ગુજરાતના 'રણછોડદાસ ચાંચડ'! અમૃતભાઈ સલાટ
રમતગમત દ્વારા બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ પેદા કરી.
છેલ્લા ચાર વર્ષમાં રમતગમતમાં ૨૦૦ જેટલાં મેડલો મેળવ્યાં.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ પ્રાથમિક શાળાના શિક્ષક અમૃતભાઈ સલાટ વિદ્યાર્થીઓને અનોખી રીતે શિક્ષણ આપી રહ્યા છે. ઇન્ડોર અને આઉટડોર રમત દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. અત્યાર સુધીમાં રમતગમત ક્ષેત્રે 195 જેટલા મેડલ મેળવ્યા છે. તેમજ 17 વિદ્યાર્થીઓ સરકારી ડી.એલ.એસ.એસ યોજના અંતર્ગત 1,75,000 ની સહાય મેળવી અભ્યાસ કરી રહ્યા છે.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ ભીમનાથ પ્રાથમિક શાળાના શિક્ષક સલાટ અમૃતભાઈની મહેનત આજે રંગ લાવી રહી છે. 2017નાં વર્ષમાં અમૃતભાઈની આ શાળામાં નિમણૂક થયા બાદ શાળામાં ઇન્ડોર અને આઉટડોર રમતો શરૂ કરવામાં આવી હતી અને આજે આ શાળાનાં બાળકો રમત ગમતમાં આગળ વધતા જોવા મળ્યા છે. છેલ્લા ચાર ખેલ મહાકુંભમાં તાલુકાની સ્પર્ધામાં શાળા પ્રથમ ક્રમાંકે આવી હતી. જેમાં 54 ગોલ્ડ, 41 સિલ્વર, અને 50 બ્રોઝ મેડલ મેળવ્યા છે.
જિલ્લા લેવલે 11 ગોલ્ડ,10 સિલ્વર અને 11 બ્રોઝ મેડલ મેળવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 195 જેટલા મેડલ સ્કૂલ દ્વારા મેળવ્યા છે. તેમજ ડી.એલ.એસ.એસ યોજનામાં 17 બાળકોએ પ્રવેશ લઈને બાળક દીઠ સરકાર તરફથી 175000નું વાર્ષિક પેકેજની મદદથી અભ્યાસની તાલીમ મેળવતા થયા. જેને લઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓ હાજરી વધતી જોવા મળી છે.
આજના ટેકનોલોજીના યુગમાં બાળકો મોબાઇલમાં ગેમ રમતા વધુ જોવા મળતા હોય છે અને તેની અસર તેમના અભ્યાસ ઉપર થતી હોય છે. ત્યારે બાળકો મોબાઈલથી દૂર રહે અને અભ્યાસમાં વધુ આગળ વધે તેવા હેતુ સાથે ભીમનાથ પ્રાથમિક શાળાના શિક્ષક અમૃતભાઈએ રમતો શરૂ કરી છે જેમાં વર્ગખંડમાં અને રમતના મેદાનમાં રમત રમાડતા જોવા મળે છે તેમની પાસે અલગ અલગ 1500 જેટલી રમતોનો ભંડાર છે. ત્યારે તેમના આ ઇનોવેટિવ પ્રયોગથી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો તેમજ વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રુચિ વધી છે.અને શાળામાં બાળકોની હાજરીમાં સુધારો જોવા મળ્યો. ગ્રામજનો પણ અમૃતભાઇની રમતગમતની પ્રવૃત્તિને વખાણી સમર્થન આપી રહ્યા છે. અમૃતભાઈ સલાટની આ પ્રવૃત્તિમાંથી અન્ય શિક્ષકો માટે પ્રેરણાસમાન છે.
સૌજન્ય : credit : zee news