ભાટ ગામના ખલાસીઓ તરુણ 'લખન' માટે દેવદૂત બન્યા, પરિવારમાં ખુશી.
દરિયામાં ૩૦ કલાક સુધી મોત સામે ઝઝૂમનાર તરુણ જીવિત મળી આવ્યો.
સુરતના ડુમસમાં ગણેશ વિસર્જનમાં તણાયેલો લખન વાંસીબોરસી પાસે દરિયામાં મળ્યો.
સુરતના ડુમસમાં ગણેશવિસર્જન વેળા તણાયેલો લખન ૧૪ કિલોમીટર સુધી દરિયામાં મોત સામે ઝઝૂમ્યા બાદ જ માછીવાડ અને વાંસીબોરસી વચ્ચે ફરી રહેલી ભાટ ગામની બોટમાં સવાર ખલાસીઓ તેના માટે દેવદુત બન્યા હતા. રાતના અંધારામાં રેસ્કયૂ કરાયેલા આ લખનને રવિવારે મળસ્કે ૪ વાગ્યે ધોલાઈ બંદરે ઉતારાયો હતો. બાદમાં નવસારીની નિરાલી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
સુરતના ગોડાદરાના આસપાસ મંદિર નજીક નિલમનગરમાં રહેતા લખન વિકાસભાઈ દેવીપૂજક (ઉ.વ.૧૪) શુક્રવારે બપોરે ૧ કલાકે પોતાની દાદી અને ભાઈ-બહેન સાથે ડુમસના દરિયાકિનારે ગણેશ વિસર્જન જોવા ગયો હતો. તે વેળા ભાઈ કરણ સાથે લખન દરિયાના પાણીમાં નાહવા પડ્યો હતો.અને મોટી ભરતીના ઉછળતા મોજામાં બંને ભાઈ તણાઈ ગયા હતા. ઘટનાને પગલે હાજર પૈકી કેટલાક લોકોએ મદદે પહોંચી કરણને બચાવી લીધો હતો.જ્યારે પાસે લખન દરિયામાં લાપતા બન્યો હતો. જેની શોધખોળ બાદ કોઈ સગડ મળ્યા ન હતા.
દરમિયાન ગણદેવી તાલુકાના ભાટ ગામની નવદુર્ગા નામની બોટ ઉપર રસિક ટંડેલ અને૭ ખલાસી સાથે શનિવારે મધ્યરાત્રીના ૧૨:૩૦ કલાકે દરિયામાં ૧૮ નોટીકલ માઈલ (૨૧ કિમી) દૂર માછીમારી કરી રહ્યા હતા. ત્યારે તેમણે લાકડાના સહારે તરતા લખનને જોતા,બોટ નજીક લઈ જઈ દોરડું નાખી લખનનું રેસ્ક્યુ કર્યું હતું. ખલાસીઓના જણાવ્યા મુજબ જે વિસ્તારમાંથી લખન મળ્યો તે ઓંજલ માછીવાડ અને વાંસીબોરસી વચ્ચેનો દરિયાઈ વિસ્તાર છે. જે સુરતના થકી ડુમસથી ૧૪ કિમી દૂર છે. એટલે કે તે લખન ૧૪ કિમી સુધી દરિયામાં મોત સામે ઝઝૂમ્યો હતો. પોતાની બોટમાં બેસાડીને લખનના ખબરઅંતર પૂછી તેને ચા, બિસ્કિટ તથા સુકો નાસ્તો આપી ખલાસીઓએ હૂંફ આપી હતી.
બાદમાં લખને ખલાસીઓને કહ્યું કે, પોતે સુરતનો છે, ડુમસમાં વિસર્જન વેળા તણાઈ ગયો હતો. આ સમયે તેની મોબાઈલ ફોન પણ હતો. પરંતુ પાણી જવાથી તે બંધ થઈ ગયો હતો. આ કેફિયત બાદ લખન વધુ ગભરાઈ જતા ખલાસીઓએ પૂછપરછ થંભાવી દીધી હતી.
અંતે બોટ માલિકે ગામમાં અને પોલીસને જાણ કરી હતી.નવસારીના ડીએસપીને ઘટનાની જાણ થતા તેઓ મધ્યરાત્રીએ ધોલાઈ બંદરે પહોંચ્યા હતા.અને આઇસીયુ એમ્બ્યુલન્સ સાથે તબીબી ટીમની ગોઠવણ કરી હતી.
રવિવારની વહેલી સવારે ૪:૩૦ કલાકે નવદુર્ગા બોટ લખનને લઈ ધોલાઈ બંદરે આવી પહોંચી હતી. જેમાંથી લખનને નીચે ઉતારી એમ્બ્યુલન્સ દ્વારા નવસારીની નિરાલી હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને જરૂરી સારવાર હાથ ધરાઈ હતી.