Narmda|Rajpipla: સાઈબર ક્રાઈમ હેઠળ છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોની રૂપિયા ૨૦ લાખ જેટલી રકમ પરત અપાવતા નર્મદા જિલ્લા સાઈબર ક્રાઈમ પોલીસની ટીમ
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબેએ એસ.પી. કચેરી ખાતે યોજેલી પત્રકાર પરિષદ
સાઈબર ક્રાઈમના ગુનાઓને ઉકેલવામાં નર્મદા જિલ્લા સાઈબર ક્રાઈમ પોલસની કામગીરી રાજ્યમાં નોંધપાત્ર, રેન્જ આઈજી દ્વારા કરાયેલા ઈન્સ્પેક્શનમાં પણ કામગીરીની સરાહના કરાઈ : નર્મદા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે
રાજપીપલા, શુક્રવાર : રાજ્યનો ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા માટે સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં, ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. તેમાં નર્મદા જિલ્લા પોલીસની કામગીરી પણ નોંધપાત્ર રહી છે.
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં સાઈબર ક્રાઈમ અંતર્ગત જિલ્લામાં થયેલી કામગીરીનો ચિતાર આપવા અંગે એસ.પી. કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ સહાયક પોલીસ અધિક્ષકશ્રી લોકેશ યાદવ અને પી.આઈ. આર.જી. ચૌધરી પણ હાજર રહ્યા હતા.
નર્મદા જિલ્લામાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા થયેલી કામગીરીની વિગતો આપતા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેએ જણાવ્યું કે, સમગ્ર જિલ્લામાં અત્યાર સુધી સાઈબર ક્રાઈમની ઠગાઈનો ભોગ બનેલા લોકોની રૂપિયા ૨૯ લાખની રકમ ફ્રીઝ કરવામાં આવી હતી. જે પૈકી નામદાર કોર્ટ મારફતે અરજદારોને અત્યારસુધીમાં રૂપિયા ૨૦ લાખ જેટલી રકમ પરત અપાવી છે. જ્યારે રૂપિયા ૯ લાખ પરત અપાવવા માટે કાર્યવાહી ચાલી રહી છે.
પોલીસ અધિક્ષકશ્રીએ વધુમાં જણાવ્યું કે, સાઈબર ક્રાઈમના ગુનામાં પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની પોલિસીમાં સુધારો કરવામાં આવ્યો છે. નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે, જે કુલ રકમને બદલે ખાતાના માત્ર એટલા જ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત થયો હોય. જેથી હવે આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરાશે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગ્રુહ વિભાગ દ્વારા આ ફેરફારનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તે ખૂબજ સરાહનીય છે.
નર્મદા જિલ્લાના નાગરિકોને સાઈબર ક્રાઈમની છેતરપિંડીથી બચવા માટે અને ભોગ બનેલા નાગરિકોએ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ ઉપર સંપર્ક કરવા પોલીસ અધિક્ષકશ્રીએ ખાસ અપીલ કરી હતી. સાથોસાથ નર્મદા જિલ્લા સાઈબર ક્રાઈમની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રસંશા કરતા કહ્યું કે, સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લા સાઈબર ક્રાઈમ પોલીસની કામગીરી નોંધપાત્ર રહી છે. જેની તાજેતરમાં જ રેન્જ આઈજી દ્વારા કરાયેલા ઈન્સ્પેક્શનમાં પણ પોલીસની આ કામગીરીને બિરદાવાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં રિફંડની રકમ અને હોલ્ડ પર એટલે કે અટકાયતમાં રહેલી રકમમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. જેમકે, વર્ષ- ૨૦૨૪માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી ૪૬.૪૨% છે, જે વર્ષ ૨૦૨૩માં ૧૭.૯૩% હતી. ૩૦ જૂન, ૨૦૨૪ સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી કુલ રકમ રૂપિયા ૧૧૪.૯૦ કરોડ છે અને ૨૦૨૪ માટે રિફંડ કરાયેલી રકમ રૂપિયા ૫૩.૩૪ કરોડ છે. જે ઘટાડાનો તફાવત દર્શાવે છે.