ઈઝરાયલનો ૪૦૦૦ વર્ષ પુરાણો રક્તરંજિત ઈતિહાસ.

SB KHERGAM
0

 ઈઝરાયેલ પર પેલેસ્ટાઈનના  હમાસે કરેલા અચાનક આક્રમણ બાદ વિશ્વભરના મીડિયામાં આ યુદ્ધ હેડલાઈન્સ બની ગયું છે. ત્યારે ઈઝરાયેલનો યુદ્ધ ઇતિહાસ આજે અહીં પ્રસ્તુત છે.

આમ તો આ દેશ ભારતની આઝાદીના એક વર્ષ પછી સ્વતંત્ર થયો હતો, પરંતુ એનો રક્તરંજિત પણ રોમાંચક ઇતિહાસ ૪૦૦૦ વર્ષ પુરાણો છે, પહાડીઓ, સફેદ પથ્થરો,ખીણો અને સમુદ્રોથી ઘેરાયેલો આ દેશ નહિવત્ વરસાદ ધરાવે છે. બાઈબલની આ પવિત્ર ભૂમિ છે. 

વિશ્વને અમર ગીતો આપનાર કિંગ ડેવિડ ને કિંગ સોલોમન પણ અહીં જ જન્મ્યા હતા અને તેઓ પણ યહૂદી હતા. ઈશ્વરના દસ આદેશો ‘ધી ટેન કમાન્ડમેન્ટ્સ' આપનાર મૉસીસ પણ યહૂદી હતા, જેના પરથી રોમન લૉનો પાયો નંખાયો. ઈંગ્લેન્ડ,અમેરિકા અને ભારતનો કૉમન લૉ પણ રોમન લૉ પર આધારિત છે. 

સમગ્ર  વિશ્વને પ્રેમ અને  દયાનો સંદેશ આપનાર જિસસ ક્રાઈસ્ટનો પણ જન્મ અહીં બેથલેહામમાં થયો હતો. સમગ્ર વિશ્વમાં સામ્યવાદની થિયરી આપનાર કાલ માર્કસ યહૂદી હતા. માનવીનાં તમામ વર્તનનું કેન્દ્ર સેક્સમાં છે તેવી વિવાદાસ્પદ થિયરીનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક ડૉ. સિગમંડ ફોઈડ પણ યહૂદી હતા. વિજ્ઞાનનો ક્ષણભરમાં નાશ કરી શકાય એવા સાપેક્ષતાવાદ-રિલેટિવિટીનો-સિદ્ધાંત આપનાર વિખ્યાત વૈજ્ઞાનિક ડૉ. આલ્બર્ટ આઈન્સ્ટાઈન યહૂદી હતા. 

હેરોલ્ડ લાસ્કી, યહૂદી મેન્યુહીન, ગોલ્ડા મેયર અને મોશે દયાન પણ યહૂદી હતાં, વિશ્વને શિન્ડલર્સ લિસ્ટ અને 'જુરાસિક પાર્ક' જેવી ફિલ્મો આપનાર સ્ટીવન સ્પીલબર્ગ પહૂદી છે. નોબેલ પ્રાઈઝ શરૂ થયું પછી ભાગ્યે જ એવું કોઈ વર્ષ પસાર થયું છે, જ્યારે કોઈ એકાદ યહૂદી વ્યક્તિત્વને આ પ્રાઈઝ ન મળ્યું હોય. અત્યાર સુધીનાં તમામ નોબેલ પ્રાઈઝ વિજેતાઓમાં ૨૦ ટકા પ્રતિભાઓ યહૂદીઓ છે. 

અમેરિકા આમ તો ખ્રિસ્તીઓની બહુમતી ધરાવતો દેશ છે, પરંતુ તેની આર્થિક નાડ યહૂદી અબજપતિઓના હાથમાં છે. વિશ્વના શ્રેષ્ઠ દસ ધનિકો સૌથી વધુ યહૂદીઓ છે. અમેરિકાને વિશ્વનો તાકાતવાર દેશ બનાવનાર મુઠ્ઠીભર યહૂદીઓ છે. વેપાર, ધંધા અને મહાકાય ઉદ્યોગો તેમનામાં છે.

આ બધાનું રહસ્ય શું ! 

વેરાન અને પાણી વગરના દેશમાંથી હિજરત કરી ગયેલા દેશની તીતરબીતર પ્રજાની પાછળ એવી તે કઈ શક્તિ છુપાયેલી જેણે દરેક ક્ષેત્રમાં યુગપ્રવર્તક પ્રતિભાઓ બક્ષી ?

ઈઝરાયેલનો ઇતિહાસ આમ તો ૪,૦૦૦ વર્ષ જૂનો છે, પરંતુ આજનું ઈઝરાયેલ તો ભારત કરતાં પણ એક વર્ષ નાનું છે. તા.૧૪મી મે, ૧૯૪૮ના રોજ ઈઝરાયેલને બ્રિટિશરો પાસેથી આઝાદી મળી હતી. ઈઝરાયેલ એક લોકશાહી દેશ છે, અને તેની પાર્લામેન્ટ કે જે 'નેસેટ'ના નામથી ઓળખાય છે તેમાં ૧૨૦ જેટલા સંસદસભ્યો બિરાજે છે. સરકારની ચૂંટાયેલી પાંખનું નેતૃત્વ વડાપ્રધાન કરે છે. તેમને પોતાનું પ્રધાનમંડળ હોય છે. રાષ્ટ્રના અધિકૃત વડા તરીકે પ્રેસિડેન્ટ હોય છે.

 પ્રેસિડન્ટની ચૂંટણી નેસેટ કરે છે અને તેમની મુદત પાંચ વર્ષ માટે હોય છે. ઘણા વર્ષો પહેલાં જે ઈઝરાયેલના લોકપ્રિય વડાપ્રધાન ઈભીક રાબીનની હત્યા કરી નાંખવામાં આવી હતી. હજારો વર્ષથી ઈઝરાયેલ અને આરબ રાષ્ટ્રોને બનતું નથી, આ ઝઘડાનાં મૂળ એના ઇતિહાસમાં છે, પરંતુ રાબીન પેલેસ્ટાઇનવાદીઓ સાથે કાયમી શાંતિ સ્થાપવા માટે યાસર અરાફત સાથે વાટાઘાટ કરી રહ્યા હતા એ વાત કેટલાક યહૂદીઓને પસંદ નહોતી, કેટલાક યહૂદીઓ માને છે કે, આરબ નેતાઓ સાથે કદી શાંતિમય વાટાઘાટ થઈ શકે નહી, એટલું જ નહીં પણ ઈઝરાયલની એક તસુ જમીન પણ પેલેસ્ટાઈનને આપવી જોઈએ નહી. 

અમેરિકામાં અશ્વેતોને  હક આપવા માંગતા પ્રેસિડેન્ટ કેનેડી, ભાઈચારા અને શાંતિના દૂત માર્ટિન લ્યુથર કીંગ, ગુલામી પ્રથાનો અંત લાવનાર અબ્રાહમ લિંકન અને મહાત્મા ગાંધીની હત્યા જેમ પોતાના જ દેશવાસીઓ મારફતે થઈ હતી એ જ રીતે રાબીનની હત્યા પણ ઈઝરાયેલના એક દેશવાસીએ જ કરી નાંખી હતી.

ઈઝરાયેલ યહૂદીઓનો દેશ છે. એને પોતાનો રસપ્રદ, રોમાંચક, લોહિયાળ છતાં કરુણાજનક ઇતિહાસ છે. બાઈબલની આ પ્રોમિસ્ડ લેન્ડ છે. મોટાભાગની વસતી યહૂદીઓની છે, છતાં થોડાક ખ્રિસ્તીઓ અને થોડાક આરબ લોકો પણ અહીં રહે છે. ખાસ કરીને યહૂદીઓ અને આરબો વચ્ચે મેળ નથી. એથીય આગળ વધીએ તો હજ્જારો વર્ષ પુરાણો એનો ઇતિહાસ છે. અબ્રાહમ અને જિસસ ક્રાઈસ્ટની આ ભૂમિ છે. સેમસન એન્ડ

ડલાઈલાહ તથા કિંગ સોલોમન અને શીબાની કથાઓ અહીં જ સર્જાઈ હતી, ઉદભવી હતી. ઈજિપ્તના હેટોસન કબજા હેઠળ ગુલામ બનાવી દેવાયેલા યહૂદીઓને મુક્ત કરાવીને પ્રભુ પાસેથી ‘ધી ટેન કમાન્ડમેન્ટ્સ' મેળવનાર મૉસીસ આ બધાને આ પ્રોમિસ્ડ લેન્ડ તરફ લઈ ગયા હતા. રોમનોએ જિસસને વધસ્તંભ પર પણ અહીં જ ચડાવ્યા હતા.

ઈઝરાયેલના તેલ અવિવ શહેરના એરપોર્ટનું નામ ‘બેન ગુરીઓન ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. ઈઝરાયેલના પ્રથમ વડાપ્રધાન બેન ગુરીઓનનું નામ આ એરપોર્ટને આપેલું છે. એમનું આખું નામ ડેવી બેન ગુરીઓન હતું. 

આઝાદી પહેલાં ઈઝરાયેલમાં સ્વતંત્રતા માટે જે ચળવળ થયેલી તેને 'ઝાયોનીસ્ટ મૂવમેન્ટ' તરીકે ઓળખવામાં આવે છે. આ ચળવળ આઝાદીનાં ૫૦ વર્ષ પહેલાં શરૂ થઈ હતી. 'ઝાયોન' શબ્દ ઈઝરાયેલના પાટનગર 'જેરુસલેમ' પાસેથી આવેલી એ નામની એક ટેકરી પરથી આવેલો છે. હજારો વર્ષોથી ત્રસ્ત યહૂદી પ્રજાને પોતાની ભૂમિ, પોતાની ભાષા અને પોતાની સંસ્કૃતિ પાછી મેળવવા યહૂદીઓએ 'ઝાયોનીસ્ટ ઓર્ગેનાઇઝેશન શરૂ કર્યું હતું. ૧૮૦૦ વર્ષથી યહૂદીઓ અનેક આક્રમણોના ભોગ બનેલા છે. ખાસ કરીને રોમનોથી માંડીને ઈજિપ્તના રાજાઓના સામ્રાજ્યવાદ હેઠળ યહૂદીઓ પર કેટલાંક રાજાઓ રાજ કરતા હતા. તેમને ગુલામ બનાવી એક સ્થળેથી બીજા સ્થળ ધકેલી દેવામાં આવતા હતા.યહૂદી પ્રજાને વારંવાર ગુલામ બનાવવામાં આવી હતી. 

ખાસ કરીને ઇજિપ્તના રાજાઓ તો પોતાની જાતને જ ભગવાન તરીકે જાહેર કરી તેમની પૂજા કરવાની ફરજ પાડતા. એ વાત ન માનનાર યહૂદીઓને મારી નાંખવામાં આવતા. સામ્રાજ્યવાદી રાજાઓના ત્રાસથી યહૂદીઓ તીતરબીતર થઈ ગયા હતા. તેઓ તેમનો દેશ, તેમની ભૂમિથી દૂર દુનિયાભરમાં જાણે કે દેશનિકાલ થઇ ગયા હતા. સૌથી મોટી કમનસીબી તો એ હતી કે યહૂદીઓ પ્રત્યે ભારે નફરત ધરાવતા જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરે બીજા વિશ્વયુદ્ધ વખતે ૧૦ લાખ યહૂદીઓને મારી નાખ્યા હતા. 

યહૂદીઓની વીણી વીણીને તે હત્યા કરતો. યુરોપમાં પણ યહૂદીઓની વસાહત હાથમાં આવી ત્યારે સેંકડોને એક કતારમાં ઊભા રાખી તે બધાની ઉપર મશીનગન ચલાવવા જર્મન સૈનિકોને હુકમ કરતો. બાળકો અને વૃદ્ધોની લાશ પણ નિર્દયતાથી તે પાડી દેતો. જર્મનીમાં પ્રવેશતી દરેક ટ્રેનમાંથી તે યહૂદીઓને અલગ તારવી દઈ રેલવે સ્ટેશન પર જ તેમની પર ગોળીઓ વરસાવી દેતો. યહૂદીઓની સામૂહિક હત્યા માટે હિટલરે ગેસ-ચેમ્બર્સનો પણ ઉપયોગ કરેલો છે.


ઇઝરાયેલ આમ તો સાવ નાનો દેશ છે. એની ૯૦ લાખ ૩૭ હજારની વસતીમાં ૪૦ લાખથી વધુ યહૂદીઓ છે. ૭ લાખ મુસ્લિમો છે અને બાકીના ખ્રિસ્તીઓ છે. ૧૯૪૮માં આ દેશ આઝાદ થયો ત્યારે હજ્જારો યહૂદીઓ વિશ્વના જુદા જુદા ભાગોમાં વસતા હતા. વડાપ્રધાને જે કોઈ યહૂદી ઈઝરાયેલમાં આવીને રહેવા માગતાં હોય તેમના માટે દેશનાં દ્વાર ખોલી નાંખ્યાં. એ વખતે ઈઝરાયેલમાં સાડા સાત લાખ યહૂદીઓ હતા. તે યહૂદીઓ સુખી, સભ્ય, સંસ્કારો અને શિક્ષિત હતા.

કેટલાકને રાજકારણનો પણ અનુભવ હતો, પરંતુ ઈઝરાયેલનાં દ્વાર દુનિયાભરના યહૂદીઓ માટે ખૂલી ગયાં ત્યારે લાખોની સંખ્યામાં યહૂદીઓ ઈઝરાયેલ આવવા માંડ્યા પરંતુ તેઓ ઓછું ભણેલા અને ઓછું કૌશલ્ય ધરાવતા હતા. કારણ કે મોટાભાગના હિજરતીઓ આરબ દેશોમાંથી આવ્યા હતા, જ્યારે પશ્ચિમના સમૃદ્ધ દેશોમાંથી બહુ જ ઓછા યહૂદીઓ અહીં આવ્યા હતા. 

આરબ દેશોમાંથી આવેલા યહૂદીઓ ગરીબ, અશક્ત, બીમાર અને અજ્ઞાન હતા. બાકીના એશિયા અને આફ્રિકાથી આવ્યા હતા એ બધાની સરકારે અભૂતપૂર્વ કાળજી લીધી હતી. બધાને ભણાવ્યા, તાલીમ આપી. અને રોજી પણ આપી. 

આશ્ચર્યની વાત એ હતી કે ઈઝરાયેલ આઝાદ થયા બાદ વિશ્વના ૧૦૦ જેટલા જુદા જુદા દેશોમાંથી યહૂદીઓ અહીં આવ્યા અને પોતાની સાથે પોતાનાં અલગ અલગ વસ્ત્રપરિધાનો, વિવિધ કળાઓ, વિવિધ રીતરિવાજો અને વિવિધ સંસ્કૃતિ લઈને આવ્યા હતા. કેટલાક તો પોતાની સાથે જે તે દેશમાં થતાં વૃક્ષોનાં છોડવા, ફૂલો. શાકભાજી તથા વિવિધ વનસ્પતિનાં બીજ અને પ્લાન્ટ્સ પણ લઈ આવ્યા હતા.

જે વૃક્ષો કે ફળ કદીયે નહોતાં થતાં તેવાં વૃક્ષો આજે ઈઝરાયેલમાં જોવા મળે છે. પૂરથી હાઈફા શહેરને બચાવવા માટે ઓસ્ટ્રેલિયાથી લાવેલાં ઝાડ અને અમેરિકામાં થતી કેરીઓના આંબાનાં ઝાડ પણ ઈઝરાયેલમાં છે.


ઈઝરાયેલના લોકો ગોરા પણ પ્રમાણમાં નીચા છે. બાઈબલ-ઓલ્ડ ટેસ્ટામેન્ટ હિબ્રુ ભાષામાં લખાયેલું છે અને ઈઝરાયેલની સત્તાવાર ભાષા પણ હિબ્રુ જ છે. સ્કૂલમાં હિબ્રુની સાથે સાથે અંગ્રેજી અને એરેબિક એમ બેઉ ભાષાઓ ભણાવવામાં આવે છે. કેટલીક આરબ સ્કૂલો પણ છે, જ્યાં શિક્ષણનું માધ્યમ એરેબિક છે. 

૬થી ૧૫ વર્ષની વયનાં બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત પણ ફરજિયાત છે. ધાર્મિક શિક્ષણ આપતી સ્કૂલો પણ છે. જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટી શિક્ષણમાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ધરાવે છે. ૧૮થી ૨૧ વર્ષના યુવાનો માટે લશ્કરી સેવા ફરજિયાત છે. યુવતીઓ માટે બે વર્ષ લશ્કરી સર્વિસ તાલીમ ફરિજયાત છે.

ઈઝરાયેલની પ્રજાને આશીર્વાદ અને દુઃખ બેઉ એકસાથે મળેલાં છે. ખડકાળ અને પહાડોથી ભરેલા આ દેશ માટે એવી દંતકથા છે કે એક દેવદૂત એક મોટા કોથળામાં ખડકો ભરીને જતા હતા અને કોથળો ફાટી જતાં જે ખડકો વેરાયા તે ઈઝરાયેલ બની ગયું.

બાઈબલમાં અનેક વાર યહૂદી પ્રજાને કહેવામાં આવ્યું છે કે, ‘જો તમે મારી આજ્ઞાનું પાલન કરશો તો હું તમને વિશ્વની શ્રેષ્ઠ પ્રજા બનાવી દઈશ, પણ જો તમે મારી અવજ્ઞા કરશો તો હું તમારા દેશને ઉજ્જડ અને તમને ભટકતા કરી દઈશ.' ઈઝરાયેલની ભવ્યતા ટોચ પર પણ પહોંચી છે અને ભાંગી પણ છે. દુશ્મનોએ જેરુસલેમને એટલી વાર ભાંગ્યું છે કે, યહૂદીઓને ભાગીને ૧૦૪ જેટલા દેશમાં વીખેરાઈ જવું પડ્યું છે. સાથે સાથે એ પણ એક હકીકત છે કે યહૂદીઓને કચડી નાંખનારાઓ પણ સાફ થઈ ગયા છે. 

દા.ત. હિત્તી, પરીઝી, અમોરી, યબુસી, હિવ્વી, કનાની, અમા લકી, પવિસ્ત, અદોચ, મોખાબી, આમોની જેવી પ્રજાઓએ યહૂદીઓને કાપી નાખ્યા હતા, પણ આ પ્રજાનાં નામોનિશાન મટી ગયાં છે. બેબિલોન આજે માત્ર ઇતિહાસની વાત બની ગયું છે. યહૂદીઓને ઘાતકી રીતે કચડી નાખનાર રોમન સામ્રાજ્ય ખુદ ખેદાનમેદાન થઈ ગયું છે. સાઠ લાખ યહૂદીઓની કતલ કરનાર હિટલરે રિવોલ્વરની ગોળી ખાઈને મરવું પડ્યું હતું.

સ્રોત: સંદેશ ન્યુઝ (કોલમ - રેડ રોઝ, લેખક- દેવેન્દ્ર પટેલ)

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top