Surat|Mandvi: એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ-માંડવીના વિદ્યાર્થીઓ કરાટેની સ્પર્ધામા ઝળકયા
શાળાના વિદ્યાર્થીઓએ ૧૭ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૯ બ્રોન્ઝ મેડલ મેળવ્યાં
બારડોલીની વાંકાનેર સ્થિત એસ. કે. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ૬૮મી ગ્રામ્ય વિસ્તારો માટેની અખિલ ભારતીય શાળાકીય કરાટે સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ૩૬ શાળાઓના ૪૫૦ જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો. એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ-માંડવીના ૩૨ વિદ્યાર્થીઓએ ૧૭ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૯ બ્રોન્ઝ મેડલ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.
ગોલ્ડ મેડલ મેળવનાર ૧૭ વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં ભાગ લેશે. આ ભવ્ય સફળતાનો શ્રેય શાળાના કરાટે કોચ માહલા વૈભવભાઈને ફાળે જાય છે, જેઓ છેલ્લા ઘણા સમયથી સખત મહેનત કરાવી બાળકોને પ્રશિક્ષિત કરી રહ્યા હતા. પરિણામે શાળાના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષા સુધી પ્રતિનિધિત્વ કરી પરિવાર અને શાળાનું નામ રોશન કરી રહ્યા છે. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી તથા શાળા પરિવારે વિજેતા બાળકો તથા કોચને અભિનંદન પાઠવ્યા હતા.