પક્ષીનો અવાજ સાંભળવા માટે અહીં ક્લિક કરો
પીળક પક્ષી : ઈન્ડિયન ગોલ્ડન ઓરિઅલ બર્ડ
મનેઘટાદાર વૃક્ષોની વનરાઈ त વચ્ચે સરસ મજાની સિસોટી સંભળાય તો માનજો કે તમે એક સદનસીબ છે, કારણ કે એ સિસોટી વગાડતું પીળક નામનું એ પક્ષી બહુ ઓછાઓને દેખાતું હોય છે.
પીળક (ઇન્ડિયન ગોલ્ડન ઓરિઅલ) એ સોનેરી રંગનું ખુબ જ આકર્ષક પક્ષી છે. તે એક અલગ જ પ્રકારનો જાણે સિસોટી વગાડતું હોય એવો ટ્વિઉટુટુ ટુ..ટ્વિ ઉટુટુ ટુ.. ટ્વિઉટુટુ ટુ.. અવાજ કરે છે, જે સાંભળવો ગમે તેવો આહલાદક હોય છે. વચ્ચે વચ્ચે એ ફાટેલો ટવે..ટવે.. એવો પણ અવાજ કરે છે. પીળક એનો માળો બે-ત્રણ પતલી ડાળખીની વચ્ચે ઝુલતો વાડકા જેવો ગોળાકાર બનાવે છે. તે એનો માળો ઘાસ જેવા પાતળા અને સરળતાથી વાળી શકાય એવી સામગ્રીથી ગૂંથે (વણે) છે. પીળકનો માળો પીપળા જેવા ઊંચા ઘટાદાર વૃક્ષો પર હોવાને લીધે તે બહુ ઓછો દશ્યમાન થાય છે. આથી એનાં બચ્ચાં દેખાવાં દુર્લભ હોય છે. તેનો પ્રજનન સમય વસંતઋતુ (ઉનાળો) છે. એટલે કે એપ્રિલ થી ઓગસ્ટ સુધી. નર અને માદા બંને મળીને માળો બનાવે છે અને બચ્ચાને ઉછેરે છે. પીળક સામાન્ય રીતે જ્યાં ઘટાદાર વૃક્ષો હોય જેમ કે જંગલો, વન-વગડા, બાગ-બગીચા, ફળોની વાડીઓ, ખેત-ઘર એવી જગ્યાઓએ રહેવાનું પસંદ કરે છે જ્યાં એને સરળતાથી રસવાળા અને બીજા ફળો, કીટકો અને જીવજંતુઓ
મળી રહે. પીળકઘટાદાર વૃક્ષમાં છુપાઈને રહે છે અને પાંદડા સાથે એનો રંગ ભળી જતો હોવાથી જવલ્લે જ દેખાય છે. નર પીળક દેખાવમાં ખુબ આકર્ષક હોય છે. તેનો રંગ સોનેરી પીળો હોય છે અને પાંખો કાળી. ચાંચ ગુલાબી તેમજ આંખની કરતે કાળો રંગ જાણે કાજળ લગાવી હોય એવો દેખાવ આપે છે. આંખ એકદમ લાલચટ્ટક અને કાળી પાંખના નીચેની તરફના ભાગમાં અને છેડે થોડો પીળો રંગ હોય છે. માદા પીળક એ નર પીળક જેટલું આકર્ષક હોતું નથી. એનો રંગ ઝાંખો પીળો અને એમાં આછી કાળી કે કથ્થઈ જેવા રંગની તૂટક લાઈનો હોય છે જે એના ડોકની નીચેના ભાગમાં એકદમ સાફ દેખાતી હોય છે.
પીળક પોતાનો માળો એ જગ્યાએ બનાવે છે જ્યાં કાળો કોશી (બ્લેક ડ્રોન્ગો) પક્ષીનો માળો હોય. આવું કરવાનું કારણ એ છે કે કાળો કોશી એના માળા અને બચ્ચાની દેખભાળ કરવામાં બહુ આક્રમક હોય છે. એ કોઈપણ બીજા પક્ષીને માળાની પાસે ફરકવા દેતું નથી અને જો કોઈ એમ કરવાનો પ્રયત્ન કરે તો એની સાથે લડે છે. આથી પીળક જેવા પક્ષીઓ એની આજુબાજુ જોવા મળે છે જેથી આડકતરી રીતે તેના માળાનું પણ રક્ષણ થાય. પરંતુ આના લીધે ક્યારેક કાળો કોશી એને પણ દુશ્મન સમજી બેસે છે અને તેને ભગાડવા માટે તેની પાછળ પાછળ ઉડતો જોવા મળે છે. જો તમને કાળો કોશી કોઈક ઝાડ પર ઘણા દિવસો લગાતાર દેખાય તો તે જગ્યાએ પીળક પણ દેખાવાની શક્યતા વધી જાય છે. પીળક એક જગ્યાએ બેસી નથી રહેતું. એક ડાળીથી બીજી ને એક ઝાડ થી બીજા ઝાડ પર ઉડતું રહે છે. એ જયારે સિસોટી વગાડીને બોલતું હોય ત્યારે એટલો સમય એક જગ્યાએ બેઠેલું જોવા મળે છે. કલકલિયા કે પતરંગા જેવાં બીજાં પક્ષીઓની જેમ તે ક્યારેય પણ ઇલેકટ્રીસિટીના વાયર પર બેઠેલા દેખાતા નથી. આથી જ તે ગુજરાતમાં સામાન્ય હોવા છતાં સરળતાથી દેખાતું પક્ષી નથી. જો તમારી આસપાસ પીપળા કે વડ જેવા ઝાડ હોય અને વસંતઋતુની કોઈક સવારે સૂરીલી સિસોટી જેવો અવાજ સંભળાય તો એ પીળક હશે. ધ્યાનથી બે ઘડી સમય કાઢીને શોધશો તો જોવા મળશે.