Gandhinagar:રાજયના પાંચ ગ્રંથાલયો અને ગ્રંથપાલોને મંત્રીશ્રીના હસ્તે રોકડ પારિતોષિક અને સન્માન પત્ર આપી સન્માન કરાયા

SB KHERGAM
0

 Gandhinagar:રાજયના પાંચ ગ્રંથાલયો અને ગ્રંથપાલોને મંત્રીશ્રીના હસ્તે રોકડ પારિતોષિક અને સન્માન પત્ર આપી સન્માન કરાયા

ગાંધીનગર ખાતે સ્વ શ્રી મોતીભાઇ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા પારિતોષિક અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર સન્માન સમારંભ મંત્રી શ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને યોજાયો

: સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી શ્રી મુળુભાઇ બેરા :

 રાજયના ૩૩ જિલ્લા અને ૮૫ તાલુકા મથકોએ સરકારી ગ્રંથાલયો કાર્યરત

 રાજય સરકાર દ્વારા વાંચનપ્રવૃત્તિ માટે ઐતિહાસિક નિર્ણય : માર્ચ- ૨૦૨૫ સુધીમાં ૬૪ સરકારી ગ્રંથાલયો શરૂ કરાશે

  હાલમાં ૩૨૬૪ અનુદાનિત ગ્રંથાલયો : ૧૦૦ ટકા અનુદાનની રકમ આપતી રાજય સરકાર

 વર્ષ- ૨૦૨૩માં રાજયમાં ૧૦ જિલ્લા મથકો ખાતે સ્માર્ટ ગ્રંથાલયની સુવિધા આપવામાં આવી

 ભાવનગર, ભુજ અને અમરેલી ખાતે આ વર્ષે સ્માર્ટ ગ્રંથાલયોની સુવિધા મળશે 

----------------------------------------------------

ગાંધીનગર: ગુરૂવાર: 

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગ્રંથાલય નિયામક કચેરી, ગાંધીનગર દ્વારા સ્વ શ્રી મોતીભાઇ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા પારિતોષિક અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર સન્માન સમારંભ ગાંધીનગર ખાતે યોજાયો હતો. સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે યોજાયેલ સમારંભમાં રાજયના પાંચ પુસ્તકાલય અને ગ્રંથપાલોને આ એવોર્ડથી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન – પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે સન્માન કરવામાં આવ્યા હતા. 

 પારિતોષિક મેળવનાર સર્વે પુસ્તકાલય અને ગ્રંથપાલશ્રીઓને અભિનંદન પાઠવીને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા યુવા પેઢીને વાંચનની પ્રવૃત્તિ તરફ આકર્ષિત રહે તેવા ઉમદા ભાવ સાથે કામ કરી રહી છે. તત્કાલિન રાજયના મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાંચે ગુજરાત અભિયાન રાજયભરમાં શરૂ કર્યું હતું. આ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે હાલમાં રાજયના ૩૩ જિલ્લા અને ૮૫ તાલુકા મથકોએ સરકારી ગ્રંથાલયો કાર્યરત છે. ૨૦૨૪-૨૫ના વર્ષમાં રાજય સરકાર દ્વારા વાંચનપ્રવૃત્તિ માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયમાં માર્ચ- ૨૦૨૫ સુધીમાં ૬૪ સરકારી ગ્રંથાલયો શરૂ કરવામાં આવનાર છે. જેમાં રાજયના ૫૦ તાલુકા મથકો અને ૧૪ આદિજાતિ તાલુકાના મથકોએ નિર્માણ કરવામાં આવશે. 


 તેમણે ઉમેર્યું હતું કે, પુસ્તકાલય વધુમાં વઘુ રાજયમાં કાર્યરત રહે તે માટે હાલમાં ૩૨૬૪ અનુદાનિત ગ્રંથાલયો સુવ્યવસ્થિત રીતે કાર્યરત છે. રાજય સરકારે વર્ષ- ૨૦૨૩માં ૧૦૦ ટકા અનુદાન ચુકવવાનો નિર્ણય લીઘો છે. તેની સાથે ૧૦૦ ટકા અનુદાનમાં વધારો કર્યો છે. રાજય સરકાર દ્વારા ર્ડા. બાબાસાહેબ આંબેડકર સ્પર્ઘાત્મક સાહિત્ય યોજના અંતર્ગત સાર્વજનિક ગ્રંથાલયો અને સમાજ કલ્યાણ હસ્તકના આદર્શ નિવાસી શાળાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને ઉપયોગી એવું સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી સાહિત્યની સુવિધા આપવામાં આવે છે. ચાલું વર્ષ આ યોજના હેઠળ રૂ. ૯૫ લાખના ખર્ચ સુવિધા પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. 


 તેમણે ઉમેર્યું હતું કે, રાજયના કોઇપણ ખૂણામાં અભ્યાસ કરતાં અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી અને પુસ્તકપ્રેમી નાગરિકો માટે પુસ્તકાલયો સુવિધા પૂર્ણ બનાવવામાં આવી રહ્યા છે. વર્ષ- ૨૦૨૩માં રાજયમાં ૧૦ જિલ્લા મથકો ખાતે સ્માર્ટ ગ્રંથાલયની સુવિધા આપવામાં આવી છે. આ વર્ષે ભાવનગર, ભુજ અને અમરેલી ખાતે સ્માર્ટ ગ્રંથાલયોની સુવિધા આપવામાં આવનાર છે. તેની સાથે રાજયના પાટનગરમાં રૂ. ૨૦ કરોડના ખર્ચથી મહાનગરપાલિકાના સહયોગથી અદ્યતન ગ્રંથાલયના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૨૮ સરકારી ગ્રંથાલયોના નવીન ભવનનું નિર્માણ કાર્ય રાજય સરકારે હાથ ધર્યું છે. 


 મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલયના નિયામક શ્રી પંકજભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સ્વ.શ્રી મોતીભાઈ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા પારિતોષિક અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્રને આજે ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. રાજ્ય સરકાર દ્વારા અપાતા આ પારિતોષકની રકમમાં પણ ચાલુ વર્ષે માતબર વધારો કર્યો છે. આ પારિતોષિક પુસ્તકાલય અને ગ્રંથપાલશ્રીઓ માટે ગૌરવરૂપ એવોર્ડ બની રહ્યો છે. 


 રાજ્ય સરકાર દ્વારા વર્ષ -૧૯૭૪ થી શ્રી મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો. આ યોજનામાં પ્રતિવર્ષે સ્પર્ધાનું આયોજન કરી શહેરી વિભાગના ગ્રંથાલયો અને ગ્રામીણ વિભાગના ગ્રંથાલયોને પારિતોષિક આપવામાં આવતા હતા. આ યોજનામાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩ માં પારિતોષકની રકમ તથા ગ્રંથાલયોની કક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રંથાલયો તથા અંધજન ગ્રંથાલય એમ બે કક્ષા ઉમેરવામાં આવી હતી.વર્ષ ૨૦૨૩ - ૨૪ થી આ સ્પર્ધા કુલ સાત કક્ષાના ગ્રંથાલયો વિશિષ્ટ ગ્રંથાલય, શહેર ગ્રંથાલય, અંધજન ગ્રંથાલય, શહેર શાખા અને નગર કક્ષા-૧ ગ્રંથાલય, નગર કક્ષા-૨  ગ્રંથાલય, મહિલા- બાળ ગ્રંથાલય અને ગ્રામ ગ્રંથાલય વચ્ચે સ્પર્ધા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ વિજેતા ગ્રંથાલયોને અપાતી રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આજે ગાંધીનગરના આંગણે યોજાયેલા આ સન્માન સમારોહમાં શહેર ગ્રંથાલય વિભાગમાં નવસારીના શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામને રૂ. ૭૫ હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને ગ્રંથપાલ શ્રી મેઘના ક્રિષ્ના કાપડિયાને રૂ.૨૫ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું. શહેર શાખા અને નગર કક્ષા-૧ ગ્રંથાલયમાં રૂ. ૫૦ હજારનું ઇનામ વલસાડની શ્રી વિદ્યામૃત વર્ષિણી પાઠશાળા સંચાલિત સાર્વજનિક પુસ્તકાલયને અર્પણ થયું હતું. આ પુસ્તકાલયના ગ્રંથપાલ શ્રી રાધા સમીર જાનીને રૂ. ૨૦ હજારનું રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું. નગરકક્ષા-૨ ગ્રંથાલય વિભાગમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા ગામની શ્રી ધનરાજભાઈ ડુંગરભાઇ ચૌધરી સાર્વજનિક વાંચનાલય   પસંદગી કરવામાં આવી હતી. આ વાંચનાલયને રૂ. ૩૫ હજારનું ઇનામ અને તેના ગ્રંથપાલ શ્રી રમેશચંદ્ર મફતલાલ મકવાણાને રૂ. ૧૫  હજારનું રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું.  મહિલા બાળ ગ્રંથાલય કક્ષામાં રૂ. ૨૫ હજારનું ઇનામ સુરેન્દ્રનગરની ઊર્મિસરોજ સાર્વજનિક મહિલા પુસ્તકાલયને એનાયત થયું છે. જેના ગ્રંથપાલ શ્રી મિલન આર વ્યાસને રૂ. ૧૦ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું. ગ્રામ ગ્રંથાલયમાં નવસારીના ગણદેવી તાલુકાના ધમડાછા ગામના શ્રી સયાજી સુવર્ણ મહોત્સવ સાર્વજનિક પુસ્તકાલયની પસંદગી કરીને રૂ. ૧૫ હજારનો પુરસ્કાર અને ગ્રંથપાલ શ્રી દર્શનાબેન રોહિતભાઈ પારેખને  રૂ. ૭૫૦૦નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ઉત્તમ ગ્રંથાલય સેવા  પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. 


 આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર (ઉત્તર)ના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સંયુક્ત સચિવ શ્રી પી.કે વસાવા, નાણાકીય સલાહકાર શ્રી ચૈતન્ય નિમાવત, ઝવેરચંદ મેઘાણીના પુત્ર શ્રી પિનાકીન મેઘાણી, મદદનીશ નિયામક શ્રી અનિતાબેન, ગાંધીનગર જિલ્લા પુસ્તકાલયના ગ્રંથપાલ શ્રી ર્ડા.જયરામભાઈ દેસાઈ સહિત રાજ્યની પુસ્તકાલયના ટ્રસ્ટીશ્રીઓ અને ગ્રંથપાલશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


                                

 જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top