ઓલ ઈન્ડિયા રેડિયોની પ્રથમ ઉદઘોષિકાઃ સઈદા બાનો

SB KHERGAM
0

 



image source: Indian Express 

 નમસ્કાર.. આકાશવાણીના કેન્દ્ર પર આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર આ પ્રકારે છે.... ઓલ ઇન્ડિયા રેડિયો પરથી આ પ્રકારે પ્રસારિત કરાતા સમાચાર તમે સાંભળ્યા જ હશે, પરંતુ પહેલી વાર આકાશવાણી પર સમાચાર વાંચનાર મહિલાને જાણો છો ?

એનું નામ સઈદા બાનો... ઓલ ઈન્ડિયા રેડિયોની પ્રથમ ઉદઘોષિકા. ૧૩ ઓગસ્ટ ૧૯૪૭ના સવારે આઠ વાગ્યે રેડિયો પરથી પ્રસારણ થયું ત્યારે સઈદા બાનોએ ઓલ ઇન્ડિયા રેડિયોના ઉર્દૂ ન્યૂઝ બુલેટિનની પહેલી મહિલા સમાચારવાચક તરીકે શ્રોતાઓને આશ્ચર્યચકિત કરી દીધેલાં. કારણ કે, બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ એજન્સી-બીબીસીએ પણ ક્યારેય કોઈ મહિલાને ન્યૂઝરીડર તરીકે નિયુક્ત કરી નહોતી. બાનોએ જીવંત પ્રસારણમાં પોતાનો પરિચય આપ્યો ત્યારે એના અવાજની ગુણવત્તા અને એના સ્વરના આરોહઅવરોહની સરાહના થયેલી. સાથે જ, ઓલ ઇન્ડિયા રેડિયોની પ્રથમ સમાચારવાચક બનીને એણે ભારતીય પત્રકારત્વના ઇતિહાસમાં નવો કીર્તિમાન સ્થાપી દીધો. ઉર્દૂ પ્રસારણ જગતમાં આજે પણ સઈદા બાનોનું નામ ‘બીબી’ તરીકે આદરથી લેવાય છે !

આ સઈદા બાનોનો જન્મ ૧૯૨૦માં ભોપાલમાં થયેલો. એનું જીવન ભોપાલ અને લખનઊમાં વીત્યું. મહિલાશિક્ષણનું એ જમાનામાં ઝાઝું મહત્વ નહોતું. પણ સઈદાને લખવા વાંચવાનો બહેતર માહોલ મળ્યો. એ પાંચ વર્ષની થઈ ત્યારે, ૧૯૨૫માં પિતાએ લખનઊની કરામત હુસૈન મુસ્લિમ ગર્લ્સ હાઈસ્કૂલમાં એને ભણવા બેસાડી. શાળાકીય શિક્ષણ પૂરું થયા પછી સઈદા લખનઉની પ્રતિષ્ઠિત ઈસાબેલા થોબર્ન કોલેજમાંથી સ્નાતક થઈ. સઈદાએ ટેનિસ અને બેડમિન્ટન, બન્ને ખેલમાં વિવિધ આંતરવિદ્યાલય અને આંતરરાજ્ય પ્રતિયોગિતાઓમાં પુરસ્કાર પ્રાપ્ત કરેલાં. એથી સઈદાને બાળપણથી જ અસાધારણ પ્રતિભા તરીકે જોવામાં આવતી. પ્રતિભાવાન સઈદા બાનો આગળ અભ્યાસ કરવા માગતી હતી, પણ પિતાએ લખનઊના અબ્બાસ રઝા સાથે નિકાહ નક્કી કરી દીધા. 

જોકે સઈદાને નિકાહ કરવામાં કોઈ દિલચસ્પી નહોતી. આત્મકથા ડગર સે હટકર' મુજબ અબ્બાસ રઝાના પ્રેમપત્રોના જવાબમાં સઈદા એ ઉપન્યાસોના નામ મોકલતી જે એ વાંચતી હોય. આ પ્રકારના વર્તન દ્વારા એ અબ્બાસને સંકેત આપતી હતી કે પોતાને નિકાહ પઢવામાં નથી રસ ને નથી રુચિ સઈદાએ લગ્ન ન કરવા માટે પોતાના પિતાને પણ ચાર પાના ભરીને લાંબો પત્ર લખેલો. પથ્થર પર પાણી. ઘણી રકઝક પછી પણ અંતે એનું કાંઈ ન ચાલ્યું. સઈદા અને અબ્બાસનાં ૧૪ નવેમ્બર ૧૯૩૨ના નિકાહ થયા. અબ્બાસ રઝા ન્યાયાધીશ હતા. જોકે ન્યાયાધીશ હોવા છતાં અબ્બાસ સઈદા સાથે ન્યાય ન કરી શક્યા. સઈદાના શબ્દોમાં કહીએ તો, હૈયું રડતું હોય ને હોઠ હસતા હોય....પતિ અબ્બાસ સાથે સઈદાનો સંબંધ રણમાં મૃગજળ સમો હતો, પણ સસરા મુહમ્મદ રઝા રણમાં મીઠી વીરડી સમાન હતા. સસરા અને પુત્રવધૂને ખૂબ ગોઠતું. પોતાના સસરા મુહમ્મદ રઝા ઉપરાંત મશહૂર ગાયિકા બેગમ અખ્તર સાથે સઈદાની ગાઢ મૈત્રી હતી. લખનઊના કુલીન પરિવારના બેરિસ્ટર ઈશ્કિયાક અબ્બાસી સાથે બેગમ અખ્તરના લગ્ન કરાવવામાં સઈદાનું મહત્વપૂર્ણ યોગદાન હતું. સઈદાએ બેગમ અખ્તરનાં લગ્ન તો કરાવ્યાં, પણ એનું પોતાનું દાંપત્ય ખોરંભે ચડયું. સઈદા બાનો પોતાને પરંપરાગત માળખામાં બાંધી શકતી નહોતી. ભોપાલની તુલનામાં લખનઉ પુરુષ પ્રધાન નવાબોનું શહેર હતું. એવા સામાજિક પરિવેશમાં સઈદા સહજ નહોતી. નિકાહની નૌકામાં પડેલું છિદ્ર પહોળું થતું ગયું. આખરે લગ્નની નાવ ડૂબી ગઈ.૧૯૪૭માં સઈદા અને અબ્બાસ છૂટાં થયાં. પોતાનું ગુજરાન ચલાવવા અને બે દીકરાનું સારી રીતે પાલનપોષણ કરવાના હેતુથી સઈદા ૧૦ ઓગસ્ટ ૧૯૪૭ના લખનઊથી દિલ્હી આવી.

દિલ્હી આવીને સઈદા બાનોએ કામની શોધ આરંભી. ઓલ ઇન્ડિયા રેડિયોમાં ઉર્દૂ સમાચારવાચક તરીકેની નોકરી માટે અરજી કરી. પછી પંડિત જવાહરલાલ નેહની બહેન વિજયલક્ષ્મી પંડિતને પત્ર લખીને પોતાની 

અરજી અંગે જણાવ્યું. વિજયલક્ષ્મી સાથે સઈદાનાં બહેનપણાં હતાં. એ સંદર્ભમાં આત્મકથામાં સઈદા બાનોએ નોંધ્યું છે કે, શ્રીમતી વિજયલક્ષ્મી પંડિત અવારનવાર । લખનઊ આવતી. એ મારી સારી મિત્ર હતી. એ કારણે મારી ને એની મુલાકાત થતી રહેતી. એથી મેં એને જણાવ્યું કે મેં નોકરી માટે આકાશવાણીના દિલ્હી કાર્યાલયમાં લેખિત । અરજી મોકલી છે.' એ પછી પ્રતિભાશાળી – સઈદાને આકાશવાણીના દિલ્હી કાર્યાલયમાં નોકરી મળી ગઈ.

સઈદાને દિલ્હીમાં યુવા મહિલા ઈસાઈ । સંઘમાં રહેવા માટે એક કમરો આપવામાં આવ્યો. ૧૩ ઓગસ્ટ ૧૯૪૭ના સઈદાએ પોતાનું પહેલું ન્યૂઝ બુલેટીન વાંચવાનું હતું. એ માટે સવારે છ વાગ્યે એણે આકાશવાણી પહોંચવાનું હતું. અને આઠ વાગ્યે ઉર્દૂમાં બુલેટિન વાંચવાનું હતું. બરાબર આઠ વાગ્યે સઈદાએ બુલેટિન વાંચ્યું અને એ સાથે ઓલ ઇન્ડિયા રેડિયોની પહેલી ઉદઘોષિકા બની ગઈ.

સમાચારવાચક તરીકે સઈદાના સૂરીલા કંઠની તારીફ થઈ. કોઈ અખબારે એની - પ્રશંસામાં ફૂલ વરસાવ્યાં. પરિણામે સઈદા સમક્ષ અન્ય કાર્યક્રમો રજૂ કરવાની પેશકશ થઈ. એમાંથી એક કાર્યક્રમ મહિલાઓ અને બાળકો અંગેનો હતો. અન્યોએ સઈદાને સમાચાર વિશ્લેષણના કાર્યક્રમમાં જોડી. વળી બીજાએ સંક્ષિપ્ત સમાચાર વાંચવા માટે સઈદાને કાર્યક્રમમાં સામેલ કરી. સઈદાએ પોતે પણ દેખી-સુની નામના પાંચ મિનિટની કાર્યક્રમ શ્રેણીનું નિર્માણ કર્યું. પ્રસારણ પછી સઈદાને ઢગલાબંધ પત્રો મળતાં. પત્રોમાં પ્રશંસાનાં પુષ્પો પણ હોય અને પીડતા પથ્થર પણ. 

 Image source: khaleej Times

એ સંદર્ભે સઈદાએ સંસ્મરણોમાં નોંધ્યું છે કે,મને લોકો હંમેશાં રેડિયો પર સમાચાર વાંચતી સાંભળવા ઉત્સુક હતા અને મારા કામની સરાહના કરતા હતા એ બદલ હું ઉપરવાળાની આભારી રહીશ. પણ મેં આ સાર્વજનિક સ્વીકૃતિને ક્યારેય અનુચિત મહત્ત્વ નથી આપ્યું. દુનિયાના વિભિન્ન ભાગમાંથી મારા અવાજની પ્રશંસા કરતા સેંકડો પત્ર આવતા. કેટલાયે સક્કો મારી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકતા. જોકે મને સાંભળનારામાંથી કેટલાકે મને ભાંડવાનો પ્રયાસ પણ કર્યો. સરહદની પેલે પારથી કેટલાક લોકો લખતા કે, ‘પાકિસ્તાન બની ગયું છે તો પછી મારા જેવા દેશદ્રોહી હજુ સુધી દુશ્મન દેશમાં શું કરે છે? વળી સરહદની આ પારથી મારાં જ કેટલાક દેશવાસીઓ લખતાં કે, નીકળો અમારા દેશમાંથી, પાકિસ્તાન ચાલ્યા જાવ.' આ પત્રોના મૂળમાં ભારતના ભાગલા હતા. વિભાજનના વિષમ દિવસો હતા. દેશમાં વધતી સાંપ્રદાયિક હિંસાને પગલે સઈદા બાનોએ અન્ય કેટલીયે પ્રમુખ હસ્તીઓ સાથે રફી અહમદ કિડવાઈના ઘરમાં શરણ લેવા મજબૂર થવું પડેલું. આવી ઘટનાઓ સાથે સઈદા પર ગાંધીજીની હત્યાની પણ ઊંડી અસર થયેલી. ગાંધીજીના નિધનને દિવસે સઈદા વ્યક્તિગત રીતે ગાંધીજીને સાંભળવા બિરલા હાઉસ ગયેલી. પણ બાપુની હત્યા થતાં જ શોકમાં ગરકાવ થઈ ગઈ. બાનો એટલી વ્યથિત થયેલી કે એ દિવસે 

સમાચારવાંચન અસંભવ થઈ ગયું. એ ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પર લગાતાર કામમાં પરોવાયેલી રહી. આ પ્રકારના જાતજાતના અનુભવો વચ્ચે સઈદા બાનોએ આકાશવાણીમાં કામ કર્યું. ૧૯૬૫માં સમાચારવાચક તરીકે સઈદા સેવાનિવૃત્ત થઈ. પછી આકાશવાણીમાં ઉર્દૂ સેવાના નિર્માતા તરીકે એની નિયુક્તિ કરાઈ. ૧૯૭૦માં આકાશવાણીમાંથી સઈદા સેવાનિવૃત્ત થઈ. ૧૯૯૪માં સઈદાએ ઉર્દૂમાં ‘ડગર સે હટકર’ નામે સંસ્મરણો લખ્યાં. ૨૦૦૧માં સઈદા મૃત્યુ પામી. સઈદાની પૌત્રી શહાના રઝાએ દાદીના જીવનનો સાર એક જ વાક્યમાં વર્ણવતાં કહેલું કે, એ પોતાનું જીવન જીવતી હતી, પોતાનું ખાણું ખાતી હતી, વાહન ચલાવી શકી ત્યાં સુધી ગાડી ચલાવતી હતી, એકલી રહેતી હતી અને એક રાણીની જેમ આનંદ કરતી હતી !

સ્રોત: બોમ્બે સમાચાર (કોલમ :વીરાંગના - ટીના દોશી)

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top