એક આદિમ જનજાતિની તેજસ્વી અસ્મિતા : કુંકણા બોલી કે લોકગીત

SB KHERGAM
0

 


એક આદિમ જનજાતિની તેજસ્વી અસ્મિતા : કુંકણા બોલી કે લોકગીત

સંસ્કૃતિ નિરંતર બે ધારાએ વહેતી - આવી છે - શિષ્ટ સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ! બૌદ્ધિક વિકાસના શિખર પર વિરાજમાન વર્ગની સંસ્કૃતિ શિષ્ટ સંસ્કૃતિ કહેવાઈ, જેના સ્રોત હતાં વેદો, ઉપનિષદો અને શાસ્ત્રો ; પણ સંસ્કૃતિનો ખરો સંવાહક પ્રજા વર્ગ રહ્યો છે. લોક સંસ્કૃતિ વ્યાપક સ્વરૂપે જનમાનસને પ્રતિબિંબિત કરે છે,

પ્રસ્તુત પુસ્તકના સંપાદક શ્રી ઉત્તમ પટેલે લોકસાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો છે. અહીં તેઓ દક્ષિણ ગુજરાતના ધરમપુર-કપરાડા પંથકની જનજાતિ કુંકણાનો વિસ્તારપૂર્વક પરિચય આપે છે. હિન્દી ભાષામાં લખાયેલા આ પુસ્તકના શીર્ષક પરથી જણાય છે તે મુજબ, પુસ્તકમાં કુંકણા બોલીનાં લોકગીતો સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. પરંતુ આ પુસ્તક ફક્ત લોકગીતોને જ સમર્પિત નથી. શ્રી ઉત્તમ પટેલે કુંકણા બોલી, કુંકણા સાહિત્ય અને કુંકણા જીવનનું અહીં તલસ્પર્શી આલેખન કર્યું છે. સૌ પ્રથમ તો કુંકણા શબ્દની વ્યુત્પત્તિથી તેઓએ પુસ્તકનો પ્રારંભ કર્યો છે. મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાંથી દક્ષિણ ગુજરાતમાં સ્થળાંતરિત થયેલી પ્રજા, તેથી કુંકણા (‘કોંકણ’નું અપભ્રંશ), એમ સામાન્યપણે માનવામાં આવે છે.

 તે જાતિની ઉત્પત્તિ વિષે અનેકવિધ મત અને વાયકાઓ પ્રવર્તે છે. તેના પૌરાણિક સંદર્ભો પણ મળે છે. આ બધાના ઉલ્લેખ ઉપરાંત સંપાદકે તેઓનાં કુળ, તેઓના વસવાટના પ્રદેશો, તેઓની જનસંખ્યા ઈત્યાદિ તથ્યો વિષે ઇતિહાસકારો, લોકસાહિત્યકારો, નૃવંશશાસ્ત્રીઓ તેમ જ વિવિધ સરકારી સર્વેક્ષણોને ટાંકીને માહિતી નોંધી છે. કુંકણા બોલી સાથે સામ્ય ધરાવતી, એ જ પ્રાંતમાં પ્રચલિત ડાંગી, ધોડિયા તેમ જ વારલી લોકબોલી સાથેનો તુલનાત્મક અભ્યાસ પણ અહીં ભાવકને વાંચવા મળશે.

આ આદિમ જાતિના આદિવાસીઓનાં ઘર, પહેરવેશ, સ્વભાવ, વ્યવસાય, વન્ય તથા કૃષિજીવન, જન્મ, વિવાહ અને મૃત્યુ પ્રસંગની પરંપરાઓ, વિવિધ તહેવારો, તેઓનાં ગીત, નૃત્ય, વાજિંત્રો - વગેરે પ્રત્યેક પાસાં અને અંગને સંપાદકે પુસ્તક પરિચય અંતર્ગત આવરી લીધાં છે. મુખ્યત્વે તેઓની અન્નપૂર્ણાસ્વરૂપ દેવી કનસરી,મા ઈહમાય અને પહાડોની દેવી માવલીને તેઓ આરાધ્ય દેવી માને છે. વાઘદેવ અને નાગદેવને તેઓ પોતાના ઈષ્ટદેવ તરીકે આરાધે છે. 

હોલિકા, અક્ષયતૃતીયા, દિવાસા જેવા તેમના તહેવારોની પારંપારિક ઉજવણીની નોંધ પણ સંપાદકે લીધી છે. લોકસાહિત્ય એક અતિવિસ્તૃત સંક્લ્પના છે. સ્થૂળપણે તેને પાંચ વિભાગોમાં વહેંચી શકાય : લોકસંગીત, લોકગાથા, લોકકથા, લોકનાટ્ય અને લોકસુભાષિત! 

અહીં સંપાદકે વિવિધ અભ્યાસકો, સંશોધનો અને વિદ્વાનોને ટાંકી લોકગીતની વિભાવનાને વ્યાખ્યાયિત કરી છે, જાતિ, વિધિઓ, પ્રથા, કાલખંડ વગેરે વેગવેગળા આધાર લઈ કુંકણા લોકગીતોને વર્ગીકૃત કર્યાં છે. ગીતોના વિષયોનું ફલક પણ વિશાળ છે. અહીં પ્રભાતિયાં અને અનુભવવાણી, દેવદેવીઓની પ્રશસ્તિ અને પ્રકૃતિનાં તત્ત્વોની પૂજા- અર્ચ, પૌરાણિક પાત્રો અને ક્થાઓ, તહેવારો અને રોજિંદું જીવન - જેવા વિષયોને કેન્દ્રમાં રાખીને પરાપૂર્વથી ગવાતાં ગીતોનો સંપાદકે ખજાનો ખોલી આપ્યો છે. માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પ્રિયતમ, પ્રિયતમા, સાસુ, સસરા, નણંદ, દિયરને ઉદ્દેશીને ગવાતાં લોકગીતો પણ વાંચવા મળે છે. 

આ ઉપરાંત લગ્નપર્વની પ્રત્યેક વિધિને આવરી લેતાં લગભગ પોણોસો જેટલાં કુંકણા બોલીનાં ગીતો સંપાદકે વ્યાપક અભ્યાસ, ઉત્ખનન અને પરિશ્રમથી એકત્ર કર્યાં છે. પ્રત્યેક ગીત અહીં અનુવાદ, તે ગીતની વિશેષતાઓ અને સંદર્ભો થકી સમૃદ્ધ છે.

કુંકણા પ્રજાતિ અને તેમની રહેણીકરણી તથા જીવનનું સંપાદકે એક પ્રકારે દસ્તાવેજીકરણ કર્યું છે. કાળના પ્રવાહ સાથે ઝઝૂમી આજે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખનારી જનજાતિની અસ્મિતા સંપાદકે અહીં ઉજાસિત કરી છે. 

કંઠોપકંઠ પરંપરાથી સચવાતોં આવેલાં આ પારંપરિક ગીતો લોકસંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. પુસ્તકને અંતે કુંકણા પ્રજાનાં વિધિવિધાન, રૂઢિઓ, નૃત્ય, વાધો, રહેઠાણ, પહેરવેશ વગેરેની તસવીરો આ માહિતીપ્રચૂર પુસ્તકને અધિક આધારભૂત અને અધિકૃત બતાવે છે.

પુસ્તકનું નામ : ‘કુંકણા બોલી કે લોકગીત' (લોકગીતસંગ્રહ), સંપાદક: ડૉ. ઉત્તમ પટેલ, પૃષ્ઠ: ૧૩૪, મૂલ્ય : રૂ. ૫૫૦/-, પ્રકાશક : શાંતિ પ્રકાશન, ડી - ૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમેન્ટ, નવા વાડજ, અમદાવાદ ૩૮૦ ૦૧૩.

માહીતી સ્રોત  : ગુજરાતમિત્ર

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top