ડેબરપાડા પ્રાથમિક શાળાનાં કેન્દ્ર શિક્ષક શ્રીમતી શારદાબેન પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો.
તારીખ ૨૦-૧૦-૨૦૨૩નાં દિને ડેબરપાડા પ્રાથમિક શાળાનાં કેન્દ્ર શિક્ષક શ્રીમતી શારદાબેન પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો. વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા ડેબરપાડા પ્રાથમિક શાળા તા.ખેરગામ,જિ.નવસારીના કેન્દ્ર શિક્ષક શ્રીમતી શારદાબેન ભાણાભાઇ પટેલ શરૂઆતથી જ શિક્ષણમાં રસ ધરાવી શિક્ષણ જગતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું.
તા.૨૦/૩/૧૯૮૫ ના દિને વલસાડ જિલ્લાના ઉંમરગામ તાલુકાનાં વલવાડા કેન્દ્રની સંઘાડીપાડા પ્રા. શાળામાં સૌ પ્રથમ નિમણૂક થઈ.
ત્યાર બાદ ૧૦/૨/૧૯૮૯ ના દિને ડેબરપાડા પ્રા. શાળા તા.ખેરગામ, જિ.નવસારીમાં જિલ્લાફેર બદલી થતાં હાજર થયા. ડેબરપાડા પ્રા. શાળા માં ૩૪ વર્ષ ૮ માસ સેવા આપી જેમાં છેલ્લા બે વર્ષથી કેન્દ્ર શિક્ષક તરીકેની ફરજ બજાવી.
તેમણે આ શાળામાં આવી પ્રગતિનાં નવાં પીંછા ઉમેર્યા, શાળા અને બાળકોને પોતાના પરિવાર બનાવ્યો. તેમણે શાળાના નવા મકાનના બાંધકામમાં ખૂબ જ ભગીરથ પરિશ્રમ અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે. શાળાની ભૌતિક,શૈક્ષણિક સુવિધા માટે સતત ચિંતન કરતા. બાળકોને મા જેવી મમતા, પિતા જેવું વાત્સલ્ય, મિત્ર જેવો સ્નેહ અને શિક્ષણ ક્ષેત્રે શિક્ષકત્વ અદા કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણની પ્રતિતિ કરાવી.
તેમણે શાળા અને શિક્ષણને કર્મ અને ધર્મ બનાવી બાળકોમાં શિક્ષણ સાથે કેળવણીનાં પાઠો અને ઉત્તમ સંસ્કારોનું સિંચન કર્યું. માનવ ઘડતરનું કામ કર્યું. તેમની મીઠી, રમુજીવાણી, સદાચાર, સત્ય, વિનય, વિવેક, નિયમિતતા, કર્તવ્ય પાલન જેવા ગુણોનું બાળકોમાં સિંચન કર્યું. આપની દીર્ધ કાલીન સેવાની શાળા પરિવાર અને ગ્રામજનો કદર કરે છે.
આ પ્રસંગે ગામના સરપંચશ્રી અશ્વિનભાઈ પટેલ, એસએમસી અઘ્યક્ષશ્રી કાંતિભાઈ પટેલ, ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષક પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ બીઆરસી વિજયભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રી કિરીટભાઈ પટેલ, બહેજ કેન્દ્ર શાળાનાં કેન્દ્ર શિક્ષક અલ્પેશભાઈ પટેલ, આછવણી કેન્દ્ર શાળાનાં કેન્દ્ર શિક્ષક રાધાબેન પટેલ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનાં બ્રાન્ચ મેનેજરશ્રી, ગ્રામજનો, વાલીઓ, શાળા પરિવાર, આમંત્રિત મહેમાનો, સગાસંબંધીઓ, મિત્રમંડળ, નિવૃત્ત શિક્ષકો તાલુકાના શિક્ષકો તથા મુખ્યશિક્ષકો, ઉપસ્થિત રહી શ્રીમતી શારદાબેન પટેલનું શેષ જીવન તેમના પ્રિય પરિવાર સાથે સુખ, શાંતિ, સ્નેહ અને સમૃધ્ધિથી વ્યતિત થાય અને સમાજ અને કુટુંબના કાર્ય માટે સહયોગી બની રહે એવી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.