કતારની એક કોર્ટે ઈન્ડિયન નેવીના ૮ ભૂતપૂર્વ કર્મચારીને જાસૂસીના આરોપમાં ફાંસીની સજા ફટકારતાં ખળભળાટ મચી ગયો છે. તારે ૨૦૨૨ના ઓગસ્ટમાં ઈન્ડિયન નેવીમાં વરસો લગી કામ કરનારા ૮ સૈનિકોને પકડ્યા તેના મહિનાઓ સુધી તો તેમની સામે શું આરોપ છે.એ જ નહોતું કહ્યું, કતારમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા આ ભૂતપૂર્વ નેવી સૈનિકોને સોલિટરી કન્સાઈન્મેટમા રખાયેલા. મતલબ કે, કોઈ તેમને મળી જ ના શકેએ રીતે રખાયેલા.
આ વરસના માર્ચમાં તેમની સામે જાસૂસીનો આરોપો મૂકાયા અને હવે કોર્ટ આઠેયને ફાંસીની સજા ફટકારી છે. લગભગ સવા વર્ષ સુધી ૮ ભારતીયોનો અપરાધ શું છે તે ના કતારની સરકારે જાહેર કરેલું કે ના ભારત સરકારે જાહેર કરેલું. હવે અચાનક એવી વિગતી બહારે આવી છે કે, આ લોકો ઈઝરાયલ માટે જાસૂસી કરતા હતા. ઈઝરાયલ અને હેમાસ વચ્ચે યુદ્ધ હાટી નિકળ્યું છે ત્યારે જ આ પ્રકારના આરોપો હોવાનું જાહેર કરાયું તેના કારણે કતારની વર્તણૂક શંકાસ્પદ બની ગઈ છે.
કતારે જેમને ફાંસીની સજા ફટકારી તેમાં ચાર ઇન્ડિયન નેવીના ભૂતપૂર્વ કમાન્ડર અને ત્રણ તો ભૂતપૂર્વ કેપ્ટન છે. કમાન્ડર કરતાં કેપ્ટનની પોસ્ટ ઉપર હોય છે. પૂર્ણેન્દુ તિવારી, સુગુનકર પકાલા, અમિત નાગપાલ અને સંજીવ ગુપ્તા ચાર ઈન્ડિયન નૈવીમાં કમાન્ડર હતા, જ્યારે નવતેજસિંહ ગિલ, બિરેન્દ્રકુમાર વર્મા, સૌરભ વશિષ્ઠ કેપ્ટન હતા. રાગેશ ગોપાલકુમાર સેઈલર હતા. કે જે નેવીમાં પ્રમાણમાં નીચી પોસ્ટ ગણાય ઘણા કમાન્ડર અને કેપ્ટન તો મિડલ લેવલની મહત્વની પોસ્ટ છે એ જોતાં ૭ ભૂતપૂર્વ સૈનિક તો મહત્વના હોદ્દા પર હતા.
ઈન્ડિયન નેવીમાં આ આઠેય લોકોએ ૨૦ વર્ષથી વધારે સમય સુધી સેવા આપી છે. કતારની કૉર્ટના ચુકાદા સામે ભારતે આઘાત દર્શાવીને આ ભારતીયોને છોડાવવા જરૂરી તમામ કાનૂની લડતની તૈયારી બતાવી છે. પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં કતારનો અભિગમ જોતાં ભારતીયોને માફી મળવા અંગે શંકા છે. મિડલ ઇસ્ટમાં ઘણાં વરસો સુધી સાઉદી અરેબિયાનું પ્રભુત્વ હતું પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી કતારે માથું ઉંચકીને સાઉદીની સર્વોપરિતાને પોકારી છે. સાઉદી ધીરે ધીરે સુધારા કરી રહ્યું છે તેથી મુસ્લિમોનો મોટો વર્ગ નારાજ છે. કતાર તેનો લાભ લેવા એકદમ કટ્ટરવાદને રસ્તે વળ્યું છે.
આરબ જગતમાં સૌથી મોટા બનવાની ખંજવાળ મટાડવા કતાર કટ્પંટરવાદીઓને પંપાળી રહ્યું છે. આ કારણે મુસ્લિમ ના હોય એવા બધા દેશોને કતાર પોતાના દુશ્મન માનીને વર્તે છે. બીજું એ કે, સાઉદી અરેબિયા સાથે જેમને સારા સંબંધો છે એવા દેશોને પણ દુશ્મન દેશ માને છે. ભારતમાં હિંદુવાદી સરકાર છે. અને નરેન્દ્ર મોદી સરકારને સાઉદી સાથે બહુ મારા સંબંધો છે તેથી કતાર ભારત તરફ પણ આક્રમક વલણ અપનાવી રહ્યું છે.
ભારતમાં ફરાર જાહેર થયેલા કટ્ટરવાદી ધર્મોપદેશક ઝાકિર નાઈકને લાલ જાજમ પાથરીને આવકારે છે. ભાજપનાં નેતા નુપુર શર્મા અને રાજાસિંહે પયંગબર સાહેબ સામે ટીકાઓ કરી ત્યારે પણ કતારે આક્રમક વલણ અપનાવીને ભારતને આકરાં પગલાંની ચીમકી આપેલી. ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થાય છે એવા દુષ્પ્રચારને સાચો માનીને કતાર ભારત વિરોધી વલણ લઈ ચૂક્યું છે. તેના કારણે કટ્ટરવાદી મુસ્લિમો રાજી થશે એવી તેમની ગણતરી છે.
વિશ્લેષકોનું માનવું છે કે, ઇન્ડિયન નેવીના આઠ ભૂતપૂર્વ સૈનિકોને ફાંસીની સજા કતારની આ સ્ટ્રેટેજીનો ભાગ છે. હમાસના આતંકીઓએ ઈઝરાયેલમાં ઘૂસીને આતંક મચાવ્યો તેની પ્રતિક્રિયા તરીકે ઈઝરાયેલ ગાઝા સ્ટ્રીપ પર આક્રમણ કર્યું છે. ભારતે ઈઝરાયલના વલણને ટેકો આપ્યો છે પણ કટ્ટરવાદી મુસ્લિમો હમાસના પડખે છે. ભારતના ઈઝરાયલ તરફી વલણ તથા ભારતમાં છેલ્લાં કેટલાંક વરસોમાં મુસ્લિમ કટ્ટરવાદીઓને વિદેશથી મળતા ફંડ પર આવેલી તવાઈના કા૨ણે કટ્ટરવાદી મુસ્લિમો ખફા છે.
કટ્ટરવાદીઓને ખુશ કરવા કતારે ભારતીયોને ફાંસીની સજા કરાવીને આડકતરી રીતે ભારતને ચેતવણી આપી છે કે, ભારત ઈઝરાયલ તરફ ઢળશે તો ભારતીયોએ તેની કિંમત ચૂકવવી પડશે. ભારતીયો સામે ઈઝરાયલ વતી જાસૂસીનો આરોપ છે તેની અત્યાર લગી કોઈને ખબર જ નહોતી. હવે અચાનક કતારે ભારતીયોને ઈઝરાયલના જાસૂસ સાબિત કરીને તેમને ફાંસીની સજા ફટકારી દીધી છે. આ રીતે કતારે પોતે પેલેસ્ટાઈનની લડાઈમાં મુસ્લિમોનો મસિહા છે એવું સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે ભારતને પોતાની નિતી બદલીને પેલેસ્ટાઈન તરફ કરવાની ચીમકી પણ આપી દીધી છે.
કતારને યુએઈ અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો સામાન્ય કરવા માટે થયેલા અબ્રાહમ કરાર સામે પણ વાંધો છે. સાઉદીએ આ કરારને ટેકો આપ્યો છે. સાઉદી-ઈઝરાયલ- યુએઈની સાથે ભારત જોડાય તો મિડલ ઈસ્ટમાં કતારના પ્રભુત્વ સામે ખતરો છે. આ સિવાય ભારતના ઈન્ડિયા-મિડલ ઈસ્ટ- યુરોપ ઈકોનોમિક કોરિડોરને પણ કતાર શંકાની નજરે જુએ છે. ચીન, તુર્કી અને પાકિસ્તાન જેવા કતારના મિત્રો સામે આ કોરિડોર ખતરો ઉભો કરશે. તેના કારણે પણ કતાર ભારત પર ખફા હોવાનું મનાય છે.
કતાર એકદમ લુચ્ચાઈ પર ઉતર્યું છે ને ભારતે આ લુચ્ચાઈને કઈ રીતે પહોંચી વળવું એ મોટો સવાલ છે. કતાર બહુ નાનો દેશ છે. માત્ર ૨૮ લાખની વસતી ધરાવતા કતારની લશ્કરી રીતે ભારત સામે ટકવાની કોઈ તાકાત નથી પણ આર્થિક રીતે તેની તાકાત બહુ છે. ભારત માટે તકલીફ એ છે કે,
ભારતીયો બહુ મોટી સંખ્યામાં કતારમાં રહે છે. કતારની ૨૮ લાખની વસતીમાં ૮ લાખ તો ભારતીયો છે ને તેમાંથી અડધાથી વધારે હિંદુ છે. કતારની કુલ વસતીમાં હિંદુ ધર્મ પાળનારા ૧૫ ટકા એટલે કે સવા ચાર લાખ હિંદુ છે જે બધા ભારતીયો છે. કતારમાંથી દર વર્ષે કરોડો ડોલર ભારતમાં આવે છે. કતાર ભારતને ક્રૂડ સપ્લાય કરતો સાતમા નંબરનો સૌથી મોટો દેશ છે. આ બધાં કારણોસર ભારતને કતાર સામે આક્રમક બનવુ પરવડે તેમ નથી.
આ સંજોગોમાં ભારતે કળથી કામ લેવું પડે એમ છે. ભારતે તેની શરૂઆત ઈઝરાયલ અને પેલેસ્ટાઈન એ બે ટુ નેશનની થીયરીને સમર્થનની તેની જૂની નિતિમાં કોઈ ફેરફાર નથી થયો એવી સ્પષ્ટતા કરીને કરી છે. સાથે સાથે ગાઝા સ્ટ્રીપમાં ફસાયેલા પેલેસ્ટાઈનીઓ માટે માનવતાના ધોરણે સહાય પણ મોકલી છે.
ભારતના આ પ્રયત્નો ફળે, કતારનું હૃદય પિગળે અને ભારતની સેવા કરનારા ૮ ભૂતપૂર્વ સૈનિકોના જીવ બચી જાય એવી આશા રાખીએ.
ભારતીયો કતાર નેવીમાં સબમરીન પ્રોજેક્ટમાં કામ કરતા હતા.
ઈન્ડિયન નેવીના આઠ ભૂતપૂર્વ સૈનિક કતારમાં દાહરા ગ્લોબલ ટેકનોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ નામની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. રોયલ ઓમાન એર ફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામિસ અલ-અજમીની માલિકીની આ કંપની કતારની આર્મ્ડ ફોર્સીસના ટ્રેઈનિંગ તથા બીજી સેવાઓ પૂરી પાડતી હતી. મતલબ કે, કંપની સીધી જ કતારની આર્મી સાથે જોડાયેલી હતી.
આ આઠ ભારતીયો કતાર નેવીના અત્યંત સંવેદનશીલ સબમરીન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હતા. ઈટાલીની કંપની ફિનકાન્ટીયેરી એસપીએ સાથે કતારી નેવીએ ૨૦૨૧માં બે ડીઝલ-ઈલેક્ટ્રિલ સબમરીન બનાવવાનો કરાર કરેલો.
ઈટાલિયન ટેકેનોલોજી આધારિત સ્ટીલ્થ મિગેટ સબમરીન પર કામ ચાલુ હતુ ત્યારે જ ઓગસ્ટમાં અલ-અજમીની ભારતીયો સાથે ધરપકડ કરી દેવાઈ. કતાર સ્ટેટ સીક્યુરિટીનો આરોપ છે કે, આ સબમરીન પ્રોજેક્ટ અંગે ભારતીયો જાસૂસી કરીને ઈઝરાયલને વિગતો આપતા હતા. તેમના ફોન,ઈમેલ, મેસેજ વગેરે પરથી આ વાતની ખબર પડી હતી. અલ-અજમી તો ત્રણ મહિના પછી ૨૦૨૨ના નવેમ્બરમાં છૂટી ગયો પણ ભારતીયો ફસાઈ ગયા. અલ-અજમીએ ૨૦૨૩ના એપ્રિલમાં કંપની બંધ કરીને નવી કંપની શરૂ કરી દીધી પણ ભારતીયોનું ભાવિ અધ્ધરતાલ થઈ ગયું.
ભારતીયોને જેલમાં કોઈને મળવા જ નથી દેવાતા.
ઈન્ડિયન નેવીના ૮ ભૂતપૂર્વ સૈનિકો સાથે કતારનું વર્તન અત્યંત આઘાતજનક અને માનવતાવિહીન છે. કતારની ઈન્ટેલિજન્સ એજન્સી સ્ટેટ સીક્યુરિટી બ્યુરોએ ઓગસ્ટમાં ધરપકડ કર્યા પછી ભારતીય દૂતાવાસને છેક સપ્ટેમ્બરમાં જાણ કરી હતી. ૩૦ સપ્ટેમ્બરે ભારતીયોને તેમના પરિવારજનો સાથે બે મિનિટ વાત કરવા દેવાઈ પછી તેમને કોઈને મળવા જ નહોતા દેવાતા.
ભારતીય દૂતાવાસે દબાણ કરતાં ૩ ઓક્ટોબરે દૂતાવાસના એક અધિકારીને તેમને મળવાની મંજૂરી અપાઈ હતી. એ પછી તેમને સોલિટરી કન્ફાઈન્ટમેન્ટમાં રાખીને કોઈને મળવા જ નહોતા દેવાતા. દર અઠવાડિયે તેમના પરિવારને ફોન કરવા દેવાતા પણ તેમની સામે આરોપો શું છે તેની પણ જાણ નહોતી કરાઈ.
ભારત અને કતારના સંબંધો વરસો સુધી સારા રહ્યા છે. ભારતીયો કતારના આર્થિક વિકાસના પાયામાં હોવા છતાં કતારનું આ વર્તન આઘાતજનક કહેવાય.
સૌજન્ય - ગુજરાત સમાચાર