ડાંગ જિલ્લાના કળંબ ડુગરે નવા વર્ષના દિવસે ભવ્ય મેળાનું આયોજન.

SB KHERGAM
0

 ડાંગ જિલ્લાના કળંબ ડુગરે નવા વર્ષના દિવસે ભવ્ય મેળાનું આયોજન.

આદિવાસીઓની આસ્થાના એકમાત્ર પ્રતિક સમા ડાંગના કળંબ ડુંગર ઉપર દિવાળી દરમિયાન નવા વર્ષના દિવસે ભવ્ય મેળો ભરાય છે. દર નવા વર્ષના દિવસે અહીં કળંબ ડુંગર વિકાસ ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં  આવે છે.

કળંબ ડુંગર એ અંદાજિત ૧૧૦૦ મીટરની ઉંચાઈ ઉપર આમસરવણ ગામ નજીક આવેલો છે. અહીં આ ડુંગરની આજુબાજુના ડુંગરો ઉપર સાત દેવીઓનો વાસ છે. 

પેઢી દર પેઢીઓથી અહીંના આદિવાસી લોકો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક દેવીઓની પુજા-અર્ચના કરવા માટે આવે છે. અહીં આવતા ભાવિક ભકતજનો આ રમણીય ડુંગર ઉપર ચઢીને મંત્રમુગ્ધ બની જાય છે.

સાત દેવીઓનું સ્થાનક એવા કળંબ ડુંગર ઉપર જવા માટે વઘઈથી દોડીપાડાના રસ્તે ૨૨ કિ.મી., આહવા-ભવાનદગડ થઈને ૧૭ કિ.મી., સાપુતારા-વઘઈ માર્ગ ઉપર આવેલા નાનાપોંડા ગામથી માત્ર ૧૫ કિ.મી.ના અંતરે આ દેવીઓના પવિત્ર ડુંગરે જવાય છે. સાત દેવીઓના સ્થાનકના મુખ્ય માતાજી તાંદળાસવર, ફુલાસવર, ઘુંઘાસવર, દુધાસવર, વાઘાસવર, મોખવલેસવર, સાકળાસવર નામથી બિરાજમાન છે. નાના ડુંગરોની ગુફાઓમાં આવેલા સ્થાનકો પરચાથી ભરપૂર છે. માતાજીને અહીં શ્રદ્ધાપૂર્વક પૂછવામાં આવે કે તમો હાજર છો ? તો ગુફાઓમાં ઝાંઝરના રણકારથી માતાજી પોતાની પ્રતિતિ કરાવે છે.

     આદિવાસીઓના પવિત્ર ડુંગરદેવ સહિત દેવીઓની પુજા-અર્ચના દરમિયાન અહીંના લોકો આજુબાજુના ગામોએથી ઉમટી પડે છે. નાગલીના રોટલા અને અડદની દાળનું ભુજિયુ (ચટણી)ની લહેજત માણતા પરિવારો ખુબ જ ભોળા લાગે છે. માતાજીને રીઝવવા માટે રાતભર પાવરીવાદન, ઠાકર્યાનૃત્યુ, કહાડિયા નૃત્ય કરવામાં આવે છે. ડાંગના લોકોના નૃત્યો જગવિખ્યાત છે. આ નૃત્યનો આનંદ માણવો એ એક અનેરો લહાવો છે.

નૂતન વર્ષના દિવસે અહીંના મેળામાં આદિવાસી લોકો પોતાના પાવરીવાદન દ્વારા સંસ્કૃતિના દર્શન કરાવે છે. કલારસિકો પોતાની કલાની ઉપાસના પણ અહીં કરે છે. આદિવાસી સંસ્કૃતિની ઓળખ હજુ પણ ડાંગમાં જીવંત છે. ટેકનોલોજીના આ યુગમાં ડાંગ જિલ્લાએ ખરેખર પારંપારિક સંસ્કૃતિને ટકાવી રાખી છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top