠ વીસથી પચ્ચીસ હજાર રૂપિયાના ભાવે વેચાય પરંતુ ઘણી વાર ઉત્પાદકને ક્યાંય ઊંચા દામ મળે છે. ખાસ કરીને માર્ચ મહિનામાં લેવાતો ફર્સ્ટ
ફ્લશ' ઊપજ તેની ગુણવત્તાને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં સારી કિંમત અપાવે છે.
અહીં એક બાબત ધ્યાનમાં લેવી ર કે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બજારોમાં ચાની જે તે વેરાઇટીની કેટલો ભાવ હોવો જોઈએ તે નક્કી કરવાનું ઉત્પાદકના હાથમાં નથી. આ વિશેષાધિકાર ટી ટેસ્ટર કહેવાતા નિષ્ણાતોનો છે. ચાની ગુણવત્તાનું પારખું કરવા માટે તેઓ સૂકી પત્તીના દેખાવ જુએ, પત્તીને હાથમાં લઈ texture ગઠન માપે, સોડમ લે અને હથેળીમાં કેટલીક પત્તીને ભાંગતી વખતે પેદા થતો અવાજ સાંભળે. ચારેય પરીણો બાદ છેલ્લો અને સૌથી મહત્ત્વનો તબક્કો ટી-ટેસ્ટિંગનો છે. જે માટે નક્કી કરાયેલી ચોક્કસ પદ્ધતિ મુજબ ૧૪૦ મિલિલિટર પાણીમાં ૨.૮ ગ્રામ ચા પત્તી નાખી બરાબર ૭ મિનિટ ઉકાળવામાં આવે છે. આ રીતે બનતી ચાની આચમની લઈ ટી-ટેસ્ટર પોતાના મોઢામાં હૈ, ચાને દસ-પંદર સેકન્ડ પૂરતી જીભની માસપાસ મમળાવે અને સ્વાદનું પારખું થતાં તેનો કોગળો કરી નાખે. પરીક્ષણના પાંચેય કોઠામાં ફુલ્લી પાસ થતી ચાનો ભાવ કેટલો રાખવી તેનો સુઝાવ ટી ટેસ્ટર આપે છે.
ક્યારેક વળી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે થતી હરાજીમાં ચાની જાતવાન વેરાઇટી માટે ઊંચા કામની બોલી લાગતી હોય છે. જેમ કે, વર્ષ ૨૦૧૪માં મકાઇબારી ટી-એસ્ટેટની સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલ ઓલૉગ ચાના કિલોદીઠ ૧,૮૫૦ ડોલર ઊપજ્યા હતા. આટલા ઊંચા ભાવની ચા પીનારાને કેવોક કાંટો ચડતો હશે એ તો કોણ જાણે, પણ ભગ ભ કરતા સ્ટવ પર સવા ઊકળ્યા કરતી, આદુ-ફુદીનાવાળી કડક મીઠી, અને દિવસરાત વપરાતા એકના એક કપડાની ગળણીમાંથી ગળાઈને પ્યાલીમાં લેવાતી કીટલીની ચા પીને જે કાંટો ચઢે એવો ‘ધારદાર તો કદાચ નહિ જ હોય
સ્રોત: ગુજરાત સમાચાર, કોલમ -એક નજર આ તરફ (હર્ષલ પુષ્કર્ણા)