‘સ્વચ્છ ભારત અભિયાન’ની પ્રેરણા.
‘સ્વચ્છતા - નોટ બાય હેન્ડ્સ, બાય લેગ’ પ્રોજેક્ટ જાહેર શૌચાલયોમાં સ્વચ્છતાના સમીકરણો બદલશે.
---- આ પ્રોજેક્ટ સ્વસ્થ ભારતના નિર્માણ માટે આશીર્વાદરૂપ બનશે.
---જાહેર શૌચાલયોમાં હાથની જગ્યાએ પગથી ફ્લશ કરવાની નવી પદ્ધતિ વાયરસ - બેક્ટેરિયા ફેલાતા અટકાવશે.
ડુંગરી સાર્વજનિક હાઈસ્કુલના ઈનોવેટિવ પ્રોજેક્ટે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું .
સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની રાહબરી હેઠળ ‘સ્વચ્છ ભારત અભિયાન’ નો પ્રારંભ થયો છે. ત્યારે વલસાડ જિલ્લાની ડુંગરી સાર્વજનિક હાઈસ્કુલ દ્વારા શાળાના ‘સ્વચ્છ ભારત અભિયાન’થી પ્રેરિત થઇને ઈનોવેટિવ પ્રોજેક્ટ ‘સ્વચ્છતા - નોટ બાય હેન્ડ્સ, બાય લેગ’ ‘સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત’નું સુત્ર સાર્થક થશે. સ્વચ્છતા સંદેશનો પ્રોજેકટ ગુજરાત અને વલસાડ જીલ્લા માટે ગૌરવપ્રદ બાબત છે. આ પ્રોજકટ બદલ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ શિક્ષણ વિભાગને અભિનંદન પાઠવ્યા છે.
‘સ્વચ્છતા - નોટ બાય હેન્ડ્સ, બાય લેગ’ પ્રોજકેટ દ્વારા સ્વચ્છતાની પદ્ધતિ વિકસાવવામાં આવી છે, જેનાથી જાહેર શૌચાલયોમાં સ્વચ્છતાના સમીકરણો જ બદલાઈ જશે. સામાન્ય રીતે કોઈ પણ જાહેર શૌચાલયોમાં ફ્લશ કરવાનાં અભાવે ગંદકી થઈ જતી હોય છે. લોકો ફ્લશના નળના ઉપયોગથી વાયરસ કે બેક્ટેરિયાના ડર અને ગંદકીના કારણે પણ ફ્લશ કરવાનું ટાળતા હોવાથી સ્વચ્છતા રહેતી નથી.
શાળાના આચાર્ચ રીતેશભાઈ ડી. પટેલે જણાવ્યું હતું કે, જાહેર શૌચાલયોમાં કોઈકવાર ગંદકી જોઈને અને કોરોનાકાળ દરમિયાન એમને આ પ્રોજેક્ટ બનાવવાની પ્રેરણા મળી હતી. ‘સ્વચ્છતા નોટ બાય હેન્ડ્સ, બાય લેગ’ પ્રોજેક્ટમાં શાળાના શિક્ષકો ધર્મેશકુમાર પટેલ અને જીગ્નેશકુમાર રાણાએ પ્રોજેક્ટ માર્ગદર્શક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ સાથે આ પ્રોજેક્ટને સાર્થક કરવા માટે ઘણી મહેનત કરી હતી. પરિણામ સ્વરૂપે આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય કક્ષાના વૈજ્ઞાનિક પ્રદર્શનોમાં ભાગ લેવાની તક મળી હતી. આસામ ખાતે વર્ષ ૨૦૨૨માં NCERT નવી દીલ્હી આયોજિત રાષ્ટ્રીય બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન અને જાન્યુઆરી ૨૦૨૩માં નાગપુર ખાતે રાષ્ટ્રીય કિશોર વૈજ્ઞાનિક સંમેલનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી. હવે વધુ આગળ જતા આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ પ્રદર્શનમાં ભાગ લેશે અને જો એમાં પસંદગી પામશે તો, વર્ષ ૨૦૨૪માં અમેરિકા ખાતે દેશનું પ્રતિનિધિત્વ કરવાની પણ તક મળી શકે છે.
આ પ્રોજેક્ટ રજૂ કરનારા બંને વિદ્યાર્થીઓ પાર્થ શત્રુઘ્ન પાંડે અને ધ્યેય રાજેશભાઈ પટેલને આ પ્રોજેક્ટની ફળશ્રુતિ સ્વરૂપે તા. ૦૨-૧૦-૨૦૨૩ના રોજ નવા પાર્લામેન્ટમાં મહાન વિભુતિઓ મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનાં દેશના યુવાનોની ભાગીદારી વિષય ઉપર નવમાં અધિવેશનમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ પોતાના વક્તવ્યો રજૂ કરવાની અનોખી તક મળી હતી.
‘સ્વચ્છતા - નોટ બાય હેન્ડ્સ, બાય લેગ’ પ્રોજેક્ટની ટેકનિકલ વાત કરીયે તો સામાન્ય રીતે શૌચાલયોમાં ફ્લશ અને જેટ પીચકારી હાથના નળથી ચાલુ કરવી પડતી હોય છે. જાહેર શૌચાલયોમાં નળ અડકવાથી બેક્ટેરિયાનો ફેલાવો પણ વધી શકે છે તેથી આ પ્રોજેક્ટ અંતર્ગત ફ્લશનો અને જેટ પિચકારીનો નળ પગથી દબાવીને ચાલુ-બંધ કરી શકાશે. જેથી બીમારી ફેલાવાનો કે ગંદકી રહેવાનો કોઈ પ્રશ્ન જ રહેશે નહીં. અને આ પદ્ધતિ અપનાવવા માટે કોઈ જ પ્રકારનો વધારાનો ખર્ચ કરવાની જરૂર રહેતી નથી. હાથ ન લગાડવાનો હોવાથી લોકો પણ ફ્લશનો મહત્તમ ઉપયોગ કરતા થશે જેથી જાહેર શૌચાલયોમાં ગંદકી ફેલાતી અટકશે અને હંમેશા સ્વચ્છતા રહેશે.
‘સ્વચ્છતા - નોટ બાય હેન્ડ્સ, બાય લેગ’ પ્રોજેક્ટ ખરેખર જાહેર શૌચાલયોમાં સ્વચ્છતા માટેનો એક નવો અભિગમ પૂરો કરવાની ક્ષમતા ધરાવે છે. જે સ્વચ્છતા સાથે સ્વાસ્થ્ય માટે પણ કાર્ય કરશે. ગંદકી ફેલાતી અટકશે તો અનેક બીમારીઓ સામે પણ રક્ષણ મળશે. આ એક એવો પ્રોજેક્ટ છે જે ‘સ્વસ્થ ભારત સ્વસ્થ ભારત’ના અભિગમને સાર્થક પુરવાર કરી શકે છે.
સ્રોત : માહિતી બ્યુરો: વલસાડ: તા. ૦૫ ઓક્ટોબર
ખાસ અહેવાલ – સલોની પટેલ