ગાંધીનગરઃ લોક સહયોગથી કલોલના નાસમેદ ખાતે 'હરિતવન'નું નિર્માણ કાર્ય થશે
૧૦૪ પ્રજાતિના 36 હજાર દેશી વૃક્ષોનું મિયાવાંકી પદ્ધતિ દ્વારા વાવેતર કરી વનનું નિર્માણ કરાશે
ગાંધીનગર,મંગળવાર
ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર તથા વન વિભાગ અને ક્રેડાઈ ગ્રુપ ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસ થકી કલોલના નાસમેદ ગામ ખાતે ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદીની વિશેષ ઉપસ્થિતિમાં ૧૦૪ પ્રજાતિના ૩૬ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનો આરંભ કરવામાં આવ્યો છે.
3૬ હજાર વૃક્ષો થકી તૈયાર થનારું આ વન સંપૂર્ણ મિયાવાકી પદ્ધતિ દ્વારા વિકસાવવામાં આવશે. જેને 'હરિતવન' નામ આપવામાં આવ્યું છે. આ હરિતવન ખાતે ગુજરાતી મૂળના દેશી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં લીમડો, વડ, પીપળો, કદંબ, પલાશ, શિમળો, ગરમાળો, અરીઠા, ગુંદા, બોરસલી, આસોપાલવ, ગુલમહોર જેવા વૃક્ષો સામેલ કરાયા છે. આ અંગે વિશેષ માહિતી આપતા ક્રેડાઈ ગ્રુપ ફાઉન્ડેશનના પ્રતિનિધિ જાગૃતીબેને જણાવ્યું હતું કે મિયાવાકી પદ્ધતિ દ્વારા વિકસી રહેલા આ તમામ વૃક્ષો ત્રણ વર્ષની માવજત પછી આપોઆપ વૃદ્ધિ પામે છે અને માત્ર ૧૦ મહિનામાં આ રોપા ૧૦ થી ૨૦ ફૂટ મોટા થઈ શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જેમ એક કુદરતી જંગલમાં નાના-મોટા વિવિધ વૃક્ષો સાથે નાના છોડ, વેલા, ઘાસ બધું જ હોય છે તે જ રીતે આ હરિતવન ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેના દરેક વૃક્ષની કાળજી એક નાના બાળક માફક રાખી આ વનને વિકસાવવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદીએ આ તમામ આયોજન નું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરી હાજર પ્રતિનિધિઓ સાથે વૃક્ષોની માવજત, જમીન અને તૈયાર થનારા વન અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા. સાથે જ તેમણે હાજર સૌને વૃક્ષારોપણ કરતા જણાવ્યું હતું કે, આ વનીકરણ યોગ્ય રીતે થાય તો ભવિષ્યમાં આ ક્ષણ હાજર દરેક માટે યાદગાર બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.
વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં કલોલ ના ધારાસભ્યશ્રી લક્ષ્મણજી પુંજાજી ઠાકોર, નિવૃત્ત કમિશનર (આઇપીએસ) શ્રી સંજય શ્રીવાસ્તવ, તાલુકા વિકાસ અધિકારીશ્રી કલ્પેશસિંહ ચાવડા, કલોલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી બબીતાબેન ઠાકોર, મહામંત્રી શ્રી કલોલ , પંચાયત સદસ્યશ્રી, આંગણવાડીના મહિલા કાર્યકરો તથા ક્રેડાઈ ફાઉન્ડેશનના સભ્યો હાજર રાહી આ વનીકરણંમા સહભાગી બન્યા હતા.