ફૂટબોલ પ્લેયર પેલેનો જન્મદિવસ
ફૂટબોલની રમતના બાદશાહ ગણાતા પેલેનો જન્મ ઈ. સ. ૧૯૪૦ની ૨૩મી ઓક્ટોબરે બ્રાઝિલના એક નિર્ધન પરિવારમાં થયો હતો. માત્ર સોળ વર્ષની વયે તેણે દેશની રાષ્ટ્રીય ટીમના સભ્ય બન્યા બાદ એક પછી એક સફળતાના શિખરો સર કર્યા હતા. ૧૯૫૯માં સાંતોસ ક્લબ તરફથી પ્રથમ મેચ રમતા પેલેએ પહેલો ગોલ કર્યો. ત્યાર બાદ કારકિર્દીમાં ક્યારેય પાછું વળીને જોયું નથી. પેલેએ ૧૯૬૬માં રોઝમેરી ડોસ સાથે લગ્ન કર્યા હતા. પેલેનું મૂળ નામ એડસન અરેન્ટ્સ દ નાસિમેન્ટો હતું. ૧૯૬૯માં પ્રથમ કક્ષાની ૯૦૯મી મેચ રમતી વખતે પેલેએ તેનો ૧૦૦૦મો ગોલ ફટકાર્યો હતો. પેલેના નેતૃત્વ હેઠળ બ્રાઝિલની ફૂટબોલ ટીમે અનેક નોંધપાત્ર સફળતાઓ પ્રાપ્ત કરી હતી. ‘ બ્લેક ડાયમંડ’ નામથી જાણીતા પેલેએ ઈટાલી અને અલ્જિરિયા દ્વારા અપાયેલી ઈનામી રકમનો અસ્વીકાર કરી દેશપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ૧૯૦૦ દરમિયાન તેનું સુવર્ણ ચંદ્રક અર્પણ કરી સન્માન કરાયું હતું. પેલેના સન્માનમાં ટપાલ ટિકિટો બહાર પડી છે. સમગ્ર કારકિર્દી દરમિયાન કુલ ૧૩૬૩ મેચ રમી ૧૨૮૧ ગોલ કરનાર પેલે વિશ્વનો સૌથી લોકપ્રિય ખેલાડી મનાય છે.