ઈર્ષ્યા અભાવમાંથી જન્મ લેતી હોય છે, તેની કોઈ દવા નથી.
‘ઈર્ષ્યાળુને આશીર્વાદ' : માણસમાં જ્યારે લઘુતાગ્રંથિ આવી જાય છે ત્યારે એમાંથી ઇર્ષ્યા પ્રગટે છે.
ઈર્ષ્યાળુ માણસ સ્વયં ઈર્ષ્યાની આગમાં સળગતો હોય છે એને વધારે સળગાવવો વ્યર્થ છે. ઈર્ષ્યાની ઉત્તમોત્તમ દવા એ આશા છે.
કેટલાંક વાહનોની પાછળ લખેલું હોય છે: ઈર્ષ્યાળુને આશીર્વાદ એક ઉક્તિ છે: “ઈષ્યાળુ માણસ પોતાના ભોજનમાં ઝેર ભેળવીને ખાય છે. ’‘અથર્વવેદ’માં જેવી રીતે મૃતકનું મન મરેલું હોય છે એવી રીતે ઈર્ષ્યાળુનું મન પણ મરેલું જ હોય છે.' ઈર્ષ્યા ક્યાંથી ઉદ્ભવે છે? અભાવમાંથી તે જન્મે છે. માણસબીજાનું સારું જોઈ શકતો નથી.
વેદવ્યાસે કહ્યું છે: ‘ઈર્ષ્યાળુને મરણ જેટલું જ દુઃખ ભોગવવું પડે છે.’ ઈર્ષ્યા એક એવી બીમારી છે જેની કોઈ ડૉક્ટર પાસે દવા નથી. માણસમાં જ્યારે લઘુતાગ્રંથિ આવી જાય છે ત્યારે એમાંથી ઈર્ષ્યા પ્રગટે છે. કોઈ વ્યક્તિ એવો નહીં હોય જેને થોડા-ઘણા અંશે બીજાની ઈર્ષ્યા આવતી ન હોય! ન્ એનું કારણ એ છે કે, એ બીજાનું સુખ સહન કરી શક્તો નથી. એના મનમાં જે ઈર્ષ્યાનો ભાવ જન્મે છે એના કારણે તે બીજાનું ખરાબ- ખોટું બોલે છે, અને પોતે આત્મ સંતોષ મેળવે છે. ખરેખર તો જે માણસ ઈર્ષ્યા કરે છે તે પોતાની સંકુચિતતા દર્શાવે છે.
“મહાભારત”માં કહેવાયું છે. જેના પ્રત્યે દ્વેષ થાય છે તે માણસ ગમે તેટલો સારો હોવા છતાંય ન તો આપણને સાધુ લાગે છે કે ન તો વિદ્વાન કે ન તો બુદ્ધિશાળી લાગે છે, જેના પ્રત્યે પ્રેમ થઈ જાય છે. તેનાં બધાં જ કાર્યો શુભ અને કલ્યાણકારી લાગે છે. જ્યારે શત્રુનાં બધાં જ કાર્ય ખરાબ અને અમંગલ લાગે છે. જેના મનમાં ઈર્ષ્યા ઘર કરી જાય છે. એ માણસ પોતાના જીવનનો આનંદ માણી શક્યો નથી.
આપણે જાણીએ છીએ કે ઈર્ષ્યાએ સળગતો અગ્નિ છે, તે બીજાને નહીં પણ આપણને જ બાળે છે. આપણે સામા માણસનું તો બગાડી શક્તા નથી; આપણે આપણું જ ખરાબ કરીએ છીએ. પણ આ તો માનવ સ્વભાવ જ થઈ ગયો છે. માણસ જ્યારે બીજાની ઈર્ષ્યા કરે છે, ત્યારે તેનું મગજ ઉત્તેજના અનુભવે છે એની સીધી અસર એના શરીર થાય છે. માનસિક તાણ માણસને ખોખલો બનાવી દે છે. મનની ગતિવિધની સીધી જ અસર શરીરને થતી હોવાથી તે ઘણા રોગોનું ઘર બની જાય છે. આપણે આપણું સ્વાસ્થ્ય સારું ઈચ્છતા હોઈએ તો ઈર્ષ્યાથી દૂર રહેવું. 'પ્રબોધચંદ્રોદય'માં કહ્યું છેઃ ઈર્ષ્યા ચિત્તનો મળ છે.’
ગોસ્વામી તુલસીદાસે કહ્યું છે: ઘણા લોકો ઉચ્ચપદે બિરાજતા હોય છે, અને વૈભવશાળી પણ હોય છે. પરંતુ તેમનાં કામ બહુ નીચતાપૂર્ણ હોય છે. ઈર્ષ્યાને કારણે તેઓ બીજા લોકોનું અથય જોઈ નથી શક્યાં.” બીજાનું સારું જોઈને જેને આનંદ થાય એવા લોકો કેટલા? ભલે મોઢેથી વખાણ કરતા હોય, એની વાહ વાહ કરતા હોય પણ અંદરથી તો એટલા જ જલતા હોય છે. ઈંધ્યાના કારણે તો માણસનો પોતાનો વિકાસ પણ અટકી જાય છે.
ઈર્ષ્યા તો કાળી સાપણી જેવી છે, એ ડંસે તો મરવું જ પડે. જે ઈર્ષ્યાળુ છે તે ક્ષણે ક્ષણે મરતો હોય છે સોમદેવ ભટ્ટે 'કથાસરિત્સાગર’માં કહ્યું છે: ઈર્ષ્યા વિવેકની વિરોધી છે.' માણસમાં ઈષ્યાનો કીડો સળવતો હોય ત્યારે એનો વિવેક મરી જાય છે. એનામાં બદલો લેવાની ભાવના પ્રબળ બને છે. પોતાનો સાથીદાર અથવા તો પોતાની સરખામણીનો કોઈ વ્યક્તિ કોઈપણ ક્ષેત્રમાં આગળ વધી જાય તો ઈર્ષ્યા થાય છે. માણસ અંદરને અંદર સળગતો હોય છે, એનો વિવેક મરી જાય છે.
ઈર્ષ્યાના કારણે માણસ દુ:ખી દુ:ખી થઈ જાય છે. કલ્હણે ‘રાજતરંગિણી'માં કહ્યું છેઃ ‘જેનામાં ઈર્ષ્યા નથી તે દુ:ખી થતો નથી.' પોતાના ઘરમાં અંધારું હોય અને બીજાના ઘરમાં લાઈટ હોય તો એની અને ઈર્ષ્યા આવતી હોય છે. ઈર્ષ્યાના દોષને દૂર કરવા માટે વિવેકશીલ બુદ્ધિનો આશ્રય લેવો પડે. જેથી ઈર્ષ્યા-દોષ દૂર કરી શકાય. નહિતર કારણ વગર જ, એકલા એકલા, કોઈને કહ્યા વિના બળતા રહેવું અને દુઃખ ભોગવવું પડે છે. તેથી એમ કહેવાય કે, ઈર્ષ્યા એ માણસનો મોટોમાં મોટો દોષ છે. જો માણસને ઈર્ષ્યામાંથી પણ આગળ વધવાની પ્રેરણા મળતી હોય તો અતિ-ઉત્તમ.
ઈર્ષ્યા કંઈક કરવાની શક્તિ બની શકે તો સારું, ધમ્મપદ'માં કહ્યું છે. ‘જે કાંઈ મળે તેમાં જ સંતોષ અને બીજાની ઈષ્યા ન કરવી એ જ શાંતિની ચાવી છે.’ શાંતિ જોઈએ તો કોઈની ઈર્ષ્યા ન કરો. ઈર્ષ્યા કરવાથી આપણને તો કશું મળવાનું નથી. શિવાનંદજીએ કહ્યું છે: ઈર્ષ્યા મનનો કમળો છે.
પ્રણવાનંદજીએ કહ્યું છે: પારકાની લેશમાત્ર પરવા કર્યા વિના માણસ જ્યારે કેવળ પોતાનાં જ આહારવિહાર, સુખ- સગવડ અને ભોગવિલાસની ખટપટમાં રાચતો રહે છે ત્યારે જ સંસારમાં ઈર્ષ્યા, અદેખાઈ, ભેદ-વિવાદ અને વિખવાદ ફાટી નીકળે છે.’ માણસ જ્યાં પોતાનો સ્વાર્થ જુએ છે, ત્યારે બીજાની ઈર્ષ્યા કરે છે.
આચાર્ય તુલસીએ કહ્યું છે: ઈર્ષ્યાથી વશ થયેલો માણસ દાનવ બની જાય છે.' બીજાને કશું કરી શક્યો ન હોય તો મનોમન ગાળો ભાંડતો હોય છે. ‘એનું નખ્ખોદ જજો' એવા શાપ વરસાવતો હોય છે.
યુજિન કલોતિયે કહ્યું છે: “આત્માવિશ્વાસના અભાવથી જ ઈર્ષ્યા જન્મે છે, બીજા કોઈ કારણથી નહીં.’ પોતે કશું કરી શક્તો નથી તેથી તે ઈર્ષ્યા કરે છે. ઈર્ષ્યાળુ માણસ ક્યારેક એવું કામ કરી બેસે છે કે, તે માનવતાની વિરુદ્ધનું હોય! એના મનમાં જે ઈર્ષ્યા રહેલી છે, એ એને ગેરમાર્ગે દોરતી હોય છે.
કોઈએ કહ્યું છે: ‘એને પોતાને ખબર ન પડે એ રીતે મારી ઈર્ષ્યા કરનારો મને અભિનંદન આપતો હોય છે.' તમે મારી ઈર્ષ્યા કરો છો એની મને તો ખબર જ નથી ને! જે મહાન લોકો છે. એની સામે ગમે તે માણસ ગમે તે બોલતો હોય છે પણ એ તો હાયની જેમ ભરબજારમાં ચાલ્યો જાય, ભલે કૂતરા ભસ્યા કરે!
ફ્રાન્સિસ બેકને કહ્યું છે: ઈર્ષ્યાળુ ક્યારેય આનંદમાં રહી શક્તો નથી. ખલીલ જિબાને કહ્યું છે: “મૂંગો માણસ બોલનારની ઈર્ષ્યા કરતો હોય છે.’ તો સાદીએ કહ્યું છે: ઈર્ષ્યાળુ માણસ સ્વયં ઈર્ષ્યાની આગમાં સળગતો હોય છે એને વધારે સળગાવવો વ્યર્થ છે.’
ઈર્ષ્યાની સૌથી ઉત્તમોત્તમ દવા એ ઉદ્યોગ અને આશા છે. બીજાનું જોઈને જે શીખે છે. એ પણ આગળ વધી શકે છે, માત્ર ઈર્ષ્યા કર્યા કરવાથી પ્રગતિ થઈ શકતી નથી.
સ્રોત : સંદેશ ન્યૂઝ ( કિશોરસિંહ સોલંકી)