પૃથ્વીના સૌથી ઠંડાગાર એન્ટાર્કટિકા સુધી ફેલાયેલું ઇસરોનું અંતરિક્ષ સંશોધન કેન્દ્ર.
ભારતીય એન્ટાર્કટિક કાર્યક્રમ, જે 1981 માં શરૂ થયો હતો, તેણે 40 વૈજ્ઞાનિક અભિયાનો પૂર્ણ કર્યા છે, અને એન્ટાર્કટિકામાં દક્ષિણ ગંગોત્રી (1983), મૈત્રી (1988) અને ભારતી (2012) નામના ત્રણ કાયમી સંશોધન બેઝ સ્ટેશન બનાવ્યા છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ની હેડ ઓફિસ બેંગલુરુમાં છે અને અન્ય સંશોધન કેન્દ્રો આખા ભારતમાં છે. ઇસરોનું એક સંશોધન કેન્દ્ર પૃથ્વીના સૌથી ઠંડાગાર સ્થળ એન્ટાર્કટિકામાં પણ છે.
ઇસરોના એન્ટાર્કટિકાના આ કેન્દ્રનું નામ છે ધ એન્ટાર્કટિકા ગ્રાઉન્ડ સ્ટેશન ફોર અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ્સ (એ.જી.ઇ.ઓ.એસ.) ઇસરોના એન્ટાર્કટિકાના એ.જી.ઇ.ઓ.એસ. સંશોધન કેન્દ્ર વિશે બહુ ઓછી માહિતી છે.
આમ તો એન્ટાર્કટિકામાં ભારત સરકારનાં મૈત્રી, ભારતી, દક્ષિણ ગંગોત્રી એમ ત્રણ સંશોધન કેન્દ્રો છે. હાલ આમાંનાં મૈત્રી અને ભારતી એમ બે સંશોધન કેન્દ્ર સંપૂર્ણપણે કાર્યરત છે, જ્યારે હાલ દક્ષિણ ગંગોત્રીમાં સંશોધન કાર્ય નથી થતું.
મૈત્રી અને ભારતી કેન્દ્રમાં અંતરિક્ષ સંશોધન, હવામાન અને આબોહવામાં થતા ફેરફાર, પૃથ્વીના પેટાળમાં થતી ગતિવિધિ અને ભૂકંપશાસ્ત્ર વગેરે ક્ષેત્રમાં સંશોધન થાય છે.
ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે અમારા એન્ટાર્કટિકાના એ.જી.ઇ.ઓ.એસ. સંશોધન કેન્દ્રની સ્થાપના ૨૦૧૩ના ઓગસ્ટમાં થઇ છે. એ.જી.ઇ.ઓ.એસ. એન્ટાર્કટિકાના લાર્સમેન્ન હિલ્લસ વિસ્તારમાંના ભારતી સ્ટેશનમાં છે.
એ.જી.ઇ.ઓ.એસ. કેન્દ્રમાં ઇન્ડિયન રિમોટ સેન્સિંગ(આઇ.આર.એ.) સેટેલાઇટ્સની સંશોધન કામગીરીની મહત્વની આંકડાકીય માહિતી અને ઇમેજીસ મળે છે. એટલે કે આ કેન્દ્રમાં કાર્ટોસેટ-૨ સિરિઝ, સ્કેટસેટ-૧, રિસોર્સસેટ -૨/૨/એ, કાર્ટોસેટ-૧ની સંશોધન કામગીરીની માહિતી તથા ઇમેજીસ મળે છે. ત્યારબાદ આ બધી માહિતી અને ઇમેજીસ અમારા નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (એન.આર.એસ.સી-શાદનગર, હૈદરાબાદ)માં મોકલવામાં આવે છે.
આ સમગ્ર કામગીરી માટે અહીં ઇસરોના વિજ્ઞાાનીઓની ટીમ હોય છે.ઇસરોના આ કેન્દ્રમાં તમામ અત્યાધુનિક ઉપકરણો અને સુવિધા છે. વળી, આ કેન્દ્રની જાળવણી માટે ઇસરોના એન્જિનિયરો સહિત અન્ય સ્ટાફ પણ છે.
ઇસરોનાં સૂત્રોએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે એન્ટાર્કટિકા પૃથ્વી પરનું સૌથી ટાઢુંબોળ સ્થળ-ખંડ હોવા સાથે તેના ઘણા કુદરતી ફાયદા પણ હોવાથી અમે અહીં સંશોધન કેન્દ્ર શરૂ કર્યું છે. ઉદાહરણરૂપે આ વિશાળ બરફીલો વિસ્તાર સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત હોવાથી અહીંની દ્રષ્ટિક્ષમતા પણ ઉત્તમ પ્રકારની છે. એટલે જ અમારા પૃથ્વી ફરતે ગોળ ગોળ ફરતા રિમોટ સેન્સિંગ સેટેલાઇટ્સને ભારતની ખેતીવાડી, જળસ્રોત, શહેરી આયોજન, ગ્રામીણ વિકાસ, પૃથ્વીના પેટાળામાંનાં ખનિજ તત્ત્વો, પર્યાવરણ, દરિયાઇ સ્રોત, પ્રાકૃતિક આપત્તિ વગેરે ક્ષેત્રની માહિતી અને ઇમેજીસ બહુ સ્પષ્ટ અને સાફસૂથરી મળે છે.
માહિતી સ્રોત, સૌજન્ય : ગુજરાત સમાચારપત્ર