શું શિક્ષણનું ખાનગીકરણ કરવું અનિવાર્ય છે ?
હમણાં એક વાલી પોતાના સંતાનને શાળામાં પ્રવેશ કરાવવા માટે તપાસ કરી રહ્યા હતા. આવતા વર્ષે જૂનમાં પ્રવેશ લેવા માટે હમણાંથી કઈ કઈ શાળાઓમાં ફોર્મ ભરવું અને કઈ શાળા પોતાના સંતાનના શિક્ષણ માટે યોગ્ય રહેશે, તે માટે તેઓ તેમના નજીકના મિત્રો અને શિક્ષણ સાથે સંકળાયેલી વ્યક્તિઓને મળી રહ્યા હતા.
મને મળતાની સાથે મેં તેમને પ્રશ્ન કર્યો કે તમારા ગામમાં વર્ષો જૂની શાળા કાર્યરત છે, તો પછી તમે તમારા બાળકને 20 કિલોમીટર દૂર મોકલીને તેનો સમય શક્તિ અને નાણાનો વ્યય શા માટે કરવા માંગો છો? તેઓ મારી સાથે વધુ દલીલ કરવા માંગતા ન હતા. તેથી તેમણે સાહજીક રીતે જ કહ્યું કે વાત જ જવા દો ને સાહેબ. ભલે સાહેબ બે પૈસા વધારે ખર્ચાઈ જાય પરંતુ આપણે ન ભણી શક્યા તેવું આપણા બાળકો સાથે ન થવું જોઈએ, શહેરની ફલાણી શાળામાં બાળકોને મારે સારામાં સારું શિક્ષણ આપવું છે.
ગામની શાળાની તો વાત જ શું કરીએ સાહેબ. પહેલી વાત તો ત્યાં સુવિધાના કોઈ ઠેકાણા નથી, નથી કોઈ સ્વચ્છતા, નથી સારા ટોયલેટ બાથરૂમ, સુવિધાની વાતને બાજુએ મૂકીએ તો પણ ત્યાં શિક્ષકોના પણ ક્યાં ઠેકાણા છે? મારે ઘણી વખત એ શાળામાં જવાનું થાય ત્યારે જોઉં છું કે મહિનામાં અડધા દિવસ એ શિક્ષકો શાળામાં હોતા જ નથી.
ક્યારેક આ તાલીમ, તો ક્યારેક બીજી કામગી૨ી, ક્યારેક તાલુકા મથકે તો ક્યારેક જિલ્લા મથકે, અરે ઘણીવાર તો આખા વર્ગમાં બાળકો તોફાન કરતા હોય, મારામારી કરતા હોય એવું જોવા મળ્યું છે અને શિક્ષકોને જઈને પૂછીએ તો કહે કે અમારે આ પત્રકો ભરીને મોકલવાના છે, અમારે ઓનલાઇન માહિતી ભરવાની છે. આપણે એ બધા સુધારા ક્યાં કરવા બેસીએ. આપણે - કોઈનો વાંક જોવા બેસીએ તેટલો ટાઇમ જ ક્યાં છે? સાહેબ, સો વાતની એક વાત એ શિક્ષકો પાસે આપણા બાળકોને ભણાવવા માટે પૂરતો સમય જ નથી.
એ બધી ઝંઝટમાં પડ્યા વગર આપણા બાળકોને ભલે દેવું કરીને ભણાવવા પડે પરંતુ કોઈ સારી ખાનગી શાળામાં ભણાવીએ તો કમસેકમ તેના આઠ પિરિયડ ભણાવશે તો ખરા ને. આપણા બાળકોને ભણાવવાની જવાબદારી આપણી છે, એટલું હું તો સમજું,વાત ગંભીર છે અને વિચારવા - જેવી છે. શિક્ષણમાં ખાનગીકરણ ખૂબ ઝડપથી અનિવાર્ય બની રહ્યું છે.
જેમ ચાર્લ્સ ડાર્વિનનો પ્રાકૃતિક પસંદગીનો વિશ્વ વિખ્યાત અને – બહુમતીથી સ્વીકૃત છે એ સિદ્ધાંત – મુજબ ઉત્ક્રાંતિ થઈ હતી અને ચાલુ જ છે. એ જ સિદ્ધાંત દરેક વ્યવસ્થા માટે પણ લાગુ પાડી શકાય છે. જે વ્યવસ્થા સમાજની અપેક્ષાઓને સંતોષતી હશે, શિક્ષણની વાત કરીએ તો જે વ્યવસ્થા આજના વાલીઓ અને વિદ્યાર્થીઓની બદલાતી જતી અપેક્ષાઓ અને આશાઓને લક્ષમાં રાખીને કામ કરશે, તે જ વ્યવસ્થા ટકી જશે. એટલું જ નહીં પરંતુ આ બદલાયેલી વ્યવસ્થા કે ટકી ગયેલી વ્યવસ્થા પણ કાયમી નથી, કારણ કે સમાજની અપેક્ષાઓ સતત પરિવર્તનશીલ છે, બદલાતી રહે છે અને આ બદલાયેલી ઈચ્છાઓને સતત પારખતા રહેવું પડશે અને તો જ જે તે વ્યવસ્થા લાંબો સમય પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે.
આજે કોઈ પણ બાબતને જૂની થતા વાર નથી લાગતી. કઈ બાબત ક્યારે ભૂતકાળ બની જશે, ઇતિહાસ બની જશે એ આપણે કહી શકતા નથી. જે રીતે ઘર વપરાશની અનેક વસ્તુઓ કે બ્રાન્ડ આજે અપ્રસ્તુત છે, માર્કેટમાંથી પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકી છે, તે જ રીતે કોઈપણ વ્યવસ્થા એ ક્યારે આઉટડેટેડ થઈ જશે એ આપણે કહી શકતા નથી. કોઈપણ બાબતને આપણે તેની ભૂતકાળની ભવ્યતાને આધારે લાંબો સમય સુધી ટકાવી શકતા નથી. જો બીત ગઈ વો બાત ગઈ. દરેક યુગમાં નવા જમાનાના લોકો અને જૂના જમાનાના લોકો એમ બે પેઢી એક સાથે સહઅસ્તિત્વ ધરાવતી જ હોય છે. સ્વાભાવિક છે કે જૂની પેઢીના લોકોની નજર પોતાના વીતી ગયેલા દીર્ઘકાળ એટલે કે ભૂતકાળ તરફ હોવાની અને નવી પેઢીની નજર પોતાના ભવિષ્યના ઘડતર માટે સારા આયોજનો શોધતી રહેવાની. સરકારી શાળાઓ શા માટે ઘટી ગઈ.
ગ્રાન્ટેડ શાળાઓમાં શા માટે વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરોઉત્તર ઘટતી જાય છે, એ સંશોધનનો વિષય છે. દરેક બાબતમાં આપણે એક જ પક્ષને દોષી ન ઠેરવી " શકીએ. તાળી એક હાથે વાગતી નથી. હમણાં હમણાં યુવાનોને વિદેશ ભણવા માટે મોકલવાનો ક્રેઝ વધતો ચાલ્યો છે. તેની પાછળના કારણો પણ તપાસવા જેવા છે. આજથી દસ વર્ષ પહેલા મેડિકલમાં પ્રવેશ મેળવવા માટેની પદ્ધતિ જુદી હતી. શિક્ષણ જગતમાં, તેની વ્યવસ્થા અને પદ્ધતિઓમાં તથા અનેક બાબતોમાં ધરમૂળથી પરિવર્તનો થયા છે, અને તેથી જ આ પરિવર્તનો સાથે પોતાની જાતને અદ્યતન રાખવી. ટકાવી રાખવી, વિકસિત કરવી, એ દરેક વ્યક્તિ અને સંસ્થા માટે અનિવાર્ય છે.
નોકરીમાં નવો લાગેલો કર્મચારી ખુબ ઉત્સાહભેર પોતાના કામને શ્રેષ્ઠ રીતે કરી બતાવીને સંકળાયેલા સૌને સંતોષ આપવાનો પ્રયત્ન કરે, એ જ બાબત નોકરીના દસ વર્ષ પછી જોવા મળતી નથી. જડતા એ હંમેશા કોઈપણ વ્યવસ્થાના પતન તરફ લઈ જાય છે. જેમ પવનની લહેરખી એ આબોહવાનું પરિવર્તન છે અને લહેરખી આવતાની સાથે મેદાનોમાં લહેરાતું ધાસ સાહજિક રીતે જરૂર જેટલું નીચું નમી જાય છે અને વાયરો વીતી ગયા બાદ ફરી પાછું ટટ્ટાર થઈને પોતાના અસ્તિત્વ અને ઓળખને જાળવી રાખે છે,
એ જ રીતે શિક્ષણ વ્યવસ્થામાં સમાજના ઘડતરનું તેમની ઘડતરનું કાર્ય, વિદ્યાર્થીઓના રોજગારીના નિર્માણનું કાર્ય, તેમના વ્યક્તિત્વ અને યોગ્ય વલણોને ઘડવાનું કામ શાળાઓ અને શિક્ષકો કરે છે, ત્યારે બદલાતા યુગ સાથે જરૂરી પરિવર્તનો આણવા એ વ્યવસ્થાના દરેક ઘટકની ફરજ છે. ઘણી વખત ભૂતકાળની ભૂલોનો ભોગ વર્તમાને આપવો પડે છે. દરેક વ્યવસ્થા સમયાંતરે મૂલ્યાંકન અને જરૂરી પરિવર્તનો માંગે છે, જે અપ્રસ્તુત છે તેનું અસ્તિત્વ રહેવાનું નથી.
જે સમયની માંગને સંતોષી શકશે તે જ ટકશે. સમયના અવિરત પ્રવાહમાં જે બિંદુએ આપણે ઊભા છીએ, ત્યાં રહીને આપણું શ્રેષ્ઠ કર્તવ્ય, જે ઈશ્વરે આપણને આપ્યું છે, જે ભૂમિકા આપણે ભજવી રહ્યા છે, ભલે એ શિક્ષણ વ્યવસ્થાની ટોચનો કોઈ હોદ્દો હોય કે વહીવટી કામગીરી હોય, શાળાના વડા હોઈએ કે બાળકોના હૃદયસમ્રાટ એવા શિક્ષકનો દરજ્જો હોય, પરંતુ પોતાની ઈશ્વરદત્ત ફરજોને શ્રેષ્ઠ રીતે બજાવતા રહીએ, સમયનો પરિવર્તનની ગંધને પારખતા રહીએ અને પોતાના કાર્યમાં સહેજ પણ નકારાત્મકતા ન પ્રવેશે, તે જોઈને પોતાની ફરજોને સુપેરે અદા કરીએ, એ સર્વથા ઇચ્છનીય અને અપેક્ષિત છે!!!
કી-પોઈન્ટ
શીખવું એ ઉત્સાહભરી પસંદગી છે. કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને કશું શીખવાડી શકતી નથી, જે વ્યક્તિને શીખવું હોય તે ખુદ જ શીખતી હોય છે.
સ્રોત : ગુજરાત ગાર્ડિયન (શિક્ષણ ચર્ચા), લેખ : અશ્વિન પટેલ