કોઈપણ સમાજ વિશે ભવિષ્યવાણી કરવી હોય કે જે તે સમાજ આજથી દસ, વીસ કે પચાસ વર્ષ પછી કેવો હશે તો તેના માટે આજે વર્તમાન સમયમાં એ સમાજના લોકો કયા પ્રકારનું શિક્ષણ મેળવે છે તે જાણવું પડે.
શિક્ષણ એ પેઢી નિર્માણનું કાર્ય છે. આજે સમાજમાં દેખાતી બદીઓ કે સમસ્યાઓનું મૂળ એ આજથી દાયકા-બે દાયકા પહેલા અપાયેલા શિક્ષણનું પરિણામ છે અને જો સમાજનું આવું ચિત્ર અનિચ્છનીય હોય, ન ગમતું હોય તો ચોક્કસપણે આપણે આજની શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન કરવું પડે. શિક્ષણની પ્રક્રિયા જીવનલક્ષી બનવી જોઈએ. વિષયોનું જ્ઞાન એ જીવન જીવવા માટે પૂરતું નથી. વ્યવસાયિક કૌશલ્યો રોજગારી અપાવી શકે પરંતુ જીવનને સફળ બનાવવા માટે તો જાતે જ ચિંતન કરવું પડે.
આજનું શિક્ષણ ચિંતનપ્રેરક બની રહે તેવા પ્રયત્નો થવા જોઈએ. સમાજમાં વધતા જતા આપઘાતના બનાવો સ્પષ્ટ સૂચવે છે કે વ્યક્તિ જીવનને યોગ્ય રીતે સમજ્યો જ નથી. ઘણીવાર એવું પણ લાગે છે કે આપણે ખોટું શિક્ષણ તો નથી આપી રહ્યા ને ? આજનો વિદ્યાર્થી માહિતીના ભાર હેઠળ કચડાઈ જાય તેટલી હદે શિક્ષણ ભારેખમ બની ગયું છે. મહાત્મા ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે ભણેલા ગણેલા લોકોની સંવેદનહીનતાએ સમાજ માટે ચિંતાનો વિષય છે.
આજે શિક્ષણ સંપૂર્ણપણે સ્પર્ધાત્મક બની ગયું છે અને સ્પર્ધા એ તો હિંસાની જનની છે. દરેક વિદ્યાર્થીની વ્યક્તિગત ભિન્નતાને લક્ષમાં લીધા વગર સૌને એક જ લાકડીએ હાંકવા એ કોઈપણ દ્રષ્ટિકોણથી યોગ્ય નથી. બીજું, આજે શાળાઓમાં કે મહાશાળાઓમાં વિદ્યાર્થીઓને કે યુવાનોને તેમની કારકિર્દી ઘડવા માટે દુન્યવી જ્ઞાન પીરસવામાં આવે છે. તેઓ વિવિધ પરીક્ષાઓમાં ઉજજવળ દેખાવ કરે અને નોકરી મેળવવા માટે કે સારો ધંધો કરવા માટે ગળાકાપ સ્પર્ધામાં ટકી રહે અને વિજેતા નીવડે તે માટે બાળકોને તૈયાર કરવામાં આવે છે.
પોતાના સાથી મિત્રને જ્યારે કોઈપણ યુવાન સ્પર્ધક તરીકે જોતો થાય, ત્યારે સંબંધોમાં સુંદરતા ક્યાંથી જળવાયેલી રહે ? એક વાર એક કોલેજમાં એક વિષય માટે પ્રાધ્યાપકની એક જ જગ્યા ખાલી હતી અને બે લંગોટિયા મિત્રો કે જેમણે એક જ વિષય સાથે પીએચ.ડી.ની ડીગ્રી સાથે ભણતા ભણતા મેળવેલી, તેઓએ આ જગ્યા માટે અરજી કરી અને નજીવા તફાવતથી સ્વાભાવિક રીતે એક મિત્રને નોકરી મળી ગઈ, ત્યારે બીજા મિત્રને થયેલું દુઃખ નિવારવાનો ઉત્તર આપણી શિક્ષણ વ્યવસ્થા પાસે નથી.
શિક્ષણ વ્યવસ્થામાં દુન્યવી અને બાહ્ય જગતમાં સારી રીતે જીવવા માટે, સંપત્તિ કમાવા માટે, ભૌતિક સુખ સગવડો મેળવવા માટે, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટેનું શિક્ષણ તો અપાય છે, પરંતુ કહેવાય છે કે શિક્ષણનું સર્વોચ્ચ ધ્યેય સ્વની ઓળખનું છે અને સ્વની ઓળખ દ્વારા અધ્યાત્મને જાણીને ઈશ્વર પ્રાપ્તિનું છે, એ લક્ષ્યને ક્યાંય ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને પરિણામે માનવીએ પ્રકૃતિ ઉપર મહદઅંશે કબજો જમાવ્યો છે, પરંતુ તે સ્વને નિયંત્રિત કરવામાં સદંતર નિષ્ફળ ગયો છે આ શિક્ષણની અધૂરપ છે. આજે વર્ગખંડ શિક્ષણ સાથે સંકળાયેલા અધ્યાપકો જે તે વિષયનું જ્ઞાન પીરસીને પોતાની ફરજ અદા કર્યાનો સંતોષ માને છે. સામે બેઠેલા અધ્યેતાને તેમાંથી કેટલું આવડ્યું, એટલું જ નહીં આપણે પીરસેલું જ્ઞાન વિદ્યાર્થીઓએ કેટલી હદે આત્મસાત કર્યું, તે જોવા અને જાણવા જેટલી ફુરસદ આજના શિક્ષકો પાસે નથી.
વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિને ઉત્તેજિત કરે તેવો અભિગમ જો શિક્ષકો રાખે તો તેમનું અડધું કામ સરળ થઈ જાય પરંતુ આજે શિક્ષક માહિતીને સારી રીતે પૂરી પાડનાર સાધન બનીને રહી ગયો છે. સાચો શિક્ષક તો વિદ્યાર્થીઓને વધુને વધુ જાણવા માટે પ્રેરિત કરતો હોય છે. કહેવાય છે કે શિક્ષણની પ્રક્રિયાના ચાર તબક્કાઓ મુખ્ય છે - જ્ઞાન, સમજ, ઉપયોગ અને કૌશલ્ય. ખરેખર તો વિદ્યાર્થીઓની ક્ષમતા ચકાસવા માટે લેવાતી કસોટીના પ્રશ્નપત્રોની રચના કરનાર પ્રાશ્નીકો આ ચારેય પ્રકારના પ્રશ્નો પ્રશ્નપત્રમાં પૂછતા હોય છે, પરંતુ વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો કેળવણીની પ્રક્રિયા પણ આ ચાર તબક્કાઓમાંથી વારાફરતી પસાર થાય છે એમ કહેવું જોઈએ.
કોઈપણ બાબતને જાણવી એ શિક્ષણનું પ્રથમ સોપાન છે. માહિતી મેળવવી, જ્ઞાન મેળવવું, તેના સિદ્ધાંતોને જાણવા, એ કોઈપણ વિષયમાં ખૂબ જરૂરી છે.
શિક્ષણનું બીજું સોપાન સમજણનું છે. માહિતી મેળવ્યા પછી તેમાં સમજ ન પડે અને વિદ્યાર્થી ગોખણીયુ જ્ઞાન પ્રાપ્ત કરે તો તે બીજા તબક્કા સુધી પહોંચ્યો જ નથી, એમ કહેવાય. ઘણા શિક્ષકો વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયાર કરતી વખતે અમુક સવાલો ગોખાવી દેતા હોય છે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષામાં એ પ્રશ્નોના ઉત્તરો અક્ષરશઃ લખીને પુરા માર્ક મેળવી શકે છે, પરંતુ અહીં શિક્ષણનું બીજું સોપાન નિષ્ફળ જાય છે.
વિદ્યાર્થી પ્રથમ તબક્કાથી આગળ વધતો જ નથી અને તેના કારણે એ ભાવિ જીવનમાં નિષ્ફળ જાય છે, વ્યવસાયમાં નિષ્ફળ જાય છે, હતાશ થાય છે અને મનોમન પોતાને સવાલ - જવાબ ગોખવા માટે પ્રેરનાર શિક્ષકોને ભવિષ્યમાં કોસતો હોય છે.
શિક્ષણની પ્રક્રિયાનું ત્રીજું સોપાન એટલે ઉપયોગ. વિદ્યાર્થી પોતે મેળવેલા જ્ઞાનને સમજીને તેનો ઉપયોગ કરે તો એ કેળવાયેલો છે એમ કહેવાય. ઘર્ષણબળના ફાયદા - ગેરફાયદા ભણ્યા પછી અને ઘર્ષણ નિવારવાના ઉપાયો જાણ્યા પછી તે પોતાના ઘરે કિચૂડ કિચૂડ અવાજ કરતા હીચકામાં ઊંજણ તેલના બે ટીપા ન મુકતો હોય, વાહનના ટાયર સમયસર ન બદલાવતો હોય તો એ ત્રીજા તબક્કા સુધી પહોંચી શક્યો નથી, એમ કહેવું જોઈએ.
આજે સમાજમાં પ્રસરેલી અંધશ્રદ્ધા એ ત્રીજા તબક્કા સુધી ન પહોંચી શકેલા લોકોને કારણે છે. માત્ર વૈજ્ઞાનિક સિદ્ધાંતો જ નહીં પરંતુ દરેક વિષયમાં પોતે મેળવેલી સમજણને એ જીવનમાં ઉપયોજન સુધી લઈ જાય તો જ તેણે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે એમ કહેવાય. પોતાની વાત રજૂ કરતી વખતે વિવિધ શાબ્દિક અલંકારનો એ ઉપયોગ કરવો, એ માત્ર ભાષા શિક્ષકનો ઈજારો નથી, દરેક વ્યક્તિ આ કરવું જોઈએ. પોતાની વાતને ભારપૂર્વક અને અસરકારક રીતે રજૂ કરવા માટે વિશેષણ, ક્રિયાવિશેષણ, અલંકાર, સમાસ વગેરેનો ઉપયોગ કરતા દરેક બાળકે શીખવું જોઈએ.
શિક્ષણની પ્રક્રિયાનું ચોથો સોપાન કૌશલ્ય નિર્માણનું છે. પોતે શીખેલી બાબતોનો માત્ર ખપ પૂરતો ઉપયોગ કરવાને બદલે, એ સમજણને પોતે કુશળતાની કક્ષાએ લઈ જાય, સાહિજક રીતે એ જ્ઞાનનો ઉપયોગ કરે, અરે, ઉપયોગ કરે એમ કહેવાને બદલે તેનાથી ઉપયોગ થઈ જાય એટલી હદે જે તે બાબતોને આત્મસાત કરે તો શિક્ષણની પ્રક્રિયા પૂર્ણ થયેલી કહેવાય અને આ દરેક તબક્કા સુધી વિદ્યાર્થીને પહોંચાડવા માટે તેનામાં ક્ષમતાઓનું નિર્માણ કરવાનું કાર્ય શિક્ષકોનું છે. કમનસીબે અનેક પરિબળોને કારણે આજનો શિક્ષક આ કરી શક્યો નથી, જેના કારણે આપણે આદર્શ સમાજના ચિત્રથી જોજનો દૂર છે એમ કહેવું જોઈએ!!
કી-પોઈન્ટ
માતા પિતા બાળકના સ્થળદેહને કરે છે પરંતુ તેના વ્યક્તિત્વના સૂક્ષ્મ પાસાઓનું ઘડતર તો તેના શિક્ષકોએ જ કરવાનું હોય છે.
સ્રોત : ગુજરાત ગાર્ડિયન (કોલમ -શિક્ષણ ચર્ચા, લેખક : અશ્વિન પટેલ)