સ્વાસ્થ્યનું વરદાન એટલે આયુષ્માન
Narmda|Rajpipla : PM-JAY યોજના થકી લાભાર્થી ઉતરાનીબેન વસાવાને રૂ ૬.૬૦ લાખથી વધુની વિનામૂલ્યે મળી સારવાર
આયુષ્માન કાર્ડ થકી સરદાર પટેલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હૃદયનુ ઓપરેશન માટે મફતમાં સારવાર મળી : લાભાર્થીના પુત્રશ્રી સુર્યકાંત મગનભાઇ વસાવાના સ્વમુખે સરાહના
નર્મદા જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪ માં સરકારી હોસ્પિટલમા રૂ ૧૫.૧૬ કરોડની સારવાર કરવામા આવી
આલેખન:- ઊર્મિલા માહલા
રાજપીપલા, શુક્રવાર:- PM-JAY યોજના અંતર્ગત આરોગ્યલક્ષી જરૂરિયાતમંદોને આર્થિક ટેકો આપવા માટે સરકારશ્રી દ્વારા શરૂ કરવામા આવેલ આરોગ્યકાર્ડ સંભાળની પહેલ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીઓને આરોગ્ય આવશ્યકતાઓથી વાકેફ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અનેક આરોગ્ય સારવારના પ્રાયાસો કરી લાભાર્થીઓને PM-JAYનો કાર્ડ દ્વારા લાભ આપવામાં આવે છે. ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવા ગામના લાભાર્થી શ્રીમતી ઉતરાનીબેન મગનભાઇ વસાવાએ PM-JAY યોજનાના કાર્ડ દ્વારા સારવારનો લાભ મેળવ્યો છે.
શ્રીમતી ઉતરાનીબેન વસાવાના વહાલસોયા પુત્ર શ્રી સુર્યકાંત મગનભાઇ વસાવા યોજનાનો લાભ લઈને સ્વમુખે સરાહના કરતા જણાવ્યુ હતુ કે, તેઓ ઉમરવા ગામમાં નવીનગરી ફળીયામાં ૮ સભ્યો સાથે સંયુક્ત પરિવાર સાથે રહે છે. મારી માતા શ્રીમતી ઉતરાનીબેન વસાવાને શરૂઆતમા શ્વાસ લેવામા તકલીફ હોવાથી, તેમને પહેલા ભરૂચ જિલ્લાના ઝઘડીયાના સેવા રૂરલ કસ્તુરબા હોસ્પિટલ ખાતે ચેકઅપ માટે લઈ ગયા હતા. ત્યાં સારવાર કરવામા આવી હતી. તેઓને વધારે તકલીફ થતા અંકલેશ્વરની સરદાર પટેલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. આ હોસ્પિટલમાં તેઓને હૃદયને લગતી બિમારી હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. જેના માટે ઓપરેશન કરવાની જરૂરિયાત હોવાનું હોસ્પિટલ તરફથી ડોકટર દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ઓપરેશન કરવાનું પરિવાર માટે શક્ય ન હતું. સરદાર પટેલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના સ્ટાફ મારફતે અમને જાણવા મળ્યુ કે, આયુષ્માન કાર્ડ થકી એમની સારવાર વિનામુલ્યે થઈ શકે છે.
ઉતરાનીબેનના પુત્ર શ્રી સુર્યકાંત મગનભાઇ વસાવાએ જણાવ્યુ કે, નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે અમારા ઘરે આવીને તમામ સભ્યોના આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામા આવ્યા હતા અને તેની સાથે આયુષ્માન કાર્ડની મહત્વતતા અંગે સમજણ આપવામાં આવી હતી. આ કાર્ડ થકી અમે અંકલેશ્વરની સરદાર પટેલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં મારી માતાનું હૃદયનુ ઓપરેશન રૂા.૬.૬૦ લાખના ખર્ચે વિનામુલ્યે સારવાર કરવામા આવી હતી અને અમને કોઇ પણ પ્રકારનો બીજો ખર્ચ કરવાની જરૂર રહી ન હતી. આજે મારી માતા અમારી સાથે સ્વસ્થ છે અને કોઇપણ તકલીફ જોવા મળતી નથી. તેઓ હવે હરી-ફરી શકે છે. સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી મારી માતાને ફરી નવજીવન મળ્યુ તે બદલ હું સરકારશ્રીનો અને જિલ્લા આરોગ્ય વિભાગનો આભાર માનુ છુ. અને દરેકે આ કાર્ડ કઢાવી લેવા અપિલ કરું છુ.
વડાપ્રધાનશ્રી નરેદ્રભાઇ મોદીએ તા.૧૫ મી ઓગસ્ટ ૨૦૧૮ PM-JAY યોજનાની સહાયની ઘોષણા કરી હતી. આ યોજના હેઠળ હાલમાં દેશના જરૂરિયાતમંદ લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા ૧૦ લાખ સુધીનું આરોગ્ય કવચ આપવામા આવે છે. જે ભારતભરની Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana (AB – PMJAY) યોજના સાથે સંલગ્ન હોસ્પિટલોમાં કોઇ પૈસા ચૂકવ્યા વિના સારવાર આપવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ નર્મદા જિલ્લામાં રૂા.૧૫.૧૬ કરોડની સારવાર કરવામા આવી છે.