Claudia Goldin ક્લોડિયા ગોલ્ડિન : અર્થશાસ્ત્રમાં સોલો નોબેલ મેળવનારાં પ્રથમ મહિલા અર્થશાસ્ત્રી
ઓર્ગેનાઈઝેશન કહે છે. દુનિયાભરમાં પુરૂષોની સરખામણીએ મહિલાઓને મહેનતનું વળતર સરેરાશ ૨૦ ટકા ઓછું મળે છે. તે એટલે સુધી કે ઊંચા હોવાએ ચાવીરૂપ ભૂમિકા ભજવતી મહિલાઓને પણ ઓછો પગાર મળે છે. જગતમાં બી અમેરિકાના ઉદાહરણો અપાતા હોય છે અને કોર્પોરેટ વર્લ્ડમાં મહિલાઓને સમાન અવસરનો દાવો થાય છે, પરંતુ ત્યાં પણ ૧૮ ટકાના વળતરની વાત જણાયો છે. યુરોપના દેશો અમેરિકા કરતાં વધુ પરંપરાવાદી છે. કદાચ એટલે જ ત્યાં સ્ત્રી-પુરૂષોના પગારમાં ૨૧.૫ ટકા જેટલો ભેદભાવ છે.
ભારતમાં આ ગેપ ૩૪ ટકા છે. પુરુષોને જે કામ માટે ૧૦૦ રૂપિયા એજ કામ માટે સ્ત્રીઓને ૬૬ રૂપિયા જ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન સર્વેક્ષણ અનુસાર સરકારી અને ખાનગી કંપનીઓના આંકડાના આધારે અહેવાલો આપતું હોય છે. એટલે આ સરેરાશ ઓછી-વધુ હોવાની શક્યતા નકારી શકાય નહીં. ચીનમાં મહિલાઓની સરખામણીએ પુરુષોને ૩૯થી ૪૧ ટકા જેટલો વધારે પગાર મળે છે. પાકિસ્તાન- બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન-ઈરાન- ઈરાકમાં તો બંનેના વળતરમાં ૪૫થી પ૦ ટકાનો તફાવત છે. જાપાન, દક્ષિણ કોરિયામાં વૈશ્વિક એવરેજ જેટલી ફરક રહે છે. દુનિયામાં એક પણ દેશ એવી નથી કે જ્યાં આજની તારીખે સ્ત્રી-પુરૂષના વળતર બાબતે સમાનતા હોય.
વેલ, આ તફાવત ધીમે ધીમે નવી જનરેશનના સંદર્ભમાં ઘટી રહ્યો છે એ પોઝિટિવ સાઈન છે. ૨૫ થી ૩૫ વર્ષની વયજૂથના લોકોનો સર્વે થોડું નવું ચિત્ર રજૂ કરે છે. આ વયજૂથના સ્ત્રી-પુરુષ વચ્ચે આઠ ટકાનો જ ફરક છે.છતાં વળતર મુદ્દે સમાનતા નથી એ સ્વીકારવું રહ્યું. આ બધા અહેવાલો હવે વર્ષ દર વર્ષ જ થાય છે અને સમાજમાં અવેરનેસ ફેલાવે છે. છેલ્લા બે-ત્રણ દશકાથી સમાન વેતનની સીધી કે આડકતરી લડત પણ ચાલે છે અને એમાં ઘણાં પુરુષો મહિલાઓને સમર્થન આપી રહ્યા છે. પણ આ સ્થિતિ સુધી પહોંચવામાં સેંકડો લોકોની ભૂમિકા છે. વળતરની ખટકે એવી અસમાનતા ૨૧મી સદીમાં પણ છે. એટલે કલ્પના કરવી અઘરી નથી કે દાયકાઓ પહેલાં આથીય બદતર સ્થિતિ હશે. ત્યાંથી એ ગેપ પૂરવામાં અનેક લોકોએ કામ કર્યું છે. કેમ્પેઇનિંગ કર્યું છે. પુસ્તકો લખ્યા છે, સંશોધનો કર્યા છે, વકતવ્યો આપ્યા છે. સરકારી-ખાનગી કંપનીઓ સામે લડત ચલાવી છે. ત્યારે છેક વળતરની આ ખીણ થોડી પૂરાઈ છે .
આ ક્ષેત્રમાં સંશોધનથી, લેખનથી, વક્તવ્યોથી એવું જ મહામૂલું કામ કરનારાં અને કદાચ પહેલી વખત સ્ત્રી-પુરુષના વળતર બાબતે આંગળી ચીંધીને ધ્યાન દોરનારાં મહિલાનું નામ ક્લોડિયા ગોલ્ડિન,
અર્થશાસ્ત્ર જેવા આમેય મહિલાઓની ઓછી હોય, નોબેલ જેવું સન્માન મેળનારી પ્રતિષ્ઠિત સન્માન મેળવનારી મહિલાઓની ગણતરી
કરવાની હોય તો એક આંગળીના ત્રણ વેઢાય કાફી થઈ પડતાં હોય ત્યારે મહિલાઓને ધ્યાનમાં રાખીને અર્થશાસ્ત્રના સંશોધનો તો ક્યાંથી થાય ? ને એવા દુકાળિયા કાળમાં સ્ત્રી-પુરુષના વર્કપ્લેસ કલ્ચર રિસર્ચનું બિડું ઝડપ્યું ક્લોડિયા ગોલ્ડિને
અમેરિકાના યહૂદી પરિવારમાં જન્મેલી ક્લોડિયા ગોલ્ડિન ટીનેજમાં પુરાતત્ત્વવિદ્ બનવા ઈચ્છતા હતા. યુવાનીમાં ડિટેક્ટિવ બનવાના ખ્વાબ જોતાં જોતાં માઈક્રોબાયોલોજી ભણ્યાં. એ અરસામાં તેમને અર્થશાસ્ત્રમાં રસ પડ્યો. ખાસ તો લેબર ઈકોનોમિક્સ તેમને વધુ આકર્ષતુ હતું, કોર્નેલ યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં ડિગ્રી લીધી.
શિકાગો યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું. એ વખતે તેમનો સંશોધનનો વિષય હતો ઈન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન એન્ડ રેગ્યુલેશન લેબર ઈકોનોમિક્સ, ઈકોનોમિક હિસ્ટરી અને ઈન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઈઝેશનને જોડીને તેમણે ૧૯૭૫થી રિસર્ચ શરૂ કર્યું
એક પછી એક વિસ્કોન્સિન,પ્રિસ્ટન અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર રહ્યાં. ૧૯૯૦માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યા તે સાથે જ સંશોધનને વધારે વેગ મળ્યો. અગાઉની ત્રણેય યુનિવર્સિટીમાં કાર્યરત હતાં એ અરસામાં અમેરિકન શહેરી વિસ્તારોમાં મજૂરોની ગુલામ જેવી સ્થિતિ, અમેરિકાના સિવિલ વૉરના કારણે અર્થતંત્રને પડેલો ફટકો - જેવા વિષયો પર પુસ્તકો અને સંશોધનપત્રો લખી ચૂક્યા હતાં. સંશોધન દરમિયાન તેમના ધ્યાનમાં આવ્યું કે મજૂરોની સ્થિતિ તો દયનીય છે જ, પણ મહિલાઓની હાલત તો એનાથી વધારે ખરાબ છે.
અમેરિકાના કારખાનેદારો મહિલાઓ-બાળકોનું શોષણ કરે છે. કામનાં પ્રમાણમાં નગણ્ય વળતર આપે છે. અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઈઝેશન અને લેબર ઈકોનોમિક્સ પર સંશોધન કરતાં ક્લોડિયાએ રિસર્ચનું ફોક્સ બદલ્યું.તેમને મહિલાઓની પરિસ્થિતિ ખૂબ જ દયનીય જણાતી હતી અને એના તરફ દુનિયાનું ધ્યાન પડે તેવા પ્રયાસો કરવા જરૂરી જણાતા હતા.
અમેરિકાના ઔદ્યોગિક ઈતિહાસમાં મહિલાઓની ભૂમિકા એવા વિષયમાં તેમણે વિગતવાર અભ્યાસ શરૂ કર્યો. ૧૭૭૫થી ૧૯૭૫નાં ૨૦૦ વર્ષના સમયગાળામાં અમેરિકન અર્થતંત્રમાં મહિલાઓની હિસ્સેદારી કેટલી હતી અને એના બદલામાં તેમને વળતરનાં નામે શું મળતું હતું ? એ તેમના રિસર્ચનો વિષય હતો.
તેમણે આ બધા સવાલોના જવાબો શોધવાની મથામણ આદરી કારખાનાઓમાં મહિલાઓ કેવા પ્રકારનું કામ કરતી? તેમને કેટલા ક્લાક કામ કરવું પડતું ? તેમની સાથે ઉપરી અધિકારીઓ-માલિકોનું વર્તન કેવું હતું ? તેમને એ કામનું વળતર કેટલું મળતું? એ જ અરસામાં પૂર્ણ કર્મચારીઓને વળતર કેટલું અપાતું ? તેમની સાથે કેવું વર્તન ? તેમને કેવી સુવિધા અપાતી ? ગર્ભવતી મહિલાઓ સાથે માનવીય વર્તન થતું કે નહીં? બાળકના જન્મ પછી મહિલાઓ કેટલો સમય કામથી દૂર રહેતી?
સરકારી કે ખાનગી કંપનીઓની ઝીણી ઝીણી નોંધોથી લઇને જર્જરિત દસ્તાવેજો જુના અલભ્ય પુસ્તકો સુધી બધે ખાંખાંખોળા કરીને તેમણે આ સવાલોના જવાબો શોધ્યા.
તે એટલે સુધી કે ક્યારેક ક્યારેક ૧૮મીસદીના રેફરન્સ માટે સાહિત્ય પણ વાંચી જોયું. આટલી જહેમત પછી જે જવાબો મળ્યા એ ચોંકાવનારા હતા. તેમણે તારણો રજૂ કર્યું ૧૮મી સદીમાં મહિલાનોનું શોષણ થતું હતું. પુરુષ મજૂરોની સ્થિતિ ગુલામો જેવી હતી.
પણ મહિલા મજૂરોનું તો બધી રીતે શોષણા થતું હતું. ૧૯મી સદીમાં ખાસ કોઈ ફરક ન પડ્યો.
પણ એનાથી ય આશ્ચર્ય એ હતું કે વિશ્વયુદ્ધ પછી સમાનતા- સ્વતંત્રતાની લહેર ઉઠી હતી છતાં અમુક ક્ષેત્રોને બાદ કરતાં મહિલાઓને પુરુષોની તુલનાએ અડધું જ વળતર મળતું હતું. તેમણે ૧૯૮૭થી ૧૯૯૧ના પાંચ વર્ષના ગાળામાં ચાર પુસ્તકો લખ્યાં. અને દુનિયાભરમાં આ મુદ્દે ચર્ચા છેડી દીધી.
અમેરિકન ઈન્ડસ્ટ્રી તેમના માટે પ્રયોગશાળા બની, પણ તારણો વૈશ્વિક હતા. અર્થતંત્રમાં ભાગીદારી નોંધપાત્ર હતી છતાં દુનિયાભરમાં મહિલાઓની વળતર મુદ્દે એકસરખી સ્થિતિ હતી. 'કરિઅર એન્ડ ફેમિલી સેન્ચુરી લોંગ જર્ની ટુવર્ડ્સ ઈક્વાલિટી' નામનું તેમનું પુસ્તક દુનિયાભરના અર્થશાસ્ત્રીઓએ બિરદાવ્યું. બાળકો અને ઘરની દેખભાળ કરવા માટે મહિલાઓ વધુ સમય ફાળવે છે, તેના કાર્યો નોકરીમાં સરેરાશ થોડા ક્લાક ઓછા ફાળવી શકે છે. જવાબદારી વધારે હોવાથી મહિલાઓ નોકરીમાં એમ્બિશનથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરિણામે ટેલેન્ડ હોવા છતાં એ પુરુષોની જેમ એક ઊંચાઈ મેળવી શકતી નથી. સરવાળે મહિલાઓને પુરુષોની સરખામણીએ ઓછો પગાર મળે છે. એવું તેમનું તારણ જગતભરના અર્થશાસ્ત્રીઓએ માન્ય રાખ્યું.
જેન્ડર ગેપ, આર્થિક અસમાનતા, મહિલા લેબર ફોર્સ જેવા વિષયોની ચર્ચા છેડનારા છે. ક્લોડિયા ગોલ્ડિન કેટલીય બાબતોમાં અર્થશાસ્ત્રમાં પાયફાઈનર છે. હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનમાં પ્રોફેસર થનારા તેઓ પ્રથમ મહિલા છે. અમેરિકન ઈકોનોમિક એસોસિએશનના પ્રથમ મહિલા પ્રમુખ છે. ઘણી સંસ્થાઓમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા ક્લોડિયા એટલું કામ કર્યા પછીય કહે છેઃ ૨૧મી મંદીમાં પણ જે અસમાનતા છે એ જોઈને લાગે છે કે સ્ત્રી-પુરુષ સમાનતા માટે હજુ હું ત્રણ ગણું કામ કામ કરું તોય ઓછું છે.
અર્થશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક આપવાની શરૂઆત ૧૯૬૯થી થઈ હતી. ત્યારથી ૫૪ વર્ષમાં માત્ર ત્રણ જ મહિલા અર્થશાસ્ત્રીઓને નોબેલ પારિતોષક એનાયત થયાં છે. ૨૦મી સદીમાં એક પણ મહિલાને આ કેટેગરીમાં એવોર્ડ મળ્યો ન હતો. ૨૦૦૯માં અમેરિકન મહિલા અર્થશાસ્ત્રી એલિનીર ઓસ્ટ્રોમને નોબેલ મળ્યો હતો. એ સાથે જ તેઓ ઈકોનોમિક સાયન્સમાં નોબેલ મેળવનાર સૌપ્રથમ મહિલા અર્થશાસ્ત્રી બન્યા હતાં. ઓલિવર વિલિયમસન અને એલિનોરને સંયુક્ત રીતે આ પારિતોષિક એનાયત થયું હતું. પોલિટિકલ ઈકોનોમિક્સમાં તેમણે ઘણું કામ કર્યું હતું. બરાબર ૧૦ વર્ષ પછી ૨૦૧૯માં એસ્થર ડ્રફ્લોને તેમના ભારતીય મૂળના પતિ અભિજિત બેનર્જી ઉપરાંત અમેરિકન અર્થશાસ્ત્રી માઈક્લ કેમર સાથે સંયુક્ત રીતે આ સન્માન મળ્યું હતું. વિશ્વવ્યાપી ગરીબી દૂર કરવા માટે આ ત્રણેય અર્થશાસ્ત્રીઓએ જે મોડલ આપ્યું તે પ્રયાસોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ૨૦૨૩માં ક્લોડિયા ગોલ્ફિનને આ એવોર્ડ મળ્યો તે સાથે ૯૨ અર્થશાસ્ત્રીઓમાં મહિલા વિજેતાઓનો શેર ૨.૧૭ ટકા થયો હતો. નોબેલ પારિતોષિકોની અર્થશાસ્ત્ર સહિત છ કેટેગરીમાં ફિઝિક્સ (૧.૮ ટકા) પછી મહિલાઓની ઓછી હિસ્સેદારીમાં અર્થશાસ્ત્ર બીજા ક્રમે છે.
નોબેલમાં મહિલાઓની હિસ્સેદારી
મેરી ક્યૂરી નોબેલ પારિતોષિક મેળવનારાં પ્રથમ મહિલા વિજ્ઞાની હતાં. ઈનફેક્ટ, મેરી ક્યૂરીને તો ફિઝિક્સ (૧૯૭૩) અને કેમિસ્ટ્રી (૧૯૧૧) એમ બબ્બે વિદ્યાઓમાં નોબેલ એનાયત થયું હતું અને બે અલગ અલગ કેટેગરીમાં નોબેલ પ્રાઈઝ મેળવનારાં તેઓ જગતના પ્રથમ વ્યક્તિ છે ને વળી વિજ્ઞાનની બબ્બે શાખામાં સન્માન પામ્યાં હોય એવાં પણ જગતના એકમાત્ર વ્યક્તિ છે. પરંતુ જેવી રીતે સિલસિલો શરૂ થર્યો હતો એવી રીતે આગળ વધ્યો નહી. મહિલાઓની નોબેલમાં હિસ્સેદારી ધારણા કરતાં ઓછી રહી. ૨૦૨૩માં ચાર મહિલાઓને નોબેલ એનાયત થયા એ ગણીએ તો વિવિધ કેટેગરીમાં ૬૪ મહિલાઓને નોબેલ પારિતોષિક મળ્યાં છે. મેડિસિનમાં ૧૩, ફિઝિક્સમાં પાંચ, કેમિસ્ટ્રીમાં આઠ, સાહિત્યમાં ૧૭, સાંતિમાં ૧૯ અને અર્થશાસ્ત્રમાં ત્રણ મહિલાઓને નોબેલ મળ્યાં છે. મેરી ક્યૂરીને બે વખત પુરસ્કાર મળ્યો હતો તે હિસાબે કુલ ૬૪ મહિલાઓનું સન્માન થયું છે.
Courtesy: Gujaratsamachar કોલમ -સાઈન-ઈન (હર્ષ મેસવાણિયા)