અનેક મનોરમ્ય ધોધના કારણે વલસાડ જિલ્લાએ પર્યટકોમાં નવી ઓળખ મેળવી.

SB KHERGAM
0

 

આજે વિશ્વ પ્રવાસન દિવસઃ અનેક મનોરમ્ય ધોધના કારણે વલસાડ જિલ્લાએ પર્યટકોમાં નવી ઓળખ મેળવી.


તા. ૨૮ સપ્ટેમ્બરને દુનિયાભરમાં વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી કરવાનો પણ છે. દર વર્ષે થીમ આધારિત પ્રવાસન દિવસની ઉજવણી થતી હોય છે 

        ત્યારે આ વર્ષની થીમ ટુરિઝમ એન્ડ ગ્રીન ઈન્વેસ્ટમેન્ટલની છે. ત્યારે આજના દિવસે વાત કરીએ ગુજરાતના છેવાડાના નાનકડા જિલ્લા વલસાડની વાત કરીએ તો, કુદરતે વલસાડને અખૂટ સૌંદર્યની સાથે નદી, ધોધ,સમુદ્ર, ડુંગરો, લીલાછમ જંગલો સહિત પ્રકૃતિની ભેટ આપી છે. આ સિવાય ધાર્મિક અને મનોરંજનની દ્રષ્ટીએ પણ વલસાડ જિલ્લામાં એવા અનેક સ્થળો છે જે પર્યટકોને વલસાડ તરફ ખેંચી લાવે છે.

        મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશની સરહદ પર આવેલા વલસાડ જિલ્લાને પ્રકૃતિની અમૂલ્ય દેન છે. ચોમાસા દરમિયાન ખાસ કરીને ધરમપુર અને કપરાડા તાલુકાના ડુંગરાળ પ્રદેશોમાં અદભૂત મનોરમ્ય ધોધ સોળે કળાએ ખીલી ઉઠે છે. 

      જેમાં ખાસ કરીને ધરમપુરના બિલપુડીના જોડીયા ધોધ, ગોરખડા ગામે યોગી ધોધ, પિંડવળ ઘાંઘરી વોટરફોલ, માકડબનના ગણેશ ધોધ, ખોબા ગામનો મંગલ ધોધ, વાઘવળ ગામનો શંકર વોટરફોલ, હનુમતમાળ વોટર ફોલ અને કપરાડા તાલુકામાં માતુનિયા ગામનો લુહારી માવલી ધોધ, પીપલત ગામનો ઈશ્વર ધોધ, બારપુડા વોટરફોલ, સિધ્ધા ધોધ, દિક્ષલ ગામનો જવરાજવરી ધોધ અને વડોલી વોટરફોલ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે અહીં પ્રકૃતિને નજીકથી માણવા સહેલાણીઓની માનવ મેદની ઉમટી પડે છે. 









   આ સિવાય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પારનેરા ડુંગર, વિલ્સન હિલ,મોટી કોરવડ અને કોલવેરા હિલ સ્ટેશનનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. અહીં પર્યટકો માટે તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે તે માટે કાળજી રખાઈ રહી છે. 


                       વિલ્સન હિલ, ધરમપુર

        અરબી સમુદ્રના કાંઠે વસેલો વલસાડ જિલ્લો ઘૂઘવતા મોજાના કારણે તિથલ અને નારગોલ બીચ પર્યટકોમાં ફેવરીટ છે. તિથલ સમુદ્ર કાંઠે સ્વામિનારાયણ અને સાંઈ બાબાનું મંદિર પણ ભક્તો અને સહેલાણીઓ માટે મનની શાંતિ મેળવવા માટેનું અમૂલ્ય સ્થળ છે. ફલધરાના જલારામ ધામમાં મંદિરની સાથે મહાપ્રસાદ અને નૌકાવિહાર પણ આકર્ષણરૂપ છે. છેલ્લા બે દાયકામાં રાજ્ય સરકારે કપરાડા તાલુકાના બાલચોંડી ગામમાં આમ્રવન અને ઉમરગામના કલગામમાં મારૂતિનંદનવનની ભેટ વલસાડ જિલ્લાને આપી છે.

                       સ્વામીનારાયણ મંદિર તિથલ

                             તિથલ બીચ 

       શાંતિપ્રિય એવા વલસાડમાં છેલ્લા બે દાયકામાં ગુજરાત સરકારના પ્રયાસથી પ્રવાસન સ્થળોનો વિકાસ ફૂલ્યો ફાલ્યો છે. જેના થકી અનેક લોકોને ઘર આંગણે રોજગારી પણ મળતી થઈ છે. ત્યારે વિશ્વ પ્રવાસન દિવસે વાત કરીશુ વલસાડ જિલ્લાની ખૂબસૂરતી અને વલસાડના વૈવિધ્યની કે જેના કારણે પ્રવાસન ક્ષેત્રે દેશ વિદેશમાં વસતા લોકો ફરવા માટે આવે તો વલસાડ હરવા ફરવા અને ખાણીપીણીની દ્રષ્ટીએ મનપસંદ પ્રવાસન સ્થળ બની રહ્યું છે.

              વલસાડ જિલ્લો સદીઓ બાદ આજે પણ પારસી સમાજની સંસ્કૃતિનું જતન કરી રહ્યો છે. પારડીના ઉદવાડામાં ઈરાનશાહ અને ઉમરગામના સંજાણમાં કિર્તીસ્તંભ તેનું પ્રતિક સમાન છે. પારસી સમાજની સંસ્કૃતિઓને નજીકથી નિહાળવા માટે મ્યુઝીયમ પણ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્રરૂપ છે.

         ઉમરગામનો વૃંદાવન સ્ટુડીયો પણ સમુદ્ર કાંઠે હોવાથી પર્યટકો અચૂક મુલાકાત લે છે. પારડી તાલુકાનો બગવાડાનો કિલ્લો પણ ધાર્મિક રીતે આસ્થાનું ધામ ગણાય છે. વલસાડ જિલ્લો આજે પણ પોતાના પ્રાકૃતિક સ્થળો, સંસ્કૃતિ અને વારસાને સાચવીને બેઠું છે. અહીં એડવેન્ચર સ્પોટની સાથે સાથે ઐતિહાસિક ધરોહરો, આદિવાસી લોકબોલીઓ અને સંગીત પ્રવાસીઓને વધુ આકર્ષે છે.

                             બગવાડાનો કિલ્લો

માહિતી સ્રોત: ગુજરાત એલર્ટ ન્યૂઝ

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top