શિક્ષિત પત્નીના સાથથી અનાથ અને ગરીબ બાળકોને ગામેગામથી શોધી લાવી શિક્ષણ આપે છે.
પ્રોફેસરની જોબ છોડી અનાથ કન્યાઓને અક્ષરજ્ઞાન આપવા છાત્રાલય શરૂ કરતા ડાંગના મહેન્દ્રભાઈ.
‘શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હે' ચાણક્ય ના આ વાક્યને ડાંગમાં ચરિતાર્થ થતું જોવું હોય તો ’ધૂળચોંડ’ જવું પડે.
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ એટલે કે 'શિક્ષક દિન’ જ્યારે બારણે દસ્તક દેતો હોય ત્યારે, પ્રોફેસર જેવી વ્હાઇટ કોલર જોબને ત્યજીને, અનાથ બાળકોને અક્ષરજ્ઞાન આપવાના ઓરતા સાથે, નિવાસી શાળા અને છાત્રાલય શરૂ ડાંગના શિક્ષકજીવ મહેન્દ્રભાઈ ગાઈનના શિક્ષણયજ્ઞની વાત ન કરીએ તો ઉજવણી અધૂરી ગણાય.
ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ધૂળચોંડ ગામે અનાથ અને ગરીબ પરિવારના બાળકોને પણ શિક્ષણ મળી રહે તેવા સ્તુત્ય પ્રયાસ સાથે એકમાત્ર નિવાસી શાળા (સરસ્વતી વિદ્યામંદિર) અને કન્યા છાત્રાલય (તુલસીવન અનાથ કન્યા છાત્રાલય)ની સ્થાપના કરી, તેના સફ્ળ સંચાલનને જ કારકિર્દી તરીકે સ્વીકારી મૂળ ઘોડી ગામના મહેન્દ્રભાઈ ગાઈને એમ.એ./બી.એડ. /એમ.એડ. અને એમ.ફીલ સુધીની શૈક્ષણિક ડિગ્રીઓ મેળવી છે.
એમ.ફીલ ની મળેલી શિષ્યવૃત્તિના પૈસાથી ડાંગ જિલ્લાના અન્નાથ અને ગરીબ બાળકોને ગામેગામથી શોધી લાવી સંસ્કારોનુ સિંચન કરતા આ જીવ.
અહીં પોતાના ધર્મપત્ની શ્રીમતી પાર્વતીબેન કે જેઓ પણ એમ.એ./બી.એડ.ની ડિગ્રી ધરાવે છે. તેમની સાથે મળીને, આ શિક્ષણના મંદિરમાં બિરાજતા સોથી વધુ બાળદેવોને શિક્ષણ આપી, મા સરસ્વતીની આરાધના કરી રહ્યા છે.
છેલ્લા છ વર્ષોથી પોતાની ખેતીની આવકમાંથી આ શૈક્ષણિક સંકુલનું સંચાલન કરતા આ દંપતીને, શિક્ષક દંપતીને દાતાશ્રીઓનો પણ સારો એવો સહયોગ સાંપડી રહ્યો છે. તેમ જણાવતાં મેનેજીંગ ડિરેકટર મહેન્દ્રભાઈ ગાઈને કહ્યું હતું કે, અહીં બાળકોને ભણવાના ઓરડાં અને રહેવા માટેના છાત્રાલય, ઉપરાંત ભોજનાલય સહિતની અદ્યતન સુવિધાઓ સાથે શિક્ષણનો રથ હંકારી રહ્યા હોવાનું જણાવ્યું છે.
વિપરીત સંજોગોમાં જરૂરિયાતમંદોને શિક્ષણના સંસ્કાર આપવાના એકમાત્ર ઉદ્દેશ સાથે પોતાનું સર્વસ્વ હોમી દેનારા આ શિક્ષક ' દંપતિ'ને 'શિક્ષક દિન' નિમિત્તે યાદ કરવા પ્રાસંગિક લેખાશે.
Credit : sandesh news