Dahod :બાળકોને લગતા કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
દાહોદ : સમાજમાં દરેક વ્યક્તિને કાયદાકીય જ્ઞાન હોવું એ અત્યંત આવશ્યક છે. એમાંય વિશેષ કરીને બાળકોને પણ તેનું જ્ઞાન હોવું જોઇએ. બાળકોનાં અધિકારો વિશે પણ બાળકો માહિતગાર હોવા જોઈએ. બાળલગ્ન પ્રતિબંધક અઘિકારીશ્રી એચ.એમ.રામાણી, જિલ્લા બાળ સુરક્ષા અઘિકારી શ્રી એસ. કે.તાવિયાડના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રિન્સીપાલશ્રી એમ. ડી.ભુરીયા ના સહયોગથી ગરબાડા તાલુકાના અભલોડ ગામ ખાતે આવેલ શ્રી વિવકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, અભલોડ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા બાળ સુરક્ષા એકમના ઓ. આર. ડબલ્યુ. શ્રીતેજસ બારીઆ દ્વારા બાળકોને બાળકોના અધિકારો વિશે સુરક્ષા અઘિકારી (બિન સંસ્થાકિય સંભાળ), શ્રીમતિ આર.પી.ભુરીયા દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ વિશે તેમજ લીગલ કમ પ્રોબેશન ઓફિસર શ્રી એ. જી. કુરેશી દ્વારા પોકસો એક્ટ -૨૦૧૨ વિશે માહિતી આપવામાં આપવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશ નશામુકત થાય તેવું આહ્વાન કરવામાં આવ્યું છે ત્યારે કાર્યક્રમના અંતે નશા મુકત ભારત અભિયાન અંતર્ગત બાળકોએ નશા નાબૂદી માટેના શપથ પણ લીધા હતા.