ઘેરિયા : દક્ષિણ ગુજરાતના હળપતિ સમાજનું કાર્ય નૃત્ય

SB KHERGAM
0

 

     Image courtesy: news18 gujarati

ઘેરિયા :  દક્ષિણ ગુજરાતના હળપતિ સમાજનું કાર્ય નૃત્ય

ગુજરાત અનેક રીતે પ્રખ્યાત છે. હરવા ફરવાથી લઈ ખાવા પીવા, સંગીત, ફિલ્મ, વિજ્ઞાન, વેપાર વણજ, રાજકારણ વગેરે વગેરે અને લગભગ તમામ ક્ષેત્રે ગુજરાતીઓ અગ્રેસર છે. ગરબા તો હવે આપણી આંતરરાષ્ટ્રીય ઓળખ બની ગયા છે. આ વખતે વાત કરવી છે દક્ષિણ ગુજરાતના હળપતિ સમાજના પ્રખ્યાત ઘેરિયા નૃત્યની. એક સમયે ઘેરિયા નૃત્ય ખૂબ જ લોકપ્રિય હતાં. પણ ધીમે ધીમે આ કળા લુપ્ત થવા માંડી. પણ લગભગ ૨૫ વર્ષ અગાઉ આચાર્ય ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈએ પોતાના ગામમાં શરૂ કરેલી ઘેરિયા નૃત્ય હરીફાઈ હવે એક વાર્ષિક ઈવેન્ટ બની ગઇ છે. બિલીમોરા સોમનાથ મહાદેવ ખાતે લાભ પાંચમના દિવસે યોજાતી આ હરીફાઈની લોકો કાગડોળે રાહ જોતા હોય છે. પછી તો નવસારીના સી.એ. વિનોદચન્દ્ર દેસાઈએ ગીતો સંચિત કર્યાં અને હરીફાઈના નિયમો ઘડયા. આખા ઘેરિયા નૃત્ય, સંસ્કૃતિ, શ ઇતિહાસને લગતું એક પુસ્તક ‘ઘેરિયા નૃત્ય અને ગીતો’, પ્રિ. ડૉ. ઈશ્વરચન્દ્ર દેસાઈએ લખ્યું અને તેને પ્રસિદ્ધ કર્યું શ્રી સોમનાથ મહાદેવ મંદિર અને તે અંગેની મિલકત ટ્રસ્ટે.

આ પુસ્તકમાં તેનો સમગ્ર ઇતિહાસ છે એવું કહીએ તો ખોટું નથી. પ્રિ. ડૉ. ઈશ્વરચંન્દ્રે ઘણી જહેમત ઉઠાવી હાંસિયામાં ધકેલાયેલું આ લોકનૃત્ય લોકો સમક્ષ રજૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં ૭-૮ લાખની વસતિ ધરાવતા હળપતિ સમાજનાં મૂળ અને કુળ ડૉ.દેસાઈએ તપાસ્યાં છે. ઘેરિયાની પાત્રવરણી, વેશભૂષા દર્શનીય હોય છે. એમનું એક માસનું બ્રહ્મચર્ય, માંસ-મદિરા ત્યાગ, સંયમિત આચાર સંહિતા, માતૃશક્તિની આરાધના એમને આધ્યાત્મિક ભાવજગતના સાચા પ્રતિનિધિ

બનાવે છે. પરિણામે એમને શ્રદ્ધાભક્તિથી જોતા લોકોને આશીર્વાદ આપવાની ક્ષમતા ધરાવતા થઈ જાય છે. પુસ્તકનાં ૧૪ પ્રકરણમાં ઘેરિયા અંગેની અથથી ઇતિ જોવા મળે છે. પૂર્વતૈયારીથી લઈ પૂજન અને પ્રારંભ, મેદાનની સજાવટ, વૈશ- સજાવટ- વિચિત્રતા, પોષાક, શૈલી, પાત્રો, ગરબા વગેરેનું અદ્ભુત વર્ણન વાંચવા મળે છે.


ગણદેવી સ્થિત પીઢ પત્રકાર અને આ વિસ્તાર તથા આ લોકોનો ઝીણવટથી અભ્યાસ કરનાર અશોક પટેલ લખે છે કે દક્ષિણ ગુજરાતમાં માતાજીની આરાધનાનું આદિવાસી નૃત્ય એટલે ઘેરિયા નૃત્ય.

મનીષ રે ભાઈ ઘોડીએ ચયડા, હાં.... રે ... હાં... 

ભાઈ ઘોડીએ ચયડા ભીલા ભીલ, હોં... રે ... હાં... ભાઈ

 ભાઈની ઘોડી જાહે રે ગામ, માં... હૈ .. હાં... ભાઈ હાં રે હાં

ભાઈનું કોરસ, ઘુઘરાનો રણકાર અને સ્ત્રીનો પહેરવેશ છતાં પૌરુષત્વ છલકાવતું નૃત્ય... જોમ અને જુસ્સો એવાં કે જોનારાઓના પગ પણ થીરકવા માંડે, પાણી, સાથે સાથે હાં રે હાં ભાઈમાં સૂર પણ પુરાવા માંડે. ના, આ કોઈ સામાન્ય નૃત્ય નથી. પરંતુ માતાજીની આરાધના માટે દક્ષિણ ગુજરાતની હળપતિ પ્રજાનું એ નૃત્ય છે. નવરાત્રીથી દિવાળી સુધી હળપતિઓ માતાજીની આરાધના આ નૃત્ય દ્વારા કરતા જોવા મળે છે. 

સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં જોવા મળતું આ નૃત્ય ગુજરાતીઓના જાણીતા ગરબા સાથે મળતું આવે, પણ એ સામાન્ય ગરબી તો નહીં જ. એ માટેની તૈયારીઓ તો અનોખી જ હોય છે. 

નવરાત્રીના મહિના પહેલાં ઘેર બાંધવી કે નહીં તે અંગેનો નિર્ણય હળપતિ કોમનો સમૂહ લેતો હોય છે. એ પછી ઘેર રમવા માટે વીસથી પચીસ પેરિયાની પસંદગી કરવામાં આવતી હોય છે. એમાં ફક્ત નૃત્ય કરનારાઓ જ નહીં, પણ વિવિધ પાત્રો ભજવનારાઓની પણ પસંદગી કરવામાં આવે છે. 

આ પસંદગી થઈ જાય એ પછી આરાધના શરૂ થતી હોય છે. ઘેરમાં જોડાનારાઓ આખો મહિનો માતાજીની આરાધના, પૂજન કરતા હોય છે. એ આખો મહિનો ઘેરિયાઓ બ્રહ્મચર્ય પાળે છે અને માંસાહારથી પણ દૂર રહે છે. દરરોજ માતાજીનું પૂજન, આરતી અને જાપ કરે છે. એ આકરી તપશ્ચર્યા બાદ નવરાત્રી આવે એટલે ઘેર રમવાનું શરૂ થાય છે, પરંતુ સવાલ એ થાય છે કે આ પરંપરા કઈ રીતે શરૂ થઈ ?

ઘેરિયા અંગે અલગ અલગ લોકવાયકા છે. ડૉ.દેસાઈએ બધી વાયકા વર્ણવી છે. અશોક પટેલે મુખ્ય બે લોકવાયકા પ્રચલિત છે તે વિશે વાત કરી છે. એક કથા એવી છે કે કોઈક ભીલારાણી નામની રાણીના રજવાડામાં એક યુવાન રાઠોડે એ રાણી સાથે લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો. એ ઇન્કારથી નારાજ થયેલા

રાણીએ રાઠોડને પામવા માટે ઉગ્ર તપ કર્યું. તુળજા ભવાની માતાએ પ્રસન્ન થઈને રાણીને તળાવના કિનારે ઘેરિયા રાસના વેશમાં સજ્જ થઈને રક્ષણ બમ્યું હતું. એ પ્રસંગની યાદમાં દર વર્ષે ઘેરિયા રાસ રમાતો હોય છે. એ ઉપરાંત બીજી વાયકા એવી છે કે પાવાગઢના ચાંપાનેર પર મુસ્લિમોએ આક્રમણ કર્યા હતા. 

આક્રમણ દરમ્યાન તેઓ લોકોનું ધર્માંતરણ પણ કરતા હતા. ધર્માંતરણ કરવું નહીં પડે એ માટે રાઠોડો પાવૈયાનો વેશ લઈને ત્યાંથી છટકી ગયા. ચાંપાનેરમાંથી રાઠોડો ધર્માંતરણ કરવું નહીં પડે એ માટે પાવૈયાના રૂપમાં ઘેરિયા નૃત્ય કરતાં કરતાં છટકી ગયા અને ત્યારથી આ પરંપરા ચાલુ થઈ છે. એ ઉપરાંત બીજી કેટલીક દંતકથાઓ પણ ઘેરિયા નૃત્ય સાથે સંકળાયેલી છે. એ વાયકાઓને ધ્યાનમાં લઈએ તો ઘેરિયા નૃત્ય પાંચ - છ સદી જૂની પરંપરાનો એક ભાગ છે એવું ફલિત થાય છે.


પહેરવેશ અંગેના પ્રકણમાં ઈશ્વરચન્દ્ર લખે છે કે ઘેરિયા એટલે વીસથી પચીસ યુવાનોનો પોષાક મહિલાઓનો અને શૈલી પુરુષની એવું સંયોજિત નૃત્ય. ઘેરિયાઓ બેથી ત્રણ સાડીઓ પહેરતા હોય છે. કમરની નીચે ડબલ ફાળના ધોતિયાની શૈલીથી સાડી પહેરતા હોય છે. બીજી સાડી કમરથી ઉપરના ભાગે કબજાની ઉપર વાળીને ખભાની ઉપર બાંધેલી હોય છે અને ત્રીજી સાડીને માથા પર ફેંટારૂપે બાંધવામાં આવે છે. 

શણગાર પણ પૂરો મહિલાઓ જેવો. કમરે ઘુઘરા, પગમાં ઝાંઝર, કેડે કંદોરો, કાનમાં લટકણિયાં, આંખે કાજળ, ને વળી ચશ્માં પણ ખરા અને હોઠ પર લાલી લગાવેલો પુરુષ દૂરથી જુઓ તો કોઈ સ્ત્રી જ લાગે. પરંતુ જ્યારે ચાલે કે નૃત્ય કરે, ત્યારે તેમાં મહિલાની લચક નહીં પણ રમરમાટ તો પુરુષનો જ જોવા મળે.

ઘેર બાંધવાનો નિર્ણય થાય એટલે મહિના સુધી માતાજીની આરાધના સાથે સાથે રાસની પ્રેક્ટિસ તો ખરી જ. ઘેરિયાની પસંદગી થઈ જાય એટલે મુખ્ય ભૂમિકા કવિયાની આવે. કવિયો એટલે માતાનો ખાસ ભક્ત. ઘેરિયાઓને મલ્લિ માતા કે વેરાઈ માતા કે કાલિકા માતા કે અંબા માતાના મંદિરે લઈ જઈને ભાવથી માતાની પૂજા કરાવે. 

માતાને જગાવીને બાધા રાખવામાં આવે અને પૂજા અર્ચના કરી માતાજીની જય બોલાવવા સાથે નાળિયેર ફોડીને પ્રસાદી વહેંચીને ઘેરિયા રમવાનું શરૂ થતું હોય છે. ઘેરિયામાં રાસ રમનારો એક હાથમાં દાંડિયો અને બીજા હાથમાં મોરપીંછનો ઝૂડો રાખતો હોય છે. તે ઘેર રમતો હોય,

તો કવિયો ઘેરિયાઓને રમાડે છે. તેનો વેશ મહિલાઓનો હોતો નથી, પણ તે ખમીસ, બંડી કે કોટ પહેરે, સાથે માથે સાફો બાંધે કે ટોપી પણ પહેરે. તેના એક હાથમાં મોરપીંછનો ઝૂડો અને બીજા હાથમાં છત્રી હોય છે. પ્રસંગ પ્રમાણે તે ગીત ગવડાવતો હોય છે.ઘેરિયાઓની સાજસજ્જા કરનારો ગભાણિયો કહેવાય. વડીલ વર્ગ પણ સાથે હોય, જે મૂઠ તારેક સહિત સાર સંભાળનારા ગણાય. 

ઘેરિયા રમવા સાથે મહેનતાણું ઉઘરાવવા માટે એક વ્યક્તિ હોય. એક તબલચી કે ઢોલકવાળો હોય, જે લય પ્રમાણે ઢોલક વગાડીને થાપ આપતો હોય છે. વાદ્યવાદકોમાં થાળીવાળો, મંજીરાવાળો અને ખંજરીવાળો પણ હોય. દરેક ઘેરિયા ટીમમાં ઘેરને નજર ન લાગે એ માટે બગલીવાળો હોય છે. તેના એક હાથમાં લાંબી લાકડી હોય છે, તેના ઉપરના છેડે આડી લાકડી પર ખમીસ, બંડી કે બુશર્ટ રૂપે ડગલી લટકાવેલી હોય છે. તે વસ્ત્રનું દાન માંગતો હોય છે.

અશોક પટેલ લખે છે કે, ઘેરિયા રમાતા હોય ત્યારે તેની આસપાસ ફરીને જોનારાઓનું મનોરંજન કરનારો ઘોડીવાળો હોય છે. તે એમ તો જોકર જ કહેવાય. લાકડી પર લાકડામાંથી બનેલું ઘોડાનું માથું લઈને જાણે ઘોડેસવારી કરતો હોય એમ ઘેરની આસપાસ ફરતો રહી લોકોને હસાવતો હોય છે, તો તરકટ કરી મનોરંજન કરનારો તરકાટિયો પણ ઘેરિયાની ટીમમાં હોય છે.

 ઘેરિયાની ટીમમાં કાળી બિલાડી બનેલો એક ઘેરિયો હોય છે, જે ઘેરિયા ગવડાવનારાના ઘરમાં જઈને ઘરમાંથી ભૂતપ્રેત ભગાવવાની પરંપરા નિભાવતો હોય છે. તેનો વેષ પણ બિલાડી જેવો જ. શરીર પર કાળો રંગ ચોપડીને કાળી બિલાડી બને તો પાછળ પૂંછડી પણ લગાવે !

ઘેર નીકળે એટલે તેઓ ચાલતા હોય તેના કરતાં દોડતા હોય એવું વધુ લાગે. કમર પર બાંધેલો ધુધરાનો પટ્ટાનો રણકાર દૂરથી જ ઘેર આવતી હોવાનો અહેસાસ કરાવી દે અને કોઈ ઘેર બોલાવે એટલે તેના આંગણામાં એક અનોખું જોમ અને જુસ્સાવાળું નૃત્ય શરૂ થાય એ ઘેરિયા, માતાની આરાધના ખરી અને લોકોનું મનોરંજન પણ ખરૂં.

ડૉ. ઇશ્વરચન્દ્ર, સોમનાથ મહાદેવ ટ્રસ્ટને કારણે આ લોકનૃત્ય હવે ઘણું પ્રસિદ્ધિ પામ્યું છે. લાભપાંચમના દિવસે બિલીમોરા સોમનાથ મહાદેવના આંગણે પ્રતિ વર્ષ યોજાતી ઘેરિયા હરીફાઈએ હવે નિયમિત ઉત્સવનું સ્થાન લીધું છે. 

૨૫થી વધુ મંડળીઓ તેમાં ભાગ લે છે અને હજારો લોકો તેને નિહાળી વધાવે છે. દક્ષિણ ગુજરાતનું આગવું આભૂષણ ઘેરિયા નૃત્ય આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઝળકે તો નવાઈ લાગવી જોઈએ નહીં.

માહિતી સ્રોત: (ગુજરાત પાક્ષિક)અજય મો. નાયક

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top